________________
આમ કહીને હું કોઈ તમારી ભૂલો બતાવવા માંગતો નથી. હું તો માત્ર પ્રેરણા આપવા માંગું છું. એક ધર્માત્મા તરીકે તમારી ઉપર મને મમત્વ છે, આત્મીયતા છે, પ્રેમ છે અને એ પ્રેમને કારણે જ સમાજનું દર્શન કરતાં મને જે દર્દ થાય છે તે દર્દ કયારેક આવી રીતે વ્યકત થઈ જાય છે. મારી ઝંખના એક જ છે કે સમાજ કેમ ઉજળો બને, કેમ કર્તવ્યનિષ્ઠ બને અને ઘર-ઘરમાં પ્રેમ, સદ્ભાવનાનાં ઝરણાં શી રીતે વહેતાં થાય.
હું તમને બહુ જ પ્રેમપૂર્વક કહું છું, આજે આ પ્રવચન સાંભળનારા અહીં બેઠા છે તેમને પણ કહું છું ને પછીથી કેબલ ટી.વી. ઉપર લાખો લોકો જ્યારે આ વાત સાંભળતા હશે એ જૈન હોય કે જૈનેતર હોય, એ તમામને કહીશ કે તમે જે ધર્મના હો તે તમામ ધર્મ એક જ વાત કરે છે કે માતાપિતાનાં ચરણોમાં પહેલાં ઝૂકી જજો, એમના ઉપકારોનું સ્મરણ કરતાં રહેજો, ને એમના હૃદયને કોઈ ઘા ન લાગે, એમની આંતરડી ના કકળે એની હંમેશા સાવધાની રાખજો. આ માટે તમારા અહંકાર છોડવા પડે તો છોડી દેજો. એમની ખાતર બે મોજશોખને છોડવા પડે તો છોડી દેજો. એમના માટે તમારે કોઈપણ વસ્તુનો ત્યાગ કરવો પડે તો કરી દેજો પણ તમારા જીવનમાં પહેલું સ્થાન તમારી માનું હોજો. તમારા જીવનમાં પહેલું સ્થાન પિતાનું હોજો અને પછી જ બીજા બધાનો પ્રવેશ હોજો. બસ આ જ વાતને તમારા જીવનનો મુદ્રાલેખ બનાવી દેજો. આમ કરશો તો ધર્મની સાચી યોગ્યતા તમારામાં પ્રગટી જશે.
૩૭