________________
[ ૯૮ ]
ગૃહસ્થ ધર્મ
પ્રભુજીને સ્મરણમાં લાવી, પોતાના અંતઃકરણને વિશુદ્ધ કરવા નિમિત્તે તેમનું પૂજન કરતાં શરૂઆતમાં નિર્મળ પાણીથી તેમને અભિષેક કરવો. ચાલુ શબ્દોમાં કહીએ તો સ્નાન કરાવવું.
આ સ્થળે એટલું ધ્યાન રાખવું જોઇએ કે જે પ્રભુને ઉદ્દેશીને સ્નાન કરાવાય છે તે તો સદાય પવિત્ર છે. આત્મ સ્વરૂપથી અગાધ નિર્મળતામાં ઝીલી રહ્યા છે. તેને આપણે પાણીથી સ્નાન કરવાની જરાપણ અપેક્ષા નથી એટલે આપણે પ્રભુને સ્નાન કરાવીએ તેનો હેતુ પ્રભુને રાજી કરવાનો હોય એમ ધારવાનું નથી, પણ આપણને પોતાને શુદ્ધ અને પવિત્ર થવું છે તે ઉદ્દેશ ધ્યાનમાં રાખી આ નિમિત્ત દ્વારા તે કાર્ય સિદ્ધ કરવાનું છે એ આશયથી આ સ્નાન કરવાનું શરૂ કરવું.
સ્નાન કરવામાં ઉત્તમ તીર્થના પાણી, કૂવા, વાવ, સરોવર કે નદી યા સમુદ્રના પાણીનો ઉપયોગ કરવો. આપણી ભાવનાની વિશુદ્ધિમાં વધારો કરવા નિમિત્તે ઉત્તમ, પવિત્ર, નિર્મળ પાણીનો ઉપયોગ કરવો. .
આ સ્નાન કરાવતી વખતે આપણા હૃદયની ભાવનાઓ ચાલુ રાખવી જોઇએ. એટલે સ્નાન કરાવતી વખતે મનમાં એવો વિચાર કરવો કે, હે પ્રભુ ! તમે પોતે તો સ્વભાવથી વિશુદ્ધ જ છો તમને મારા તરફથી કરાતા સ્નાનની કાંઇ પણ અપેક્ષા નથી પણ સ્નાન કરવામાં મારો પોતાનો જ સ્વાર્થ છે, અને તે સ્વાર્થ આ નિર્મળ પાણી દ્વારા હું પ્રગટ કરું છું કે હે નાથ ! આ પાણી પવિત્ર હોઈ મળને દૂર કરનાર છે. તેને પીવાથી તૃષા દૂર થાય છે. સ્નાન કરવાથી ગરમીનો તાપ શાંત થાય છે. આ પાણી જગતનું જીવન છે. અનંત જીવોનો આધાર આ પાણી ઉપર છે, અને પાણીને લઈને જ આ દુનિયાના જીવોની હૈયાતિ ટકી રહે છે. પાણીનો આપના શરીર ઉપર અભિષેક કરતાં હું મારી અંતઃકરણની ભાવના ને પ્રગટ કરું છું.