Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 176
________________ ૪. કર્મવાદને જાણનાર જાણે છે કે, “અનુકૂળતા કર્મને લીધે મળે છે. વ્યક્તિ કે વસ્તુ એમાં નિમિત્ત માત્ર છે. તેથી તે અનુકૂળતા આપનાર ઉપર રાગ કરતો નથી. અનુકૂળ વસ્તુ ઉપર તેને આસક્તિ થતી નથી. તે સમજે છે કે, “અનુકૂળ આચરણ કરનાર વ્યક્તિ કે વસ્તુ ઉપર રાગ કરીને મને કર્મબંધ થશે જેના ફળ મારે જ ભોગવવા પડશે.' આમ વિચારીને પણ તે રાગ ન કરે. હા, અનુકૂળતા કરી આપનારા ઉપર તેને બહુમાન હોય, તે તેનો ઉપકાર માને, તે તેના ઉપકારનો બદલો પણ વાળવા પ્રયત્ન કરે, પણ રાગથી તો તે દૂર રહે. ૫. કર્મવાદનો અભ્યાસી કોઈ પણ પ્રસંગમાં સમભાવ ટકાવી શકે છે. તે સમજે છે કે, “બધુ કર્મના આધારે થાય છે. મારે એમાં લેપાવાની જરૂર નથી. જો હું રાગ-દ્વેષ કરીશ તો મારે કર્મબંધ થશે.” તેથી તે ક્યાંય લેપાતો નથી. તે નિર્લેપ બનીને સમભાવમાં લીન બને છે. કર્મવાદ સમજેલ વ્યક્તિ પાપથી અટકે છે. તે સમજે છે કે, “પાપ કરવાથી પાપકર્મો બંધાશે. તે પાપકર્મોના ઉદયે મારે જ કડવા ફળ ભોગવવા પડશે. અત્યારે સમજણપૂર્વક અગવડતાને હું સહન કરી શકીશ. એ અગવડને દૂર કરવા પાપ કરીશ તો પાપકર્મોના ઉદયે ભયંકર પ્રતિકૂળતાઓ આવશે. ત્યારે સમજણના અભાવે હું સહન નહીં કરી શકું અને વધુ કર્મ બાંધીશ. આમ કર્મની પરંપરા ચાલશે. એના કરતા અત્યારે થોડી અગવડતા વેઠવામાં મને મોટું નુકસાન નથી.” પાપકર્મના ઉદયે મળનારા નરકગતિ, તિર્યંચગતિ, દેવ-દુર્ગતિ (હલકા દેવપણું) અને મનુષ્ય-દુર્ગતિ (હલકા મનુષ્યપણું)ના દુઃખોને તે જાણે છે. હસતા બાંધેલા કર્મના ઉદયે જીવને રડવાનો વારો આવે છે એવું પણ એ જાણે છે. પાપકર્મોથી તે બહુ ડરે છે. તેથી જ તે પાપ કરતો નથી. ન છૂટકે કરવા પડતા પાપો પણ તે રડતા રડતા કરે છે. તેથી તેને અલ્પ કર્મબંધ જ થાય છે. કર્મવાદ જાણનાર વ્યક્તિ ધર્મમાં ઉદ્યમશીલ બને છે. તે સમજે છે કે, ધર્મ કરવાથી પુણ્યબંધ થાય છે. તે પુણ્યનો ઉદય વધુ સારો ધર્મ કરવાની સામગ્રી આપે છે. આમ ઉત્તરોત્તર ચઢયાતો ધર્મ કરવાથી એક દિવસ આત્માનો મોક્ષ થાય છે. ધર્મથી કર્મનિર્જરા પણ થાય છે. બધા કર્મોની નિર્જરા થતા આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. ધર્મ એને કષ્ટદાયક નથી લાગતો, પણ શુદ્ધિદાયક લાગે છે. તેથી તે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ધર્મ કરે છે. ૮. કર્મવાદના મર્મને જાણનાર ગુસ્સો નહીં કરવાના પ્રયત્નો કરે છે. કોઇ વિશ્વસંચાલનનો મૂલાધાર હC૧૫૫ )

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180