Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 98
________________ ૧૮૩ સિદ્ધાંત માટે બધું જ કરી શકે છે. આવા કટ્ટર રાજાઓને શાસન મળ્યું હોય તો ? એણે ખીણમાં કૂદતી વખતે આખો પરિવાર સાથે રાખ્યો હતો. બધાયની આંખે કાળા પાટા બાંધીને એમણે આખરી અશ્વારોહણ દ્વારા મોતને આંબી લીધું હતું. (e) ગહન જંગલની વચ્ચેથી રસ્તો જતો હતો. એક જગ્યાએ ટ્રકો ઊભેલી. એ ધાબું હતું. ત્યાંથી નીકળ્યાં તો તેના માલિકે બૂમ પાડી બોલાવ્યા. અમે ઈશારાથી ના પાડી તો એ પાગલની જેમ ધસી આવ્યો. હાથ પકડીને તાણી ગયો. ચાય-પાની-નાસ્તાનું પૂછ્યું. ના જ પાડી. ખૂબ લાગણીથી વાતો કરતો રહ્યો. એ પંજાબી હતો. લાંબી દાઢી. લાલ પાઘડી. પડછંદ દેહ. ઘેઘૂર અવાજ. ભાવભરી મોટી આંખો. એ ડોકું ધૂણાવતો ત્યારે આખું ઢાબું ઝૂમતું. અમે ઉઠ્યા. એણે રોડની સામે પાર બંધાતું મકાન બતાવી કહ્યું : વાપિસ લોટતે સમય હમારે બંગલે મેં રુકના હી પડેગા. એ સ્થાનનું નામ હતું મુરમરી. ઘણાં બધાં વૃક્ષોનો મર્મરધ્વનિ સંભળાતો હતો તેથી મુરમરી નામ રાખ્યું હશે. સાધુવેશના પ્રભાવે અજાણ માણસોય સેવા કરવા માંડે છે. પાત્રતા, સેવા લેવાની પાત્રતા તો સાચાં સાધુજીવનમાં છે. આત્મનિરીક્ષણ થતું અને લાગતું એવી પાત્રતા નથી આવી હજી. (૯) ભૂકેલ-માં વરસાદે પહેલો પરચો બતાવ્યો. પહેલાં તો વાવંટોળનું જોર હતું. શાળાનાં વિશાળ મેદાનમાં ઊભા રહીએ તો ઊડી જઈએ તેવી પાગલ હવા હતી. ધૂળ અને સૂકા પાંદડાની ધમધમાટી હતી. ઘટ્ટ લાગતા વાદળાં આકાશમાંથી દૂર દૂર રેલાઈને નીચે ઊતરતાં હતાં. ભરબપોરે સફેદ ઝગ વીજળીઓ ચમકતી હતી. જોશભેર વરસાદ મંડાયો તે પછી જલધારાના અનંત કણો ભૂખરા રંગમાં ચમકતા નીચે આવતા હતા, તે એક અલગ દૃશ્ય બની જતું હતું. થોડા જ સમયમાં વરસાદ અટક્યો. અમે નીકળ્યા. હવાના ધક્કે ઝડપથી પહોંચ્યા સૂઈપાલી ગામે. જૂની સ્કૂલ હતી. તાળું બંધ. ચાવી ન મળી. ઓસરીમાં ગાય ૧૮૪ બાંધેલી રાખતા તેનાં છાણ પણ પડેલાં હતાં. પાછળની ઓસરી જોઈ. સ્કૂલની પાછળ નાના તળાવ જેવો ખાડો હતો. તેમાં પાણી ભરાય તો સ્કૂલમાંય પાણી ઘૂસી આવે. એનાથી બચવા દોઢ બે હાથની પાળી બાંધી હતી, સ્કૂલની પાછલી ઓસરીમાં. ઓસરી લાંબી હતી, પહોળી નહીં. પાળી કૂદીને અંદર પહોંચ્યા અને ધડાકાભેર વર્ષા શરૂ થઈ. આકાશનું પડ ફાટતું હોય તેવા ભડાકા સંભળાવા લાગ્યા. વાદળામાં ગર્જારવ. ઘંટી પીલાતી હોય તેવો ઘેરો નાદ ઉઠવા માંડ્યો. વાછટની લહેરે ઓસરી ભીંજાવા માંડી. ઊભા ઊભા રાહ જોઈ. વંટોળિયો શમ્યો. વરસાદ ચાલુ રહ્યો. ઓસરીનાં પાણી ધીમે ધીમે સૂકાયાં. છાપરાનાં તળિયે પાણી પડવાનો એકધારો અવાજ થયા કરતો હતો. ચારે ઊંઘ આવી તેની ખબર ના પડી. સવારે આકાશ સાફ હતું. એ વરસાદી તડામારી યાદ રહેવાની. (૧૦) સ્કૂલના શિક્ષકો મળ્યા. ચૂંટણીઓ આવી રહી છે તેની ચર્ચા શરૂ થઈ. રાજકારણી લોકો પૈસા બનાવી લે છે, પ્રજાને સાચવતા નથી આ મૂળ મુદ્દો. આજે પરિસ્થિતિ એવી છે કે ફરિયાદો કરવાથી કોઈ ફરક પડવાનો નથી. રાષ્ટ્રપતિ કહે છે રાજકારણમાં લાંચરુશ્વતનું જોર વધી ગયું છે તોય કોઈ સુધરતું નથી. આપણો વિરોધ એ લોકો સુધી નથી પહોંચવાનો. પહોંચે તો એની અસર નથી થવાની. અસર થાય તો કોઈ બદલાતું નથી. જૂનો રોગ છે. વકરી ગયો છે. ભ્રષ્ટાચારનો વિરોધ આપણાં જીવનમાં આવે તોય ઘણું છે. મામકા અને પારકાના ભેદભાવો આપણે બધા જ રાખીએ છીએ. પોતાના હોય એમને સાચવો, પરાયા હોય તેને લટકાવી દો, આ આપણી નીતિ છે. આપણું કામ ન થાય તો, લાંચ આપવાની આપણી તૈયારી છે. કટકી મળતી હોય તેવી દલાલી આપણને મંજૂર છે. બીજાની પર ઉપકાર કરવાનાં નામે પૈસા આપણેય ખાધા છે. આપણા તમામ ચોપડા ચોખ્ખા નથી. જેણે પાપ કર્યું ના એકે, તે પથ્થર પહેલો ફેંકે. કોઈ બાકી નથી. રાજકારણીઓને ગાળો આપવા પાછળ બીજી જ ભાવના કામ કરે છે. એમણે પૈસા બનાવી લીધા તે ખોટું છે કેમ કે અમને એ પૈસા બનાવવા ન મળ્યા. એમને લાંચ મળી તે ભ્રષ્ટાચાર છે કેમ કે એ લાંચ અમને મળવી જોઈતી હતી.

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107