________________
ચરમાવર્તમાં આવેલા જીવને કર્મ ત૨ફથી બધી અનુકૂળતા મળે છે. એટલે હવે જીવે પુરૂષાર્થ ક૨વાનો રહે છે. કર્મો જીવને ધર્મ કરવાની સામગ્રી આપે છે, પણ ધર્મમાં પુરૂષાર્થ તો જીવે જ ક૨વો પડે છે. ચમાવર્તમાં કર્મો ગૌણ બને છે, જીવનો પુરૂષાર્થ મુખ્ય બને છે.
રસ્તા ઉપર લાલ સિગ્નલ હોય તો ગાડી આગળ ચલાવી શકાતી નથી. રસ્તા ઉપર લીલુ સિગ્નલ થાય પછી ગાડી જેટલી ઝડપથી દોડાવે તેટલો વહેલો પહોંચે. અચ૨માવર્તના કાળમાં જીવને ધર્મ ક૨વા માટે કર્મનું લાલ સિગ્નલ હોવાથી તે ધર્મ કરી શકતો નથી. ચરમાવર્તમાં જીવને ધર્મ કરવા માટે કર્મનું લીલુ સિગ્નલ મળી જાય છે. હવે તે ધર્મમાં જેટલો વધુ પુરૂષાર્થ કરે તેટલો તેનો વહેલો મોક્ષ થાય.
જેમ કાળને આશ્રયીને કર્મ અને જીવ ગૌણ-મુખ્ય બને છે, તેમ ગતિને આશ્રયીને પણ કર્મ અને જીવ ગૌણ-મુખ્ય બને છે. તે આ રીતે
દેવો, નારકીઓ અને તિર્યંચો ચારિત્રધર્મની આરાધના કરી મોક્ષ પામી શકતા નથી. એ ત્રણે ગતિઓમાં એમને એવા કર્મોનો ઉદય હોય છે કે જે એમને ચારિત્રધર્મ સ્વીકારવા દેતા નથી. આમ એ ત્રણે ગતિમાં ચારિત્રધર્મની
સાધના માટે કર્મ મુખ્ય બને છે, જીવનો પુરૂષાર્થ ગૌણ બને છે. મનુષ્યો ચારિત્રધર્મની આરાધના કરી મોક્ષ પામી શકે છે. મનુષ્યગતિમાં ચારિત્રધર્મની આરાધનામાં બાધક કર્મ પ્રાયઃ નથી. જીવ જો પુરૂષાર્થ કરે તો તે ચારિત્રધર્મ સ્વીકારી શકે છે. આમ મનુષ્યગતિમાં ચારિત્રધર્મની સાધના માટે કર્મ ગૌણ બને છે, જીવનો પુરૂષાર્થ મુખ્ય બને છે.
કર્મના બંધ, ઉદય, ઉદીરણા, ક્ષયોપશમ, ક્ષય વગેરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્રયીને થાય છે. અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવમાં કર્મના બંધ, ઉદય વગેરે થાય અને અન્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવમાં કર્મના બંધ, ઉદય વગેરે ન થાય.
આમ જીવ અને કર્મના ગૌણ-મુખ્ય ભાવને વિચારી આપણે શુભમાં પુરૂષાર્થ કરવો અને અશુભમાં થતા પુરૂષાર્થને અટકાવવો.
કર્મ જડ છે. જીવ ચેતન છે. શુભાશુભ ભાવો કરીને જીવ જ કર્મ બાંધે છે. એ કર્મો જ જીવને ફળ આપે છે. આમ સુખ-દુઃખનું કારણ કર્મ છે અને કર્મનું કારણ જીવ છે. માટે જીવ જો સન્માર્ગે પુરૂષાર્થ કરે તો કર્મના બળને તોડી શકે. જડ કરતા ચેતનની તાકાત વધુ હોય છે. જીવ ધારે તો કર્મોને દૂર કરી શકે. માત્ર કર્મના આધારે બેસી રહેવાથી કંઇ નહીં થાય. આપણે પુરૂષાર્થ કરવો જ પડશે. પુરૂષાર્થ કરનારને સિદ્ધિ અવશ્ય મળે છે.
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...
૧૫૦