________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ દંડથી ફેરવવો ઇત્યાદિ કારણો તો (ઘટરૂપ) કાર્ય પૂર્ણ બનતા પૂર્વે જોવાય છે. આ ઘટનિવર્તનક્રિયાકાળ છે એવો તમારો અભિપ્રાય અયુક્ત છે. ઉપર જણાવેલ બધાં કારણો ઘટરૂપ કાર્યમાં જ કારણો છે. તે જયાંથી પ્રારંભાયા ત્યાંથી તે તે કાર્યોની નિષ્પત્તિથી અંતે ઘટરૂપ કાર્ય થયું. મધ્યવર્તી કારણો થયા વિના છેવટનું ઘટરૂપ કાર્ય થઈ શકે નહીં. વચલાં ભિન્ન-ભિન્ન-કાર્ય થયા વિના ઘટરૂપ કાર્યની સિદ્ધિ ન થાય. ઘટ તો છેલ્લે થશે. પણ વચ્ચે જે કાર્યો થયાં તે પણ ઘટકાર્ય જ કહેવાય. (આ બાબત મહાભાષા નામના ન્યાય ગ્રંથમાં વિસ્તારથી છે) તમે તો અર્ધ પાથરેલો સંથારો જોઈ આમ વિચારો છો, તે અયુક્ત છે. કારણ કે પહેલા તો “અડધો પાથર્યો છે એમ બોલવામાં આવે છે. કેમકે અડધા પાથરેલાને જ પાથરેલો કહ્યો. અડધો પણ પાથરેલો તો ખરો જ. થોડો પાથરેલ પૂરો પથરાશે, પણ નહીં પાથરેલ, પૂરો સંથારો કેમ થશે? માટે કરવા માંડ્યું તે થયું, તે પ્રભુજીનું વાક્ય યથાર્થ જ છે. કેમકે કાર્ય આરંભ્યાથી જેટલાં કામ કરવા જોઈએ તેટલામાંથી, જેટલાં કાર્યો થયાં-કર્યા તે થઈ ચૂક્યાં, હવે તે કરવાનાં નથી જ. માટે કરવા માંડ્યું તે થયું. વળી જયાં સંથારો પથરાયો ત્યાંના આકાશપ્રદેશમાં જ તે પથરાયો છે. અર્ધ પણ સંથારો તો થયો જ. શેષ હવે તેના પર વસ્ત્ર પાથરવાનું આદિ બાકી છે. તે કાર્ય સંથારાની પૂર્ણતાનું છે, તે થયા પૂર્વે “સંથારો પાથર્યો નથી, એમ તો કહેવાતું નથી, અર્થાતુ પરમાત્માનું વચન વિશિષ્ટ સમયની અપેક્ષાવાળું છે.” ઇત્યાદિ યુક્તિસંગત વાતો સ્થવિરોએ જમાલી મુનીશને કહી પણ તેઓ માન્યા નહીં. અંતે સ્થવિરો જમાલીને છોડી ભગવંત પાસે ચાલ્યા આવ્યા. સાધ્વી પ્રિયદર્શનાએ રાગના કારણે જમાલમુનિના મતને ચકાસ્યો નહીં. અને માની લીધો.
એકવાર માટીના વાસણના મોટા વેપારી ઢક નામના શ્રાવકને ત્યાં સાધ્વી પ્રિયદર્શના ઉતર્યા અને પોતાના મતના પ્રભાવમાં તે આવે એવા પ્રયત્નો કર્યા. શ્રાવક સમજી ગયા કે આમને મિથ્યાત્વનો રોગ થયો છે. સાધ્વીને સમજાવવાના હેતુથી તે બોલ્યા, “આવું ઝીણું ઝીણું અમે ન સમજી શકીયે. તમારૂં તમે જાણો.”
એકવાર નિંભાડામાં વાસણ પકાવાતાં હતાં. સાધ્વી બાજુમાં હતાં. વાસણ કાઢતાં એક ચિનગારી શ્રાવકે સાધ્વીના વસ્ત્ર પર નાંખી, સાધ્વી તરત બોલી ઉઠ્યા, “અરે, શ્રાવક! આ તો મારું વસ્ત્ર તમે બાળી નાંખ્યું.' ઢંકે કહ્યું- “અરે સાધ્વી ! આ તો તમે ભગવંતનું વચન બોલ્યાં, તે તમને ક્યાં માન્ય છે? આખું વસ્ત્ર બળી ગયું હોય તો જ તમે તેમ બોલી શકો, કારણ કે તમે તો કાર્ય પુરું થયે કાર્ય થયું માનો છો, માટે વસ્ત્રનો જરા જેટલો છેડો બળવાથી વસ્ત્ર બળી ગયું એમ ન બોલાય.' ઇત્યાદિ વચનોથી સાધ્વી તરત મર્મ પામી ગયાં અને બોલ્યાં-“તમે મને યુક્તિપૂર્વક સાચી સમજણ આપી. ભગવંતનું વચન યથાર્થ છે. મારી મિથ્યામતિએ ઉપજાવેલ દુષ્કૃત નાશ પામો.” પછી પ્રિયદર્શના સાધ્વી આચાર્ય જમાલી પાસે આવી યુક્તિસંગત બોધવચન કહેવા લાગ્યાં પણ કાંઈ પરિણામ ન આવ્યથી જમાલમુનિનો ગચ્છ છોડી તેઓ ભગવંત પાસે આવી ગયાં.