________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૨૧૧
વ્યુત્પત્તિના આધારે તપન શબ્દથી સૂર્ય જેવો પદાર્થ સિદ્ધ થયો, જો વ્યુત્પત્તિ વગરનો શબ્દ હોય તો તે પદાર્થ ન હોઈ શકે. જેમ ડીલ્થ-વિસ્થ આદિ. તેમજ એક પદ ન હોઈ બે પદ ભેગાં થયા હોય તો પણ તે પદાર્થ હોય જ એવો નિયમ નથી. જેમ કે આકાશનું ફૂલ. વંધ્યાનો પુત્ર વગેરેમાં બે પદ છે તે વસ્તુ ન હોઈ શકે પણ આત્મા તો એક જ પદ છે તેવી જ રીતે અતિ ઇતિ આત્મા જે સતત ગતિ પામે- જ્ઞાન પામે તે આત્મા. આમ વ્યુત્પતિથી શબ્દ પ્રમાણથી પણ આત્માની સ્પષ્ટ સિદ્ધિ થાય છે. કહ્યું પણ છે કે :
परमानन्दसम्पन्नं, निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितम् ॥
પરમ આનંદમય, વિકાર રહિત સંપૂર્ણ સ્વસ્થ આવો આત્મા પોતાના જ શરીરમાં હોવા છતાં તેને ધ્યાનહીન જીવો જોઈ શકતા નથી. ઉત્તમ આત્માઓ આત્મહિતના ચિંતક, મધ્યમ જીવો મોહચિંતાવાળા, અધમો કામચિંતામાં મુંઝાયેલા અને અધમાધમ આત્માઓ પરચિંતામાં ડૂબેલા હોય છે. કમલિનીથી જેમ પાણી સદા ન્યારું રહે છે તેમ શરીરથી આત્મા નિરાળો રહે છે.
માટે હે ગૌતમ ! સર્વ શાસ્ત્રસંમત એવા જીવનો જેઓ અભાવ કહે-માને છે તે બધા મિથ્યાત્વવાદી છે. આ સંસાર અનંત આત્માઓથી ભરેલો છે.
વળી આત્મા જેવો કોઈ પદાર્થ નથી, તેથી ઉપમાન પ્રમાણથી આત્માની સિદ્ધિ થતી નથી એમ જે તું માને છે તે પણ અયોગ્ય છે. કેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય એ ત્રણે પદાર્થો એક જીવના પ્રદેશ જેટલા જ પ્રદેશવાળા છે. માટે એની ઉપમા આપી શકાય તેમ છે. (આ વિષયનો વિસ્તાર શ્રી હરિભદ્રીય ષદર્શન બૃહદવૃત્તિમાં છે) કે ગૌતમ ! જેવો તારો આત્મા છે તેવો જ આત્મા બધા જ પ્રાણીઓમાં છે. હર્ષ, શોક, સંતાપ, પીડા, સંયોગ, સુખ અને દુ:ખ આદિનું જેમ તને જ્ઞાન-ભાન થાય છે તેમ તે અન્ય પ્રાણીઓને પણ થાય છે. માટે બધા પ્રાણીઓ ચેતનવંતા હોઈ તેમનામાં પણ આત્મા છે જ. તથા અત્યારે કુંથવાનો જીવ મૃત્યુ પામીને હાથીનો અને ઈંદ્રનો જીવ થઈને તિર્યંચનો અવતાર પણ પામે છે, તેથી અચિંત્ય સામર્થ્યનો ધણી અરૂપી, કર્માદિનો કર્તા, કર્માદિનો ભોક્તા, જ્ઞાતા અને કર્મથી ભિન્ન અને અભિન્ન સ્વરૂપવાળો આપણો આત્મા છે.
અને વિજ્ઞાનઘન આદિ વેદવાક્યનો આવો અર્થ તું કરે છે; વિજ્ઞાનના સમૂહરૂપ આત્મા આ પૃથ્વી આદિ પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ (પાણીમાં પરપોટાની જેમ) લય પામે છે. માટે પરલોકની સંજ્ઞા (અસ્તિત્વ) નથી પણ હે ગૌતમ ! એનો અર્થ આ પ્રમાણે છે. ‘વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન (જ્ઞાન કે દર્શન)નો ઉપયોગ. તેનાથી ઘન એટલે દૃઢીભૂત જીવનો વિચાર. તે (વિચાર-ઉપયોગ) આ જ્ઞેયભાવે પરિણમેલા ભૂતો (પૃથ્વી આદિ) કે તેના વિકારો (ઘડા આદિ)માંથી ઉત્પન્ન થઈ (ઘટાદિ જ્ઞાનના ઉપયોગપણે ઉપજીને) પાછો તેમાં જ લય પામે છે.