________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
બહેનશ્રીને વંદણા કરવાની તો છૂટ આપો.' ગુરુદેવ કહે: ‘ના; તેમને પણ નહિ, કોઈને નહિ; કેમ કે લોકોમાં બહાર ખબર પડી જાય, શંકા થાય કે ભાઈઓ વંદણા કરે છે માટે કાંઈક લાગે છે!’
પછી બહેનશ્રી પાસે જતાં તેમણે અમને પૂછ્યું: ‘શું તમે ગુરુદેવ પાસે જઈ આવ્યા ? અમે હસતાં હસતાં કહ્યું: ‘ગુરુદેવે તમને પણ કહેવાની ના પાડી છે.' તોય અમે તો, બહેનશ્રીએ જ સ્વયં ગુરુદેવને કહેલી વાત તેમને પણ કહેવાની ગુરુદેવે ‘ ના ' કહી તેથી થયેલા આશ્ચર્ય સાથે, તેમને બધું કહી દીધું...
હવે ત્યાર પછીનું તો બધું જાણીતું છે. પહેલાંનું જેટલું યાદ આવ્યું તેટલું કહ્યું બાકી પ્રસંગો તો ઘણા બન્યા હોય, પણ યાદશક્તિ ઓછી અને તે પ્રસંગોને ઘણાં વર્ષો વીતી ગયાં તેથી ઘણા પ્રસંગો યાદ ન હોય.
(સભામાંથી પ્રશ્નઃ- ‘આ આત્માને પરિભ્રમણનો કિનારો આવી ગયો છે’– એ લખાણવાળા પત્રનો તમે શો ઉત્તર લખ્યો તે યોગ્ય લાગે તો કહેવા વિનંતિ.)
પરિભ્રમણના કિનારાવાળો પત્ર મળ્યા પછી મેં તેમને આ પ્રમાણે લખ્યું હતું:
“ બહેન ચંપા,
કાગળ વાંચી ને હું તો દિંગ થઈ ગયો છું. કોઈ ને કોઈ જાગ્યા જ કરે છે એમ જાણીને હર્ષ થાય છે. પાંચમા આરાના અંત સુધી શાસન જીવતું છે. કહે છે કે આ કાળમાં સંત મળવા દુર્લભ છે. હું તો સંતને મળવાશોધવા-ન ગયો તો સંત મારે ત્યાં પધાર્યા હોય એમ લાગે છે! આટલી દુર્લભતાઓ મળી છતાં જો કાંઈ ન થાય તો કોનો વાંક?
મારી શંકાઓ શું શું છે, હું કયાં અટકું છું, મારો સ્વભાવ, મારી નિર્બળતાઓ-બધું તારી જાણ બહાર નથી. ‘નિશાની કહા બતાવું રે, તેરો અગમ અગોચર રૂપ ' એવા જવાબ કરતાં ઘણી વધારે આશા હું રાખું છું” આ પ્રમાણે, અપૂર્વ સાનંદાશ્ચર્યની ઊંડી લાગણી વ્યક્ત કરતા શબ્દો પત્રમાં લખાઈ ગયા હતા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk