________________
૫૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ ઉપવનમાં ગયો હતો. તે વખતે ત્યાં અનંગલતા નામની અતિ સુંદર ગણિકાના પરિચયમાં આવ્યો અને પરિણામ એ આવ્યું કે એના સહવાસે મને જડ બનાવી દીધો. એના વિના કાંઈ દેખાય નહીં, એ જે કહે તે હું પ્રાણના જોખમે પણ કરું. કમાવાનું દૂર રહ્યું, હતું તે પણ મેં ખલાસ કર્યું. કોઈ એવો અશુભનો ઉદય થયો કે મારો વિવેક-સમજણ-ચતુરાઈ બધું હવા થઈ ગયું. એકવાર ગણિકાએ ત્યાંની રાણીના ઘરેણાં જોઈ ગેલ કરતાં મને કહ્યું-“રાણી ઘરેણાંથી કેવી સુંદર લાગે છે. મને આ ઘરેણાં લાવી આપોને, તમે ય મારા રાજા જ છો ને ?” મેં તેને કહ્યું-“તને બિલકુલ એના જેવા જ સરસ દાગીના કરાવી આપીશ.” પણ તેણે તો જીદ જ લીધી કે ઘરેણાં તો રાણીના. એ જ લાવી આપો તો તમારો પ્રેમ સાચો. એની વાતમાં આંધળો થયેલો હું છેવટે ચોરી કરવા રાજમહેલે પહોંચ્યો. રાજ્યના શયનકક્ષ સુધી હું પહોંચી ગયો. રાજા-રાણી જાગતા પલંગમાં પડ્યા હતા. રાત ઘણી વીતી હતી. હું સંતાઈને અવસરની વાટ જોતો હતો. ત્યાં રાણી બોલી-“આજ મહારાજાને અકળામણ છે કે ઊંઘ આવતી નથી?” તેણે કહ્યું-“રાણી ! જગતમાં કેવા કેવા લોકો હોય છે? પેલો વજકર્ણ મોટો ધર્માત્મા થયો છે મને નમન-નમસ્કાર કરવામાં એનો ધર્મ ચાલ્યો જાય માટે એ પ્રપંચીએ એની વીંટીમાં એના ભગવાનને જડ્યાં છે.
માથું તેમને નમાવે અને નમન અમને જણાવે. હું એને મારી એનું માથું મારા પગમાં મૂકીશ ત્યારે જ મને ચેન મળશે. તેણે કહે છે કે નિયમ લીધો છે કે વીતરાગ સિવાય કોઈને નમવું નહીં, એજ મારા સાચા સ્વામી છે, પણ કાલ સવારે જ પ્રસ્થાન કરવા આજ્ઞા આપી છે. “ઓ રાજા! ઉજ્જયિની નરેશના આ શબ્દો સાંભળી મને વિચાર આવ્યો “અહો ક્યાં એ દ્રઢધર્મી મહારાજ વજકર્ણ અને ક્યાં એક બજારૂ બાયડીના કહેવાથી દુ:સાહસન કરનાર હું કુળવાન સગૃહસ્થ છતાં ચોર? કેટલી હદ સુધી હું ગબડી ગયો ! ધિક્કાર છે મારી દુર્બુદ્ધિને ! પછી તરત હું ત્યાંથી નીકળી અનંગલતા પાસે આવ્યો, તેની પાસેથી વિદાય માંગી. તેણે મને ખૂબ મનાવ્યો ને મમતા બતાવી પણ મેં મારો નિર્ણય કરી લીધો હતો. હું સાંઢણી પર બેસી ઉતાવળે તમને ચેતવવા આવ્યો છું. તમારી દ્રઢતાની વાતે મને પણ સાબદો કરી ધર્મકર્તવ્યનો સાદ આપ્યો છે. સારૂં પ્રણામ, હવે હું જઈશ. તમારે ધર્મની રક્ષા ખાતર જે ઉપાય લેવો હોય તે લો.”
આ સાંભળી પ્રસન્ન થયેલા વજકર્ષે વૃશ્ચિક વણિકને ઉચિત સત્કાર કરી પહેરામણીપૂર્વક વિદાય આપી.
વજકર્ણ રાજાએ નગર બહારના ઉપનગરો ખાલી કરાવી લોકોને નગરમાં બોલાવી લીધા. નગરમાં બધી સગવડ કરાવી દરવાજા બંધ કરાવી દીધાં. એવામાં રાજા સિંહરથે નગર ઘેરી લીધું ને પડાવ નાંખી પડ્યો. દૂતમુખે તેણે વજકર્ણને કહેવરાવ્યું કે- હજી બગડ્યું નથી. તું અમને નમસ્કાર કરી જા અને સુખે તારું રાજ્ય ભોગવ. નહીં તો મૃત્યુ સિવાય તારી ગતિ નથી એ નક્કી વાત છે.'