Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 96
________________ ‘હા, પેલા રાજાનું મડદું તેં નહોતું જોયું ? એવું જ ! મારો ગાઢ આશ્લેષ, મારાં પાંચ-પંદર ચુંબન, મારી સાથેનો થોડી પળોનો સહવાસ, તને મડદું બનાવી મૂકશે. પછી જગતનો કોઈ વૈદ તને બચાવી શકશે નહિ ! જયસિંહ ! અમારા અનુભવે અમને શીખવ્યું છે, કે કોઈ નર પર પ્રેમ ન કરવો, નર હંમેશાં નાલાયક હોય છે. એને હથેળીમાં રમાડવો, પણ હૈયાથી છેટો રાખવો. મેં અનેક નર-ચક્રવર્તીથી લઈને શેઠશાહુકાર ને સેનાપતિ સુધીના નરોનો સહવાસ કર્યો છે. મારે મન હિંદુ મુસ્લિમનો પણ ભેદ રહ્યો નથી. વૃદ્ધ-જુવાનનો પણ તફાવત રહ્યો નથી, માત્ર સદાકાળ મારા પાલકોની આજ્ઞા મુજબ મારા વિષભર્યા સૌંદર્યમાં લુબ્ધ કરી તેમને સંહારવાનો મને શોખ રહ્યો છે. પણ જેમ ડાકણ દુનિયા આખીને ખાય તોય દોઢ ઘર છોડે, એમ ન જાણે તારા પર મોહનો કોઈ તંતુ મને વળગ્યો છે. મને તારા પર, તારી ભોળી, નિખાલસ જુવાની પર પ્રેમ જાગ્યો છે !' અને સુંદરીએ એક બેત ફટકારી : શરમસે નામ નહીં લેતે, કે સુન લે કોઈ ! દિલ હી દિલમેં તુમેં, હમ યાદ કિયા કરતે હૈં !” મને પણ સુંદરી ! તારા પર પ્રેમ જાગ્યો છે !' ‘પણ મારો ને તારો પ્રેમ ચકલા-ચકવીનો રહેશે. મોર અને ઢેલની ગતિ આપણી સમજવી.' ‘એ હું ન સમજ્યો !' મોર અને ઢેલનું જીવન તું જાણે છે ? મોર કળા કરે છે, દૂર ઊભી રહીને નીરખતી ઢેલને એથી તૃપ્તિ થાય છે. આપણું એ જ જીવન છે ! દૂર રહીશું ત્યાં સુધી સ્વસ્થ રહીશું. ભેગાં મળ્યાં કે સર્વનાશ વેરીશું.' “તો પછી આપણા પ્રેમનો અર્થ કંઈ-સાર કંઈ ?' સાર સંન્યાસીનો ! મારા આ ક્ષણભંગુર દેહને નકામો લેખવાનો. મારા આત્માની ચાહના કરવાની. જાણે છે પેલા સંન્યાસી ઉપગુપ્તની વાત ! વાસવદત્તા નામની રૂપજોબનમાં છકેલી સુંદરીએ જ્યારે દેહનાં દાન આપવા માંડ્યા ત્યારે ન લીધાં :ને કહ્યું કે સુંદરી ! મારો સમય આવશે ત્યારે વગર બોલાવ્યે ચાલ્યો આવીશ. ને જ્યારે વાસવદત્તા રોગથી કદરૂપી બની ગામ બહાર ફેંકાઈ ગઈ, ત્યારે યોગી પ્રેમ કરવા આવી પહોંચ્યો ! એણે કહ્યું કે તારા આત્મસૌંદર્યનો હરીફ તને છોડી ગયો, એટલે આવ્યો. હું છું આત્મસૌંદર્યનો પ્રેમી ! જયસિંહ ! આપણે જીવવું હશે, પ્રેમી બનીને જીવવું હશે તો આ યોગી અને ગણિકાનું જ આપણું નિર્માણ છે !' ‘તું કોણ છે, સુંદરી ? ઘડીમાં તું રંભા, ઘડીમાં પંડિતા, ઘડીમાં વ્યવહારદક્ષા, ઘડીમાં ઉત્કટ મોહના ! કંઈ સમજાતું નથી, આજ મને કહે કે તું કોણ છે ?” “આટલી રાતો વિશ્વાસથી કાઢી, ને આજે જ પિછાનની ઘડી આવી પહોંચી ?” ‘હા, હવે પિછાન વગર, ખુલાસા વગર મારાથી એક ક્ષણ પણ નહિ રહી શકાય ! કોણ છે તું ?