Book Title: Tirthankar Charitra
Author(s): Sumermal Muni, Rohit Shah
Publisher: Anekant Bharti Prakashan

View full book text
Previous | Next

Page 221
________________ આપ આ માર્ગે જવાને બદલે બહારના માર્ગે જાવ તો સારું.' મહાવીરે તેમની વાતમાં ન તો ધ્યાન આપ્યું ન તો તેનો કોઈ ઉત્તર આપ્યો. તેઓ ચાલતા ચાલતા સાપના રાફડા પાસે ધ્યાનારૂઢ થઈ ગયા. આખો દિવસ આશ્રમ ક્ષેત્રમાં ફરીને સાપ પોતાના સ્થાને પાછો વળ્યો. તેની દષ્ટિ ધ્યાનમાં ઊભેલા ભગવાન ઉપર પડી અને તે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાની વિષ ભરેલી દષ્ટિ ભગવાન ઉપર નાખી. સામાન્ય પ્રાણી તો એ સર્પના એક વખતના દષ્ટિપાતથી બળીને ભસ્મ થઈ જતા હતા, પરંતુ ભગવાન ઉપર તે વિષમયી દષ્ટિનો કોઈ જ પ્રભાવ પડ્યો નહિ. ત્રણ વખત ભયંકર દષ્ટિ નાંખવા છતાં જ્યારે કશો પ્રભાવ ન પડ્યો ત્યારે તેનો ક્રોધ હદ ઓળંગી ગયો. તેણે ભગવાનના પગ ઉપર ડંખ માર્યો અને શ્વેત રક્તધારા વહેતી થઈ. રક્તમાં દૂધનો સ્વાદ પામીને ચંડકૌશિક સ્તબ્ધ રહી ગયો. તે એકીટશે પ્રભુની શાંત અને સૌમ્ય મુખમુદ્રા નિહાળવા લાગ્યો. - ચંડકૌશિકને શાંત જોઈને મહાવીરે કહ્યું, “ઉવસમ ભો અંડકોસિયા'. હે ચંડકૌશિક ! શાંત થા. ચંડકૌશિક આ નામ તો મેં અગાઉ ક્યાંક સાંભળેલું છે ! આ ઉહાપોહમાં તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેને પોતાના પાછળના ત્રણ ભવ યાદ આવી ગયા. પ્રથમ ભવમાં તે તપસ્વી મુનિ હતો. એક વખત તપસ્યાનું પારણું કરવા જતી વખતે તેના પગ નીચે દબાઈને એક દેડકી મૃત્યુ પામી. શિષ્ય દ્વારા બે-ત્રણ વખત યાદ કરાવ્યું કે આપ તેની આલોચના કરો. તેથી તે તપસ્વી ક્રોધિત થઈ ગયો અને શિષ્યને મારવા માટે દોડ્યો. ક્રોધાવેશમાં ધ્યાન ન રહેતાં તે એક થાંભલા સાથે ટકરાઈ ગયો. પરિણામે એ જ સમયે કાળધર્મ પામીને જ્યોતિષ્ક જાતિમાં દેવ બન્યો. દેવાયુ ભોગવીને ત્રીજા ભવમાં કનકખલ આશ્રમના પાંચસો તાપસીના કુલપતિની પત્નીની કૂખે પુત્રરૂપે જન્મ્યો. તેનું નામ પાડ્યું કૌશિક. તેની પ્રવૃત્તિ ઉગ્ર હોવાથી સૌ તેને ચંડકૌશિક કહેવા લાગ્યા. તેનો આશ્રમ તથા તેની આસપાસના વનપ્રદેશ પ્રત્યે તેને ભારે મમતાભાવ હતો. એક વખત “સેયવિયા'ના રાજકુમારોએ વનપ્રદેશમાં થોડુંક ભેલાણ કર્યું. સમાચાર મળતાં જ તે રાજકુમારોની પાછળ પોતે હાથમાં પરશુ લઈને દોડ્યો. રાજકુમારો ભાગી ગયા. ચંડકૌશિક દોડતો દોડતો એક ખાડામાં પડી ગયો. પરશુની ધાર અત્યંત તીક્ષ્ણ હતી. તેની ઉપર પડવાથી ચંડકૌશિકનો શિરચ્છેદ થઈ ગયો. ત્યાંથી એ જ આશ્રમના ક્ષેત્રમાં આશીવિષ સર્પ બની ગયો. ચંડકૌશિક હવે પ્રતિબોધ પામી ચૂક્યો હતો. તેણે સંકલ્પ કર્યો કે, “હવે હું કોઈને પજવીશ નહીં. અને આજથી જીવનપર્યત ભોજન-પાણી પણ ગ્રહણ કરીશ નહીં.” આવા સંકલ્પ સાથે ચંડકૌશિકે પોતાનું મુખ પોતાના દરમાં ઘાલી દીધું, બાકીનું શરીર દરની બહાર રહ્યું. તેના બદલાયેલા સ્વરૂપને જોઈને ભગવાન શ્રી મહાવીર ૨૦૩

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268