________________
[ ૧૦૬ ]
ગૃહસ્થ ધર્મ
જન્મમરણ કરવા પડે છે તેને તું છેદી નાખ અથવા તેને અમે છેદી શકીએ તેવી વિશુદ્ધિ આપ અગર યોગ્ય માર્ગ બતાવ.
ત્યાર પછી સાથીઆ ઉપર ત્રણ ઢગલી કરતાં એવી લાગણી પ્રદર્શિત કરવી કે આ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નની પ્રાપ્તિ અમને થાઓ. એટલે આત્માનું સમ્યજ્ઞાન સમ્યક્દર્શન અને તે શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્ર અમને પ્રાપ્ત થાઓ. છેવટે તે ત્રણ ઢગલીના ઉપરના ભાગમાં અષ્ટમીના ચંદ્ર સરખી સિદ્ધ શીલા કરી તેના ઉપર ફળ મૂકતી વખતે એ લાગણી પ્રગટ કરવી કે આ લોકના અગ્રભાગ ઉપર રહેલ સિદ્ધ પરમાત્માઓ છે તે સ્થળે અમારો નિવાસ થવા રૂપ ફળ અમને પ્રાપ્ત થાઓ.
મતલબ કે આ પ્રભુરૂપ શુદ્ધ આત્મા તેની સેવાનું છેવટનું ફળ જન્મમરણ વિનાની આત્મસ્થિતિ છે તે પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે પોતાની લાગણીઓને આ પ્રભુની પૂજા દ્વારા ઉત્તેજીત કરી, સ્મરણ કરી તે મેળવવા ઉત્સાહિત થવું એમ છઠ્ઠી પૂજા થઈ. અક્ષત પૂજા કર્યા બાદ સાતમી નૈવેદ્યપૂજા કરવી.
નૈવેધપૂજા - ૭.
લાડુ, બરફી, ઘેબર, ખાજાં, ભાત, દાળ આદિ ઉત્તમ પ્રકારના વિવિધ જાતિના નૈવેદ્ય લાવી પ્રભુના નજીકના ભાગમાં સુંદર ૨કેબી કે થાળમાં ધરાવવાં આ પ્રકારનાં નૈવેદ્ય પ્રભુ આગળ ધરી પોતાની ભક્તિ પ્રદર્શિત કરવી. આ નૈવેદ્ય ધરાવતી વખતે પોતાની અંતરંગ લાગણીઓ પોતાના મન દ્વારા તે મહાપ્રભુ આગળ નિવેદિત કરવી. હૃદયના ઊંડાણમાંથી નીકળતી પોતાની ઊર્મિઓ સરલ આશયથી જણાવવી પ્રભુ ! આપ તો ક્ષુધા, તૃષા આદિથી રહિત છો. આ વસ્તુઓ કાંઈ આપને ખવરાવવાને માટે