Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 74
________________ ૧૩૫ આકાશમાં ઊડવા માંડેલા આજના તથાકથિત સાધુઓને આવાં નાનાં ગામો યાદ નથી આવતાં. એમને વિદેશ જવું છે, ભારતનાં ગામડાઓમાં નથી આવવું. સફેદ પ્રજાની સામે અંગ્રેજી ગાંગરવું છે, આપણા ભક્તજનોને સાદી ભાષામાં સમજાવવું નથી. વિમાનોમાં ઊડવું છે, ગામડાં ગામની હાડમારી વેઠવી નથી. એરકંડિશન્ડ ગાડીઓમાં ઘૂમવું છે, સાદા રહેઠાણોમાં રહેવું નથી. વિદેશમાં ધર્મનો પ્રચાર થાય તેના ગીતડાં ગાવાં છે, ભારતની ભૂમિ પરથી ધર્મ ઉખડી રહ્યો છે તેને યાદ સુદ્ધાં કરવો નથી. એમને હજારો માઈલ દૂર રહેલા દેશની ફિકર થઈ. થોડાક સો માઈલ દૂર રહેલા ભારતના પ્રદેશોની પરવા કરવાનું ના સૂઝ્યું. ધર્મ-પ્રચારના નામે દંભ ચાલે છે, પૂરવાર થઈ રહ્યું છે. એમને ધર્મ જ પ્રચારવો હોત તો ગાડીમાં બેસીને ગામડામાં ફરતા હોત તોય એ સારી રીતે ધાર્યું કરી શકત. (ગાડીમાં બેસે તેને ટેકો નથી. તેમના બહાનાને, ધર્મપ્રચારનાં બહાનાંને સ્પષ્ટ કરવું છે માત્ર.) ગામડામાંય શ્રીમંતો મળી આવે છે, એવા શોખ હોય તો. સાધુબાપાને જ વિદેશ-વા ઊપડ્યો હોય ત્યાં થાય શું ? સારું છે આવા સાધુ ગામડાઓમાં નથી ફરતા તે. નહીં તો એવા બગાડી મૂકશે આ લોકોને કે સાચા સાધુ હેરાન થઈ જશે. વિદેશમાં ચાલ્યું છે. ત્યાં જનારા પોતાને સાચા સાધુ ગણાવે છે. ભારતના સાધુઓ જૂનવાણી અને અવહેવારુ છે એવી વાતો ફેલાવે છે. પોતાને ક્રાંતિકારી માનનારા એ બાવાઓ ધર્મથી દૂર ગયા તે એમનાં પાપે. ગામડાનાં આ સજ્જનો ધર્મથી દૂર રહ્યા છે તે કોનાં પાપે ? શહેરી સંસ્કૃતિનાં પાપે. ગામડામાંથી ઘરો કમ થવા માંડ્યાં, સાધુઓ તેથી રોકાતા નથી. ઘરો ઘણાં હોત તો સાધુને રોકાવું જ પડત. છતાં એક સંતોષ છે. વિદેશના અજ્ઞાની લોકો ગમે તેવાને સાધુ તરીકે ચાલી જવા દે છે. ભારતનાં ગામો ગડબડ ગોટાળા કરનારાને ઊભા રહેવા નથી દેતા. અજ્ઞાન હોવા છતાં થોડું તો આચરણ એ સમજતા હોય છે. જોકે, ભૂલાવામાં તો આ લોકોય હોય છે અને એ ટાળવા તો રોકાવું હતું, ગામેગામ. થાય શું ? દિવસો છે નહીં, વરસાદ માથે છે, રસ્તો લાંબો છે. જેઠ વદ ૨ : લખનવા એ અનુભવ તે દિવસે જ લખવો હતો. સમય ના રહ્યો, લંબાતું ગયું. ચિત્રકૂટની પહાડી દૂરથી દેખાતી હતી. નજીકથી તે પસાર કરી. રામઘાટના રસ્તે ૧૩૬ ઘાટની સામેની દિશામાં એક બોર્ડ વાંચ્યું. પળભર માટે પગનું જોમ ચાલી ગયું. આગળ ચાલવાની તાકાત તૂટી ગઈ. બોર્ડ પર લખ્યું હતું : ઉત્તરપ્રદેશ સીમા સમાપ્ત. ઝાટકો લાગ્યો. બિહાર અને ઉત્તરપ્રદેશ તો તીર્થંકર ભગવંતોની કલ્યાણક ભૂમિ. દોઢ બે મહિનાથી પ્રભુનાં સ્થાનમાં ચાલતા રહ્યા. રજેરજમાં ભરેલી પવિત્રતાને અવગાહતા રહ્યા. પ્રભુનાં પગલાં થયાં હોય, પ્રભુ ઊભા રહ્યા હોય કાઉસ્સગમાં, પ્રભુની દેશના થઈ હોય, પ્રભુના હાથે દીક્ષા થઈ હોય, ખુદ પ્રભુનાં કલ્યાણકો થયા હોય તેવી પરમપાવન ધરતીના સંગે શ્વાસ લેવાનું સૌભાગ્ય એ ક્ષણે ઝૂંટવાઈ રહ્યું હતું. બિહાર છોડ્યું ત્યારે તો ઉત્તરપ્રદેશનો સધિયારો હતો. ઉત્તરપ્રદેશ છોડવાના દિવસે કોના ખોળે રોવું તે સમજાતું નહોતું. પ્રભુને છોડીને ચાલી જવાનું હતું. પ્રભુ પાછળ રહી જવાના હતા. રોજ પ્રભુથી દૂર ને દૂર જવાનું હતું. એ નિર્મલ ધરાતલનો સ્પર્શ ઝૂંટવાઈ રહ્યો હતો. સમવસરણમાંથી બહાર નીકળતા ભાવુક ભક્તની વેદના સમજાતી હતી. આજ સુધી તીર્થયાત્રા ચાલતી હતી. હવે વિહાર થવાનો હતો. ચોમાસા માટેનો વિહાર. પ્રભુના વિરહનો વલોપાત દિવસો સુધી ચાલ્યો હતો.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107