________________
પંચસૂત્ર
પહેલું સૂત્ર
જીવનો ભવ અનાદિ છે-કર્મને આધીન બનેલા જીવો જેમાં (વિવિધ પર્યાય રૂપે) ઉત્પન્ન થાય તે ભવ. ભવ એટલે સંસાર. અનાદિ જીવનો સંસાર પણ અનાદિ છે.
જીવનો સંસાર સાથી કરાયેલો છે તે કહે છે—
૧૫
જીવનો સંસાર અનાદિ કર્મસંયોગથી કરાયેલો છે— (નાન્યથા±) જીવનો સંસાર અનાદિ કર્મસંયોગ સિવાય બીજી રીતે કરાયેલો નથી. જો જીવનો સંસાર અનાદિ એવા કર્મસંયોગથી કરાયેલો ન હોય તો કર્મસંયોગથી મુક્ત જીવની જેમ (કર્મસંયોગ વિનાના) કેવલ જીવને પણ સંસારનો યોગ ન થાય.
અહીં તાત્પર્ય આ છે— જેમ જીવ અનાદિ છે, તેમ જીવને કર્મનો સંયોગ પણ અનાદિ છે. અનાદિ એવા કર્મસંયોગના કારણે જીવનો સંસાર છે. જો જીવ અનાદિથી કર્મસંયોગવાળો ન હોય એટલે કે કર્મના સંયોગથી રહિત હોય તો કર્મસંયોગથી મુક્ત સિદ્ધના જીવની જેમ કર્મસંયોગ વિનાના કેવલ જીવનો પણ સંસા૨ ન હોય. (અહેતુત્વાપત્તે:=) કર્મસંયોગ વિનાના કેવલ જીવનો પણ સંસાર હોય તો સંસાર હેતુ વિના થવાની આપત્તિ આવે. (કોઇ પણ કાર્ય કારણ વિના ન થાય એવો નિયમ છે. એથી જો સંસાર કર્મ વિના જ થતો હોય તો કારણ વિના જ કાર્ય થવાની આપત્તિ આવે. પણ જો કર્મસંયોગ અનાદિથી છે એમ માનવામાં આવે તો અનાદિ કર્મસંયોગના કારણે સંસાર પણ અનાદિ સિદ્ધ થાય. આમ કારણ વિના કાર્ય થવાની આપત્તિ ન આવે.)
પ્રશ્ન— સંસાર અનાદિ એવા કર્મસંયોગથી કરાયેલો છે. કરાયેલી (=ઉત્પન્ન થયેલી) વસ્તુ અનાદિ ન હોય. જે અનાદિ હોય તે ઉત્પન્ન થયેલી ન હોય.
ઉત્તર— સંસાર કરાયેલો હોવા છતાં તેવા પ્રકારના કાળની જેમ અનાદિ હોવામાં કોઇ વિરોધ નથી.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે— ભૂતકાળના સમયો પહેલાં વર્તમાનકાળના હતા, પછી ભૂતકાળના થયા. ભૂતકાળના સમયો જ્યારે તે તે કાળે વર્તમાન કાળના હતા ત્યારે તે ઉત્પન્ન થયા હતા. આમ ભૂતકાળની ઉત્પત્તિ હોવા છતાં આદિ નથી. તેમ પ્રત્યેક ક્ષણે કરાઇ રહેલા બંધની ઉત્પત્તિ હોવા છતાં બંધની આદિ નથી. આ