________________
તથા અનુચરો પણ તેમની સાથે હતા. ત્યાં જ ભોજન તૈયાર કરવામાં આવ્યું. શંખ બેઠા બેઠા આમોદ-પ્રમોદની વાતો કરતા હતા. એટલામાં તરસથી વ્યાકુળ એક મુનિ આવ્યા. શંખે મુનિને જોતાં જ ઊભા થઈને વંદના કરી. રાણી યશોમતી પણ મુનિને જોઈને ભાવવિભોર થઈ ગઈ. મુનિએ પાણી માટે હાથ વડે સંક્ત કર્યો. રાજા-રાણી સમજી તો ગયાં કે મુનિને તીવ્ર તરસ લાગી છે, પરંતુ અચિત્ત પાણી લાવવું ક્યાંથી ? ત્યારે રાણી યશોમતીને યાદ આવ્યું કે રાયતામાં નાખવા માટે દ્રાક્ષ પલાળી હતી, તેનું પાણી અચિત્ત છે. જો તે પાણી ઢોળી નહિ દીધું હોય તો ઉપયોગમાં આવશે. તરત તે રસોડા તરફ ગઈ. જોયું તો તપેલામાં પાણી પડેલું હતું. મુનિને વિનંતી કરી. પાણીને શુદ્ધ જાણીને મુનિ વહોરવા લાગ્યા. રાજા શંખ તથા રાણી યશોમતિએ વાસણની બંને બાજુનાં કડાં પકડીને મુનિને જળ વહોરાવ્યું. જંગલમાં આવો યોગ મળવાથી રાજ-રાણી બંને હર્ષવિભોર થઈ રહ્યાં હતાં. તેવાં વધતાં પરિણામોમાં રાજાએ તીર્થકર ગોત્રનો બંધ કર્યો. રાણીએ પોતાને એકાભવતારી (એક ભવના અનંતર મોક્ષે જનારી) બનાવી દીધી. પછીના જન્મમાં મહાસતી રાજીમતીના રૂપે યશોમતીએ જન્મ લીધો હતો.
એક વખત શ્રીષેણ કેવલી હસ્તિનાપુર પધાર્યા. મહારાજ શંખ પોતાના બંને ભાઈ, મહારાણી યશોમતિ તથા સમગ્ર રાજપરિવાર સહિત દર્શન કરવા ગયા. પ્રવચન સાંભળ્યું. પ્રવચન પછી શંખે પૂછ્યું, “ભગવાન ! મારો યશોમતી ઉપર આટલો બધો સ્નેહ કયા કારણે છે ?” શ્રીષેણ કેવલીએ જણાવ્યું, જ્યારે તું ધનકુમાર હતો ત્યારે આ તારી ધનવતી પત્ની હતી. સૌધર્મ દેવલોકમાં તે તારી મિત્ર બની. ચિત્રગતિના ભવમાં તે રત્નાવતીરૂપે તારી પત્ની બની. મહેન્દ્ર દેવલોકમાં સાથી મિત્ર બની. અપરાજિતના ભવમાં તે ફરીથી પ્રીતિમતી નામે તારી પત્ની બની. આરણ દેવલોકમાં તે તારી મિત્ર બની અને આ ભવમાં પણ તે તારી પત્ની છે. આમ યશોમતી સાથે તારો સાત ભવનો સંબંધ છે. આગામી ભવમાં તમે બંને અનુત્તર વિમાનમાં દેવ બનશો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તું ભરતક્ષેત્રમાં અરિષ્ટનેમિ નામે બાવીસમા તીર્થંકર બનીશ. યશોમતીનું નામ રાજીમતી હશે. તમારા વિવાહ નિશ્ચિત થશે ખરા, પરંતુ અવિવાહિત અવસ્થામાં જ તે પણ દીક્ષિત બનશે અને મોક્ષમાં જશે.
પોતાના પૂર્વભવનાં વૃત્તાંત સાંભળીને શંખને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પોતાના બંને ભાઈ, પત્ની તેમજ કેટલાક મિત્ર-રાજાઓ સાથે તેણે દીક્ષા સ્વીકારી. અંતે સમાધિમૃત્યુ પામીને ચોથા અનુત્તર-અપરાજિત દેવલોકમાં દેવ બન્યાં.
તીર્થકરચરિત્ર [ ૧૪૪