Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 52
________________ પણ જાણે અહીં, આટલા પરિસરમાં સવિશેષ વરસતો હતો. અજવાળિયાના ચાર-છ દિવસમાં મહિનાભરનું ભાથું ભરી દેવાની લાગણી થઈ આવી હશે એને. હવાના તાલે મંદિરજીની ઘંટડીઓ રણકતી હતી અને ધ્વજાનો ફડફડાટ રેલાયા કરતો હતો. સમવસરણનાં મંદિરને ડૂબતા સૂરજનાં નેપથ્યમાં જોયું છે. સંધ્યાના લાલ રંગો ને સોનેરી રંગોમાં એની તેજસ્વિતાને થોડી ક્ષણો માટે નવું રૂપ મળે છે. ભરબપોરના તડકે તો એ અરીસામાં ચમકતા રેશમી સફેદ કપડાંની જેમ ઝળહળા થાય છે. વાદળાઓ ઘેરાય ત્યારે એનો રંગ, માટીનાં પાત્રમાં રહેલા દહીં જેવો સુરખીદાર બની જાય છે. અમાસની રાતે તારોડિયાના ઉજાસને એ પકડી પાડે છે. પણ ગઈ કાલે તો રાત, ચાંદો, સમય અને શ્વાસ સાવ થંભી ગયા હતા. ચાંદીના ચળકાટ કરતાય કશુંક વિશેષ હતું અને હીરાનાં તેજ કરતાય કશુંક ઊંચું હતું જે સતત દેખાતું હતું. પ્રભુ વીરે વૈશિકાયન તાપસની તેજોવેશ્યાથી બચાવવા માટે ગોશાળા પર જે શીતલેશ્યા વહાવી હતી તેના કોઈ પરમાણુઓ અહીં પથરાયા હતા. આંખો જ નહીં, અંતસ્તલને પણ બેહદ શીતલતા સાંપડતી હતી. શ્રી સમવસરણમંદિરનું દુગ્ધ-ગર્ભ રૂપ બેજોડ છે. તેનો મહિમા ફેલાયો છે, સ્તૂપના આધારે, વૈશાલી નગરીની તાકાત જેમ એક સ્તુપમાં હતી તેમ આ તીર્થની શક્તિ અહીંના સ્તૂપમાંથી પ્રગટ થઈ છે. અસંખ્ય રહસ્યો છૂપાયાં છે, સૂપમાં. કેવલી બન્યા પછી અને તીર્થકર થતા પહેલા ભગવાને જે રાત્રિવિહાર કર્યો તે આ સૂપની ભૂમિ આગળ અટક્યો હતો. ભગવાનને અહીં બોલાવી લાવનારું અવર્ણનીય તત્ત્વ આ સૂપની ભીતરમાં અકબંધ છે. વિરાટ શિવલિંગ જેવા આકારનો સ્તૂપ જોયા બાદ પગ થંભી જાય છે. સ્તૂપની પાસે ઊભા રહ્યા પછી ખસવાનું મન નથી થતું. સ્તુપ પર ચિત્ર, મૂર્તિ કે શિલ્પાંન નથી છતાં દર્શન કરવામાં તૃપ્તિ નથી થતી. પ્રભુવીરની સ્પર્શનાનું આ અનિવાર્ય બળ હશે, સેંકડો વરસોથી આસમાન તળે રહેવા છતાં આ સ્તૂપમાં તિરાડ નથી પડી, ખાડા નથી થયા. નજીકમાં કૂવો છે તેનાં પાણી દિવાળીના દિવસે ઘીની જેમ જ દીવાની જયોતમાં કામ લાગતાં. આ સ્તૂપ, કૂવાનો ચમત્કાર ઘણો છે. ભારતનું સર્વપ્રથમ સમવસરણ મંદિર ચમત્કાર જ છે ને ? એનાં ત્રણેય ગઢ, બાર પર્ષદા, અજીબ અશોકવૃક્ષ, બીજા ગઢમાં કોતરેલાં દેવવિમાનોની આશ્ચર્યભરી વિવિધતા, પહેલા ગઢમાં કોરેલાં પશુઓની ભીડ અને આ બધું જ સંગેમરમરનાં ઉજવળ સૌન્દર્યમાં છે તેની અલગ જ અનુભૂતિ. સમવસરણમાં આજે તો પ્રભુમૂર્તિ છે. પણ અઢી હજાર વરસ પૂર્વે સાક્ષાત ભગવાન બિરાજેલા હતા તે સમવસરણની તો વાત જ શી કરવી ? તે વખતે દ્વાદશાંગીની રચના જેવી કલ્યાણકતુલ્ય ઘટના ઘટી હતી. સમવાયાંગવૃત્તિમાં નોંધાયું છે તેમ સૌ પ્રથમ દૃષ્ટિવાદનાં પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા આ પાંચેય ભેદ તથા ૮૩ ઉપભેદ સ્પષ્ટ સુવાંગ શબ્દબદ્ધ થયા તે ઘડીની ક્ષણે ક્ષણે શાશ્વતીના સૂરો ગુંજયા હતા. દશમા પૂર્વથી તો વિદ્યાગર્ભિત પાઠોનું ઉદ્દગાન થયું. તે વખતે ચૈતન્યના તરંગો, ભરતીના પડછંદાની જેમ પ્રસર્યા હતા. ત્રિસૂત્રીનાં દાન મેળવ્યાં પછી ગણધર ભગવંતો આખરે પ્રભુના હાથનો વાસક્ષેપ પામ્યા હતા. તે પૂર્વે મહાબ્રાહ્મણ શ્રી ઇન્દ્રભૂતિજી પ્રભુને પડકારવા આવ્યા હતા તે દેશ્યનો અનુભવ મળે છે, શ્રી સમવસરણ મંદિરના પહેલા ગઢનાં પ્રથમ સોપાન પાસેથી. ત્રણ તોરણને પેલે પાર બિરાજમાન ભગવાનને જોઈને એ બ્રહ્મદેવનું માનસિક પરિવર્તન શરૂ થયું તે ઉત્થાન-ક્રાંતિ તો આ સમવસરણ મંદિર વિના કલ્પનામાં આવે જ નહીં. ભારતમાં હવે તો અનેક જગ્યાએ સમવસરણ મંદિર થયા છે. એ શૃંખલાનું પ્રથમ મંદિર આ છે. સમવસરણનાં દર્શન નજીકથી અને વારંવાર કર્યા તેથી પ્રભુજીવનનાં કેટલાય પ્રસંગોનો અવબોધ સ્પષ્ટ થયો. શ્રીસમવસરણમંદિર તીર્થમાં દ્વાદશાંગી ભવન હોવું જોઈએ. અહીં દ્વાદશાંગીની રચના થઈ છે ને અહીં આગમની પ્રત જ નથી મળતી. કેવી વિચિત્ર વાત ? અહીં તો બધાં જ આગમ રાખવા જોઈએ. સાધુ મહાત્માઓ આવે, ગણધર ભગવંતોની વાચનાભૂમિ પર આગમોનો આસ્વાદ કરવાનું મન થાય તો અગિયારેય અંગ હાજર હોય તે સૌથી મોટી સુવિધા કહેવાય. આગમોની જનમભૂમિ પર આગમ સાથે સંવાદ થાય તેથી મોટું સુખ ક્યું હોઈ શકે ? પિસ્તાળીશ આગમનાં તમામ પ્રકાશનો, સંપાદનો અહીં સંગૃહીત થવા જોઈએ. એના અક્ષરે અક્ષર અહીં જીવંત લાગશે. સંચાલકોને વાત તો કરી છે. જે થાય તે ખરું.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107