Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નમ્રતા પ્રદર્શિત કરવા માટે વિનય નથી, પણ વિનય માર્ગનું અવલંબન કરી જીવ સર્વથા અહંકાર મુકત બની વિશેષ પ્રકારના શુધ્ધ પર્યાય રૂપી અધ્યવસાયોનું અવલંબન લઈ આત્મદ્રવ્ય પ્રત્યે સ્વયં મસ્તક ઝૂકી જાય અને અહોભાવ પ્રગટ થાય તે વિનયનો મૂળ હેતુ છે.
અહીં આપણે આટલો ભાવાર્થ કર્યા પછી હજુ પણ ઊંડાઈથી વિચાર કરશું તે વિનયમાર્ગનો મૂળ હેતુ શું છે ? અહીં હેતુ શબ્દ કારણવાચી છે. દર્શનશાસ્ત્રમાં હેતુ શબ્દથી કોઈ વ્યાપ્તિ દષ્ટિગોચર થાય છે. તે હેત અનુમાનમાં કારણભૂત બને છે અને અનુમાન કરવા માટે નિશ્ચિત સંજ્ઞા અભિવ્યકત કરે છે. અસ્તુ. અહીં આપણે હેતુને કારણ માન્યા પછી શાસ્ત્રકારે સ્વયં હેતુને વિભકત કર્યો છે અને કહ્યું છે કે મૂળ હેતુ કહેવાથી જ સામાન્ય હેતુ અને કોઈ ખાસ હેતુ એવા બે ભાવ સ્પષ્ટ થાય છે. “મૂળ” શબ્દ તાત્પર્યવાચી છે.
કોઈપણ શાસ્ત્રીય આદેશ કે પ્રવચનનો જે સામાન્ય સીધો અર્થ થાય તેને શબ્દાર્થ કહેવાય અને કહેલા શબ્દોથી થોડું વધારે સમજવું કે તેનો ભાવાર્થ છે. ભાવાર્થ સમજયા પછી ચિંતન કરવાથી ગૂઢાર્થ પણ પ્રગટ થાય છે પરંતુ આ બધા અર્થો વાકયના શબ્દ ઉપર આધારિત છે, જયારે એ બધા અર્થોથી નિરાળો એવો તાત્પયાર્થ હોય છે અને તાત્પયાર્થ લક્ષ વેધી હોય છે. અહીં શાસ્ત્રકારે મૂળ હેતુ એવો શબ્દ કહીને વિનય માર્ગનો તાત્પયાર્થ શું છે અને તેને કોઈ વિરલા સુભાગ્યે જ સમજે અથવા સમજી શકે છે તેમ ઈશારો કરી તાત્પર્ય કે રહસ્ય ભાવને અપ્રગટ રાખ્યો છે. રહસ્યભાવ જે કવિતામાં હોય તે કાવ્યની ઊંચાઈ બતાવે છે આપણા આ અધ્યાત્મયોગી આત્મસાધક તો છે જ પરંતુ સાથે સાથે ઊચ્ચકોટિના કવિ પણ છે અને તેના પદોમાં કાવ્ય ગુણો સાડીમાં ભરેલા જરીના તારની જેમ ચમકે છે. રહસ્ય એ અભિવ્યકિત કર્યા વિના કોઈ એક ઉત્તમ ભાવને અભિવ્યકત કરે છે. આ છે કાવ્યની વિલક્ષણતા.
આપણે મૂળ હેતુ ઉપર વિચાર કર્યો. અહીં વિનય માર્ગનો તાત્પર્ય અર્થ શું છે અને એ સિવાય પણ વિનય માર્ગનો બીજો ગૂઢ હેતુ શું છે જેને સુભાગી સમજી શકે છે.
ભારતના મહા વિલક્ષણ કવિ અધ્યાત્મયોગી મહાત્મા કબીર પોતાના પદોમાં ઘણી જગ્યાએ રહસ્યવાદનો ઉલ્લેખ કરી વિરલા સમજી શકશે, કોઈ શાણો હોય તે જ સમજી શકશે, એવા ભાવપ્રગટ કર્યા છે અને આજે મહાત્મા કબીર એક સ્પષ્ટ નિર્લેપ સાધકરૂપે તેમની કવિતાઓમાં જીવિત છે. ભારતની વિભૂતિઓમાં કબીરે સ્થાન મેળવ્યું છે અસ્તુ. અહીં આપણે મૂળ વાત ઉપર આવશું.
ગુરુદેવે પણ “સમજે કોઈ સુભાગ્યએમ કહીને વિનયનો મૂળ હેતુ ગુપ્ત રાખ્યો છે અથવા રહસ્યભાવ પ્રગટ કર્યો છે. કવિશ્રીનું શું મંતવ્ય છે તે આપણે જાણી શકતા નથી, પરંતુ આપણે આપણી રીતે મૂળ હેતુનો વિચાર કરીએ કે વિનય શા માટે કરવામાં આવે છે? વિનયને ધર્મમાં આટલું બધુ મહત્વપૂર્ણ સ્થાન કેમ આપ્યું છે ? વિનયનું શું પ્રયોજન છે આ બધા પ્રશ્નોના સાચા
૨૪ .