________________ અરે ! જરા નવરા પડ્યા અથવા બીજી ત્રીજી કોઈ નિષ્ફળ અગર પાપ બંધાવનારી વાતચીત, વિચારણા કે ચિંતામાં પડ્યા, એમાંથી શો સાર નીકળવાનો ? તો એના બદલે ઉમદા ભાવનામાં મનને લગાડીએ, પૂર્વના અને વર્તમાન તેવા કોઈ ઉત્તમ પુરુષોના જીવન પ્રસંગને વિચારીએ, એમના સત્પરાક્રમો પર ચિંત્વન કરીએ, તો સારનું ગ્રહણ થાય. અરે ! બીજું કાંઈ ન આવડે તો ય નમસ્કાર મહામંત્રનો જાપ કર્યો જઈએ, તે પણ દા.ત. 3,6,9 વગેરે સંખ્યા યાદ રાખતાં ગણીને, જેથી ચિત્ત એમાં જ રહે, અને આટલા આટલા નવકાર ગણાયા, એનું આશ્વાસન મળે, તો ય તે એક મહાન સાર-ગ્રહણ છે. એમ ચોવીસ જિનેશ્વરોનાં નામ એકવાર, બીજીવાર, ત્રીજીવાર... એમ એમ સ્માર્યો જઈએ, તો તે પણ ઉભય લોકની દષ્ટિએ સારભૂત કમાઈ છે. આવું બધું છોડીને મગફળીના ફોતરા ખાંડવા તુલ્ય આડી અવળી નિસ્સાર વિચારણા કર્યે જવામાં શો લાભ ? શી ઉન્નતિ ? એમ સાર જોઈએ છે ને ? સ્વાર્થની પ્રવૃત્તિ વચ્ચે પણ કમમાં કમ વધુ પાપની પ્રવૃત્તિથી બચીએ, અભક્ષ્ય ત્યાગ, અવાચ્ય ત્યાગ, અન્યાયત્યાગ, આવેશનો ત્યાગ, હુંપદનો ત્યાગ, અયોગ્ય સ્થળને અસત્સંગનો ત્યાગ,.... વગેરે તો કરી શકીએ ને ? તો જ સાર હાથમાં આવવાનો છે એ સમજી રાખજો . સાર, અસાર તો જગતમાં નિશ્ચિતપણે વહેંચાઈ ગયેલી વસ્તુ છે, ફળમાં ગલ સાર, તો ફોતરાં અસાર; છોડ પર ગુલાબ સાર, તો કાંટા અસાર; ખાણમાં સોનું સાર, તો માટી અસાર; શરીરમાં ધાતુ સાર, તો મળ મૂત્રાદિ અસાર; એમ, જીવનમાં નિરર્થક કે નુકસાનકારક વિચાર વાણી-વર્તાવ એ અસાર, અને સાર્થક હિતકારી વિચારણાદિ એ સાર, આવો વિભાગ કેમ ખ્યાલ બહાર રહે ? દોષ-દુર્ગુણો અસાર અને ગુણો એજ સાર, પાપ અસાર અને ધર્મ એજ સાર, કર્તવ્યમાં શૂન્ય-મગજ કે બેદરકારી એ અસાર, અને જાગૃતિ, ઉપયોગ અને ચોક્સાઈ-ચીવટતા એ સાર, એ કેમ નિશ્ચિત ન કરી રાખીએ ? ઉપાધિ થી સમાધિ તરફ 1 2 1