Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 40
________________ 10 દેવ અને રાજા અનાથ ભરી ભરી મરુભૂમિમાં, જે વખતની વાત કરીએ છીએ, એ વખતે લગભગ બે જણા નિરાધાર ભટકતા હતા : એક ભગવાન ને બીજો રાજા. એક ત્રિલોકના સ્વામી ભગવાનની મૂર્તિ ને બીજો જોધપુરનો નવજાત રાજા ! માણસોની દેવ અને રાજા પ્રત્યેની ભક્તિમાં કંઈ ઊણપ આવી નહોતી, છતાં મરવાનો ડર સહુને પામર બનાવી બેઠો હતો. વાત એવી બની હતી, કે મથુરાની પાસે આવેલા ગિરિરાજ પર્વત પરના ગોસાંઈને આલમગીર બાદશાહનો ખરીતો મળ્યો હતો : એમાં સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી, કે જો તમારા દેવ સાચા હોય તો આપેલી મુદતમાં કંઈ કરામાત બતાવો, નહિ તો તમારાં મંદિરને મસ્જિદ બનાવવામાં આવશે, જેથી ખુદાના બંદાઓ એમાં બંદગી કરી શકે. કળિયુગમાં કરામાત કેવી ? દેવની સાચી કરામાત તો માનવનાં પથ્થરહૈયાં સુવાળાં કરે, એટલી જ. પણ આ તો આલમગીર બાદશાહ, એનાથી બને તો સૃષ્ટિ પર એના માનેલા ધર્મ સિવાય બીજા કોઈ ધર્મને ઊભવા પણ ન દે ! મુદત તો પૂરી થવા આવી, ચમત્કાર જેવું કંઈ ન થઈ શક્યું. રક્ષણનો પણ કોઈ બંદોબસ્ત થઈ ન શક્યો. આભ સામે કોણ બાથ ભીડે ? યમ સામે કોણ બાકરી બાંધે ? નાનીશી ભક્તમંડળીએ નિરધાર કર્યો કે ખોળિયું ભલે જાય, પણ પ્રાણ રક્ષવો રહ્યો. રાવ દુર્ગાદાસ જેમ નવજાત રાજાને લઈને નીકળી પડ્યા એમ આખરે ગોવિંદજી ગોસાંઈ પણ ભારે હૈયે રથમાં દેવને લઈને મથુરા છોડી ચાલી નીકળ્યા ! રથના ધોરી ભારે ઉતાવળા હતા, એક ગામથી ઊપડ્યા કે ઝટ બીજું ગામ, પણ કોઈ ગામમાં દેવને બેસણું મળતું નહિ. સહુ એક અવાજે કહેતાં : એક જ વાત કહેતાં—ભારે ડહાપણની વાત કે ધન જોઈએ તો ધન લઈ જાઓ, વાહન જોઈએ તો વાહન લઈ જાઓ, બાકી આલમગી૨ની તાકાત સાથે અડપલું કરવું અમારી તાકાતની બહાર છે. ગામના જ દેવની ચિંતા છે, તો પછી આ નવા દેવના બેસણાની વાત કેવી ! સત્તા આગળ શાણપણ શા કામનું ? રથના ધીંગા ધોરીની ઘૂઘરમાળ આગળ ને આગળ વાગતી જાય છે, પણ કોઈ એને થંભાવતું નથી ! ભક્તો ઉદાસ છે. ગોસાંઈજી ગોવર્ધનધારીની રટણા કર્યા કરે છે : રે નાથનો નાથ, આજ અનાથ ! રથ આગળ ને આગળ વધે છે ! એ જમનાનો કાંઠો ને આગ્રા વટાવે છે. કોઈ માડીજાયો વૈષ્ણવ એના ધૂલિધુસર પ્રવાસનો અન્ન લાવતો નથી ! રથના ધોરી વેગ કરે છે. બુંદી ને કોટાના પ્રદેશમાં આવે છે. ત્યાંય યમરાજથી બાકરી બાંધનારા વીરો પણ એની વાટ ખતમ કરી શકતા નથી. ચંબલનું કોતરેકોતર એ દેવને રક્ષણ આપવા કમતાકાત નીવડે છે. ધીંગા ધોરી પાછા ફરે છે, ને આગળ વધે છે. ભયના ઓછાયા તો પથરાયેલા જ છે ! થોડા મરજીવાનો સંઘ આગળ કદમ બઢાવે છે. નાથના નાથનો સંઘ કિસનગઢ (કૃષ્ણગઢ)માં આવે છે, પણ કોઈના હૈયામાં કૃષ્ણપ્રેમ સળવળતો નથી ! નજર સામે આલમગીરની નગ્ન તલવાર સહુને માથે તોળાઈ રહી હોય, એમ શરણું આપતાં સહુનાં દિલ કંપે છે ! વાહ રે જમાના ! પુષ્કર સરોવરના તીરે રથનાં પૈડાં ખૂંપી ગયાં. ભાવિક લોકોએ મહામહેનતે બહાર કાઢી, જલદી જલદી ચાલી જવા સલાહ આપી. ધોરી ન ચાલી શક્યા તો માણસોએ ટેકો આપ્યો, ને ઝટ ઝટ રવાના કર્યા. ઉપરથી શાણી શિખામણ આપી કે દેવમૂર્તિ સાથે છે. અહીંના મોગલો ઝનૂની છે. વધુ વાર રહેવામાં જોખમ છે ! વાહ રે વાહ હિંદુ ધર્મ ! પ્રાણ ગયો છે, ખોળિયું રહ્યું છે, કદાચ આલમગીરને હાથે એને દેન અપાય તો દુઃખ લગાડવા જેવું તો નથી જ ! ગોવિંદજી ગોસાંઈ માનવ હૈયામાંથી રામ ચાલ્યા ગયેલા જોઈ, ભારે નિસાસા નાખે છે, ને કદમ બઢાવે જાય છે. એમનો દેવરથ ચાલતો ચાલતો જોધપુરરાજના ચાંપાસણી ગામે વિસામો લેવા થોભ્યો. જોધપુર પોતે અનાથ જેવું હતું, તો બીજાને શું સનાથ કરે ? ગોસાંઈજીનું દિલ હારી ગયું હતું. દેવરક્ષાનો પ્રસંગ ઊભો થઈ જાય, તો દેવરક્ષા કરતાં શિશકમળની પૂજા કરવાની એમને ઝંખના જાગી હતી. રે ! નાથ જેવો નાથ, આજ અનાથ ! એક રાતે મારવાડનો એક દસોંદી મળી ગયો. કીર્તિની અને કસ્તૂરીની સુગંધ દેવ અને રાજા અનાથ D 63

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98