Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

View full book text
Previous | Next

Page 411
________________ આમ ત્રિયોને કલ્યાણનો માર્ગ નિર્ધારિત કર્યો છે. સરુ તે વ્યાખ્યાતા છે, આ બધો ઉપદેશ તે વ્યાખ્યાન છે અને જેને ઉપદેશીને કહેવાયું છે તે પાત્ર છે. ત્રણેયના ગુણો એક સરળ રેખામાં આવતા સાક્ષાત્ મોક્ષમાર્ગની પગદંડી સ્પષ્ટ થાય છે. અધિક કહીએ ! અમે અત્યાર સુધી આ બધા પદોને અને તેના એક એક શબ્દને વિવરણ કરી વ્યુત્પત્તિ ભાવોને સામે રાખી જરુર પડે ત્યાં વ્યાકરણના નિયમનો ઉલ્લેખ કરી દાર્શનિક દષ્ટિનો દોર પકડી જે કાંઈ અમારાથી શકય હતું તે કહેવાયું છે. બધી ગાથાઓનું ઝીણવટભર્યું વલોણું કર્યું છે. અભ્યાસીને કલ્પના ન હોય અથવા સમજયા ન હોય અથવા તેમણે ધાર્યા ન હોય 'તેવા અર્થોનું અને ભાવોનું ઉદ્ઘાટન કરી કવિરાજે આ રત્નમાણેકની માળા કેવા ઝીણવટ તારોથી ગૂંથી છે અને કેટલા ગંભીરભાવો અંદર મૂકયા છે. તેને પ્રકાશ્ય કરવા પ્રયત્ન થયો છે. આ રીતે આત્મસિધ્ધિ ૪૧ (સાડી ૪૧) ગાથા તો આ પ્રથમ ભાગ મહાભાષ્ય તરીકે પ્રગટ થશે અને તેના ઉપર જેમ દર્પણમાં શુદ્ધ પ્રતિબિંબ દેખાય એમ પ્રતિબિંબો જોઈને જે કોઈ ઉત્તમ વિવેચનને પચાવશે અને એ જ ભાવથી અને એવી જ નિર્મળ દૃષ્ટિથી તટસ્થ ભાવે જે કાંઈ સૂચન હોય તે પણ આવકાર્ય રુપે અવકાશ પામશે. આટલું અહીં સારાંશરૂપે કહી વિશેષ મંતવ્ય યોગ મળતા પ્રસ્તાવના રૂપે પ્રગટ કરવા પ્રયત્ન કરશું. વાંચતા વિચારતા, ધ્યેય અને ધ્યાનના વિષય તરીકે દર્શન કરતા પળે પળે મન ગદ્ ગદ્ થતું હતું. આ અધ્યાત્મ યોગીરાજે સહજ ભાવે મુમુક્ષુ જીવો માટે જે અમૃત પીરસ્યું છે અને જે શાતાકારી વર્ષા કરી છે, તેનો અંતઃકરણામા સ્પર્શ થતાં અંતઃકરણ પાવન થઈ જતું હતું. કેમ જાણે તેઓ સ્વયં અંદરમાંથી શ્રાવ્ય તત્ત્વોને પ્રતિશ્રવણરુપે કહી રહ્યા હતા. જે અંદરથી સંભળાતું હતું, તે લખાઈ રહ્યું હતું, વચમાં કોઈ જગ્યાએ અંતરની ધારા તૂટતી ત્યારે કેટલાક અધ્યાત્મ મૂલક ભાવો સ્વયં ગોઠવાઈ જતાં અને વ્યવહારિક ભાવો પણ પોતાનું યથાસ્થાન ગ્રહણ કરી લેતા હતાં. આખી ભાવ સૃષ્ટિ તે આ મહાન દિવ્ય દષ્ટાની સૃષ્ટિ છે અને આ સૃષ્ટિના કણકણમાં પરમ દૃષ્ટિ પથરાયેલી છે. ધન્ય છે આ સમગ્ર સાધનાની શ્રેણીને ! એક મુખ્ય વાત તે પણ કથનીય છે કે અધ્યાત્મદષ્ટિએ તો સમગ્ર ગાથાઓનું મૂલ્યાંકન અમૂલ્ય છે અને અધ્યાત્મદષ્ટિએ તો ઊંચું છે જ, પરંતુ મોક્ષની અપેક્ષા વિના પણ સમગ્ર ઉપદેશ એક નીતિમાર્ગની પણ સ્થાપના કરી જાય છે. નૈતિક જીવન કેવું હોય? માનવ જીવન કેવું હોય? માનવતા પરિપૂર્ણ હૃદય સમાજ માટે કેટલું ઉપકારી છે. તે પણ બધા પદોમાં સમાવિષ્ટ કરેલું ચિંતન છે. ક્યાંય માનવધર્મનો કે માનવતાનો જરાપણ પરિહાર કરવામાં આવ્યો નથી. તેમજ નૈતિક સંબંધોને ઠેસ પહોંચાડવામાં આવી નથી અસ્તુ. પાઠકને કે અધ્યતાને જે સંતોષ થશે જ પરંતુ અમને પોતાને આ પદોની વ્યાખ્યાઓથી જે સંતોષ થયો છે અને જે સુખાનુભુતિ થઈ છે, પદમાં જેમ કહેવાયું છે કે સુખદાયી, ખરેખર આ બધી ગાથા અને બધા ભાવો પરમ સુખદાયી થયા છે. હવે સમયના પરિપાક સાથે બાકીની ગાથાઓને સ્પર્શ કરી બીજા ભાગનું વિવેચન કરવાની તક મળે તેવી અભિલાષા સાથે વિરામ પામીએ છીએ. ૩૯૮ - - -

Loading...

Page Navigation
1 ... 409 410 411 412