________________
[ ૧૩૦ ]
ગૃહસ્થ ધર્મ
ત્યાર પછી પ્રતિક્રમણ કરવું. કેમ કે ક્રિયા સહિત જ્ઞાન મોક્ષનું સાધક છે. એકલું જ્ઞાન કે એકલી ક્રિયા ફળ આપતી નથી પણ બન્નેની સાથે જરૂર છે. જ્ઞાનથી પોતે જે જાણ્યું છે ક્રિયા દ્વારા તે પ્રમાણે વર્તન કરવાનું છે. તે વર્તનમાં જ્યાં જ્યાં ભૂલો થઈ હોય, વિસ્મરણ થયું હોય અથવા તેવા વિષમ પ્રસંગો આવી પડતા ધીરજ ન રહી હોય, તેને લઈ લીધેલ નિયમમાં, કરેલ પ્રતિજ્ઞામાં જ્યાં જ્યાં દૂષણ લાગ્યું હોય તે તે યાદ કરી, તેને માટે પશ્ચાતાપ કરી, માફી માંગી, પ્રાયશ્ચિત લઈ કરેલી ભૂલને સુધારી લેવી, છિદ્ર પડ્યું હોય ત્યાં થીંગડું-ડગળી, આપી છિદ્ર બંધ કરી વ્રતને મજબૂત બનાવવાં, કરેલી પ્રતિજ્ઞાને દૃઢ કરવી અને ઉત્તમ વર્તન પાછું ચાલુ રાખવું. આ હેતુ પ્રતિક્રમણનો છે અને તે પૂર્વે બતાવી આવ્યા છીએ તે પ્રમાણે પ્રતિક્રમણ કરવું.
ધર્મથી જ સર્વ કાર્યો સિદ્ધ થાય છે. એમ જાણી નિરંતર ધર્મને જ હૃદયમાં રાખનાર મનુષ્યોએ વ્યાવહારિક પ્રપંચોમાં ગૂંથાઈને ધર્મની વેળાનું ઉલ્લંઘન ન કરવું. અર્થાત્ જે ક્રિયા જે જે કાળે કરવાની કહી છે તે તે કાળે તે તે ક્રિયા આદરપૂર્વક કરવી. વ્યાવહારના પ્રપંચમાં, આળસ અને વાતોના તડાકામાં ચાલુ ક્રિયાનો વખત ઓળંગી જવો તે, તે ક્રિયા પ્રત્યે અનાદર સૂચવે છે અને વ્યાવહારના પ્રસંગો કરતાં તેની કિંમત ઘણી હલકી-ઓછી ટાંકવામાં આવે છે, એમ સૂચના કરાય છે. છતાં વિષમ પ્રસંગો માટે અપવાદ હોય છે પણ તે અપવાદનો ઉપયોગ પોતાની આળસ અને બેદરકારી માટે કરવાનો નથી. પણ કોઈ તેનાથી વધારે અગત્યના કે અગવડતાવાળાં કારણે તે અપવાદ મુખ્ય કરી વર્તવામાં આવે તો હરકત નથી.
પ્રતિક્રમણ કર્યા બાદ ગુરુ, પ્લાન, તપસ્વી આદિની ભક્તિ કરીને વખત હોય તો (મંદિર બંધ ન થયેલ હોય અથવા મહોત્સવદિનો પ્રસંગ હોય તો) પરમાત્માનાં દર્શન કરી પછી ઘેર જવું.
ન