Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આત્મ પ્રદેશોથી ઝરતી અમૃતધારા છે.
(૩) આ ત્રીજી સુવિચારણા તે આઠમા ગુણસ્થાન પછીની, ક્ષાયિક ભાવોને સમજાવતી, ગુણશ્રેણીના ઉપરના બિંદુઓને પ્રગટ કરતી, મોક્ષમાર્ગ સુધી પહોંચાડનારી સુવિચારણા છે. અહીં જે “મોક્ષમાર્ગ” શબ્દનો ઉલ્લેખ કર્યો છે, તે અને પૂર્વની ગાથાઓમાં ઘણી જગ્યાએ મોક્ષમાર્ગ શબ્દ કહેવાયો છે, તેમાં આરંભિક માર્ગ અને અંતિમ બિંદુનો માર્ગ, તેમ માર્ગના બે છેડાનું વિવરણ છે. ચોથા ગુણસ્થાને સમ્યગુદર્શનથી શરુ થતું મોક્ષમાર્ગનું આરંભિક બિંદુ છે અને બારમા ગુણસ્થાને ઘાતી કર્મોનો ક્ષય થયા પછી જીવને મુકિત સુધી પહોંચાડે તે મોક્ષમાર્ગનું અંતિમ બિંદુ છે. મોક્ષ સાધનાની આ આખી સાંકળ, તે સંપૂર્ણ મોક્ષમાર્ગ છે. ભિન્ન-ભિન્ન પ્રકારના આધ્યાત્મ પરિણામો બધી જગ્યાએ મોક્ષમાર્ગનો સ્પર્શ કરાવી જીવાત્માને આગળ વધારે છે. જયાં જયાં જે જે બિંદુને જે જે ગુણોથી જીવાત્મા મોક્ષમાર્ગની અનુભૂતિ કરે, ત્યાં જીવ મોક્ષમાર્ગ પામતો જાય છે. “મોક્ષમાર્ગ એ શબ્દોમાં કવિનું હૃદય સ્પષ્ટ રીતે સમગ્ર મોક્ષમાર્ગનો ઉલ્લેખ કરી તેનું મહત્ત્વ બતાવે છે. અહીં આ ત્રીજી સુવિચારણા, જે પેટીમાં ક્ષાયિકભાવો ભરેલા છે, નિર્મોહ દશા ભરેલી છે, તે ખાસ સુવિચારણા મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવામાં આધારભૂત છે. ૪૨ મી ગાથા અહીં આત્માર્થીના લક્ષણોને સમાપ્ત કરી આત્માર્થી માટે આ ત્રીજી સુવિચારણા લક્ષ રુપ છે અને તેનું લક્ષ રાખી જે ચાલે છે તે આત્માર્થી છે. એટલું જ નહીં પણ આત્માર્થીના બધા લક્ષણ પણ ધરાવે છે, તે જાણે આત્માર્થીની પરીક્ષામાંથી પાસ થયેલા અને હવે મોક્ષમાર્ગ મેળવવાના અધિકારી છે તેમ સચોટ કહ્યું છે..
ગાથાનો આ પૂર્વાધ એક પ્રકારનો કળશ છે અને તે કળશ મંદિરના બધા સોપાન ચઢયા પછી કોઈ ઉપરના બિંદુનો સ્પર્શ કરે ત્યારે તેને જે અનુભૂતિ થાય તેવી અનુભૂતિ, તેવી સુવિચારણા આત્માર્થીને પ્રાપ્ત થાય છે. તેમ કળશ ચડાવ્યા પછી અહીં લક્ષણો પૂરા કરે છે. આ બધા લક્ષણો એક પછી એક કહ્યાં છે, તે હકીકતમાં અલગ અલગ લક્ષણો નથી. આત્માર્થ અને આત્માર્થી તેનું સ્વરુપ એક જ છે, પરંતુ અલગ અલગ લક્ષણોથી એક જ પદાર્થના જેમ ઘણા ગુણો હોય, તેમ આત્માર્થીના બધા ગુણોનું આખ્યાન કર્યું છે. પાકેલી કેરી એક જ છે, પરંતુ તેના , રંગ, તેની સુગંધ, તેનો આસ્વાદ, માધુર્ય, તેનું વજન ઈત્યાદિ ગુણોને કહેવાથી તે પાકી કેરીના લક્ષણો બની જાય છે, પરંતુ આ લક્ષણો વિભિન્ન નથી. એક જ દ્રવ્યમાં પરિણામ પામેલા ગુણો છે, તે જ રીતે આત્માર્થીના અત્યાર સુધી જે જે લક્ષણો કહેવાયા છે અને બધા લક્ષણો ઉપર આપણે ઊંડાઈથી ચિંતન કરી તેનું તાત્પર્ય મેળવવા પ્રયાસ કર્યો છે. તે બધા લક્ષણો આત્મદ્રવ્યના અર્થાત્ આત્માર્થના ભાવો છે. એક શુધ્ધ લક્ષણ જયાં પ્રગટ થયું, ત્યાં બધા લક્ષણોનું અસ્તિત્ત્વ હોય છે. આત્માર્થનું એક લક્ષણ હોય અને બીજું ન હોય તે સંભવ નથી બધા લક્ષણો એક સૂત્રમાં જોડાયેલા છે. આ લક્ષણોની એક માળા છે અને કવિરાજે અહીં એક માળના બધા મોતીઓનું ભિન્ન ભિન્ન રુપે આખ્યાન કરી મોક્ષમાર્ગની માળા સમર્પણ કરી છે. - સુવિચારણા ઉપજે છે ત્યારે મોક્ષમાર્ગ સમજાય એમ કહ્યું છે. આ “સમજાય' ક્રિયાપદ પણ સ્વતઃ સ્વભાવિક પ્રાકૃતિક ક્રિયાનો બોધક છે. સમજે છે એમ કહેવાથી કર્તાનો જુદો પ્રતિભાષ થાય છે, જયારે “સમજાય” એમ કહેવાથી આત્મામાં ઉદ્ભવેલી પ્રકાશમય ઉજજવળ અવસ્થા છે. જેમાં
પોતાના ૩૯૬