* ‘મને જાણીને શું કરીશ ? મારાથી અજાણ્યો તું, આજ મને ગોદમાં લઈ રમાડવા માગે છે. મને પિછાણ્યા પછી મારા પડછાયાથી પણ ડરીશ !' ‘નહિ ડરું, સુંદરી ! રજપૂતી બુંદ છું. ઘાંચી-ગોલાનું સંતાન નથી.’ ‘ડરીશ ! જુવાન ! જરૂર ડરીશ. તું જ્યારે જાણીશ કે મારા હોઠ પર કાલીય નાગ કરતાં તીણ વિષ છે, મારા નખમાં વીંછીના ડંખ કરતાં વધુ વેદના છે, મારા આશ્લેષમાં ચંદન ઘોની ખૂની ખંજવાળ છે, મારા ગાલમાં સોમલની લાલી છે, મારા કેશપાશમાં ઊંટડિયું ઝેર છે, મારું લોહીનું એક એક ટીપું હળાહળથી ભરેલું છે : ત્યારે તું જરૂર ડરીશ ! ઇંદ્રવરણાં જેવાં રૂપાળાં મારાં અંગોમાં જીવહત્યાની ભયંકર જોગવાઈ છે. તું સાપથી બચી શકે, સિંહના પંજાથી બચી શકે, મારો એક નખ કે એક બચકું તારો પ્રાણ હરી લે !' - “ઓહ! ઓ માયાવી સ્ત્રી! તું કોણ છે? યોગિની, શાકિની, ડાકિની ! કોણ છે તું?” ‘યોગિની, શાકિની, ડાકિની તો મારી પાસે કોઈ ચીજ નથી. હું તો નરવ્યાધ્રોને સોડમાં લઈ સહજમાં એમનો અંત આણનારી પૂતના નારી છું.’ ‘આડીઅવળી વાતો બંધ કર. તું ખરેખર કોણ છે, એ મને કહે.' ‘જયસિંહ ! તો કાન ખોલીને સાંભળી લે ! હું વિષકન્યા છે. રાજ શેતરંજની એક મોટી સોગઠી છે. રાજા જેવા સોગઠાને મહાત કરનારી શક્તિ છું ! આ મારા બે બાહુમાં દિલ્હીપતિઓ, સિંહાસનસ્વામીઓ, સિપેહસાલાર, રાજાઓ, અમાત્યો આવ્યા છે અને હંમેશાં મને કચડી નાખી મોજ લેવા એ મચ્યા છે ! પણ બે પળ પછી એમનાં મડદાં મારી ઠોકરે ચઢયાં છે ! મારી જીવન કહાણી અજબ છે ! મારે એ જરૂર સાંભળવી છે ! એ પહેલાં બીજું કંઈ સાંભળવું નથી.’ ‘જયસિંહ ! તું છે જુવાન, પણ તારું દિલ બાળભોળું છે. બાળક જેવો તારો વાર્તાશ્રવણનો ઉત્સાહ છે. મારી જીવનકથા કહેવા માટે જ, સાથે સાથે તને જીવનસંદેશ આપવા અત્યાર સુધી બધી કથા કહી. આ કથામાં જ આગળ મારી જીવનવાર્તા આવશે, ધીરજ ધર, ને મારા સૌંદર્યના પાશમાંથી મુક્તિ મેળવી સ્વસ્થ થા ! ઇંદ્રવરણાનાં ફળ જેમ જોવામાં જ સુંદર હોય છે, એમ હું જોવામાં જ સુંદર છું. મારો એટલો જ ઉપભોગ છે ! નહિ તો ઇંદ્રવરણાનાં સુંદર ફળથી લોભાઈને એને ખાનારાના જેવી તારી દશા થશે.’ ‘મારા થોડા પ્રશ્નોના જવાબ આપ ! તારા મુખની બધી કથા સાંભળીશ, 174 n બૂરો દેવળ હું કોણ છું ? 1 175

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98