Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પણ પુરું સમાધાન થતું નથી. કારણ કે ક્રિયાયુકત જ દ્રવ્યને જડ કહીએ છીએ ત્યારે બન્ને શબ્દ બોલવાની જરુર નથી. જડનો અર્થ જ્ઞાનરહિત ક્રિયાશીલ દ્રવ્ય એવો થાય તો પુનઃ ક્રિયાજડ કહેવાની આવશ્યકતા નથી. ફકત જડ કહેવું જ પર્યાપ્ત છે. અસ્તુ.
અહીં તો ઉપમા હોવાથી અથવા ઉપાલંભ હોવાથી ક્રિયા કરતા કરતા જડ જેવો થઈ જાય છે. વસ્તુતઃ ક્રિયાનું નિરંતરપણું પોતાનું કાર્ય પૂરું કર્યા પછી જો ચાલતું જ રહે તો તેનું ફળ વિપરીત આવે, અથવા જડતામાં પરિણમે અને નિરર્થક બની બાધક બની જાય. અહીં સિદ્ધિકાર આ ભાવને સ્પર્શ કરીને કેવળ જડની ઉપમા આપી ક્રિયાજડ વ્યકિતને સંબોધ્યા છે.
જડતાનું પૂર્ણરૂપ : આ ક્રિયા જડતામાં ઉમેરો કરનાર કે ક્રિયાજડતાને મજબૂત કરનાર એક બીજી પ્રક્રિયા શરુ થાય છે જેને અહીં કવિરાજ બહુજ કુશળતાથી સ્પષ્ટ કરે છે કે આવા વ્યકિત સાથે સાથે જ્ઞાન માર્ગનો વિષેધ કરે છે. અને પોતે જે રીતે પ્રવર્તમાન છે તે જ રીતે અહંકાર તત્ત્વનો આશ્રય કરી પ્રવર્તમાન બને છે. જ્ઞાનમાર્ગનો નિષેધ મનુષ્ય માટે બહુજ ભયંકર સ્થિતિ ઊભી કરે છે. જેમ ઘરમાં અંધારુ હોય તો એક પરિસ્થિતિ છે. પરંતુ અંધારાથી અકળાયેલો માણસ દરવાજો ખોલવા જ ન દે, બહારના પ્રકાશને આવતો રોકે, કે તેને અવરોધે કે તેનો નિષેધ કરે તો તે અંધકારની સ્થિતિને મજબૂત કરે છે અને અંધકારમાં રહેલા જીવને એક વિશેષ પ્રકારની વિટંબનામાં ડૂબાડી રાખે છે. જ્ઞાનમાર્ગનો નિષેધ તે કોઈ રોગીને રોગ તો છે, પરંતુ તે રોગી સ્વયં દવા લેવાનો નિષેધ કરે અથવા તેનો ડોકટર સર્વથા દવા લેવાની ના પાડે તો રોગીની વિષમ સ્થિતિ બને છે. રોગી રોગને વળગી રહેવાનો આગ્રહ રાખે તે કેટલી ભયંકર સ્થિતિ છે ? તેમ અહીં ક્રિયાજડ જ્ઞાનરૂપી ઔષધીનો ઉપચાર કરવા તૈયાર નથી અને તેનો નિષેધ કરે છે. તો તે પોતાને માટે કેટલી કફોડી સ્થિતિ ઊભી કરે છે. રોગી તો રોગના કારણે એકવાર મૃત્યુ પામે, પરંતુ આ જ્ઞાનમાર્ગનો નિષેધક, ક્રિયાજડ જીવ અનંતવાર મૃત્યુ પામે અથવા જન્મ-મૃત્યુના ચક્રમાં ગુંચવાતો જ રહે તેવી સ્થિતિ ઉભી કરે છે. ક્રિયાજડતા એ કાંટો છે અને જ્ઞાનમાર્ગ તેની દવા છે જ્ઞાનમાર્ગનો નિષેધ તે જડતાનો અતિરેક છે. તેથી જ અહીં ક્રિયાજડના લક્ષણમાં કે તેના કારણોમાં જ્ઞાનમાર્ગનો નિષેધ એ પ્રબળ કારણ માન્યું છે. એકલું બાહ્ય ક્રિયામાં રાચવું એ એટલુ બધુ ભયંકર નથી, કારણ કે તેમાં જ્ઞાનનું કિરણ આવે તો આ સ્થિતિ ટકી ન શકે. પરંતુ સાથે સાથે જો જ્ઞાનમાર્ગનો નિષેધ હોય અને આ બન્નેની વચ્ચે આંતરભેદનો અભાવ હોય અથવા ભેદ વિજ્ઞાન ન હોય તો જડતાનું તાંડવ થાય છે. તેથી આ ચોથી કડીમાં જડતાનું પૂર્ણ રૂપ પ્રદર્શિત કર્યું છે. એક રોગ છે, બીજું દવા લેવાનો નિષેધ કરે છે. ત્રીજું રોગ અને દવાનો કે ઉપચારનો ભેદ સમજતો નથી. તેને મન તો દવા અને રોગ બને એકસરખા છે. આવા ભેદજ્ઞાન રહિત વ્યકિતને જડ જ કહેવો રહયો ને? ક્રિયાજડ તો એટલા માટે કે તે એકસરખી ક્રિયાને કરતો જ રહે છે, વળગી રહે છે. વરના ખાલી જડ મળ્યો હોત તો પણ તીર નિશાન ઉપર જ લાગવાનું હતું.
પરંતુ અહીં બીજી કોઈ પ્રકારની જડતા કહેવાનો આશય નથી. પરંતુ ધર્મ ક્રિયાની જડતા તે મુખ્ય નિશાન છે તેથી તેને ક્રિયાજડ કહ્યો છે. અસ્તુ.
હવે આપણે મૂળ વિષય ઉપર આવીયે. જ્ઞાનમાર્ગનો નિષેધ શું છે? આ પદમાં પણ ત્રણ તત્ત્વો રહેલા છે.
insan o nummenmuseet 13 km