________________
શાસ્ત્રી'નો પ્રકાશન-સમારોહ ગોઠવ્યો. આ સંયોગ કેવો વિરલ કહેવાય ! એક મહાન સાહિત્યકારના અક્ષરદેહનું અંતિમ સ્વરૂપ અને એક નવોદિત સાહિત્યકારના અક્ષરદેહનો પ્રારંભ ! આ સમારંભના પ્રમુખ ભારતના તત્ત્વચિંતક પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી હતા. એમણે આ નવોદિત લેખક પર અંતરના આશીર્વાદ વરસાવ્યા. જ્યારે સમારંભના અતિથિવિશેષ તત્કાલીન મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. આ સમારંભમાં પ્રા. ફીરોઝ દાવર, શ્રી પ્રભુદાસ પટવારી, ડૉ. ધીરુભાઈ ઠાકરે પ્રવચનો કર્યાં. આ ફીરોઝ દાવર તો કુમારપાળના આ કાર્ય પર ખુશ થઈ ગયા અને હસતાં હસતાં માર્મિક ટકોર પણ કરી કે કુમારપાળનું આ એક જ પુસ્તક બતાવી જાય છે કે તેઓ એમના બાપને હટાવી જશે ! આ સમારંભ પછી ચાર દિવસ બાદ શ્રી કુમારપાળ દેસાઈનાં લગ્ન થયાં.
‘મહામાનવ શાસ્ત્રી’ પછી કુમારપાળની લેખિની તો ચાલતી જ રહી. અખબારોમાં એમનાં લખાણો નિયમિત પ્રગટ થતાં રહ્યાં, પરંતુ આ લખાણોને પુસ્તકરૂપે પ્રગટ કરતાં પહેલાં સો ગળણે ગાળવાં એમ તેઓ માને છે. આથી જ અખબારોમાં પુષ્કળ લખાણો લખ્યાં હોવા છતાં તેમના ગ્રંથો તો વર્ષે કે બે વર્ષે એકાદ જ પ્રગટ થાય. આનું કારણ એ છે કે સત્ત્વશીલ, ચિરંજીવ અને શાશ્વત મૂલ્યો ધરાવતા સાહિત્યને જ તેઓ પુસ્તકાકારે પ્રગટ કરવાનો આગ્રહ સેવે છે.
વળી એમની એક બીજી વિશિષ્ટતા પણ અનોખી છે. પહેલાં મનમાં અમુક ભાવ જાગે, પછી ભાવને અનુરૂપ પ્રસંગો ગોઠવાય અને એ પછી એ પુસ્તકાકારે પ્રગટ થાય. આથી એમના દરેક પુસ્તકના પાયામાં કોઈ મહત્ત્વનો વિચાર પડેલો હોય છે. એ વિચાર જ પુસ્તકમાં રસમય રીતે શબ્દદેહ પામતો હોય છે. આનું એક ઉદાહરણ જોઈએ. બાળપણમાં બાદશાહ અને બીરબલની ચાતુરીની અનેક વાતો તેમણે સાંભળી હતી. એક વાર એમ થયું કે ગુજરાતનાં બાળકોને કોઈ ચતુર ગુજરાતીની વાર્તા આપવી જોઈએ. વળી એ વાર્તા ગુજરાતના વાતાવરણમાં ઉપસાવવી જોઈએ, આથી તેમણે ઇતિહાસ ભણી મીટ માંડી.
ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકી યુગમાંથી દામોદર મહેતાનું પાત્ર મળી આવ્યું. દંતકથાઓ, રાસાઓ અને પ્રબંધોમાં આ પાત્રો વિશે આછી-પાતળી લકીરો જ જોવા મળતી હતી. એમાં ઊંડી ખોજ કરતાં એમને અદ્ભુત ઘટનાઓ પ્રાપ્ત થઈ. બાદશાહ અકબરના દરબારમાં જેમ બીરબલ હતા, તેમ ગુજરાતના રાજા ભીમદેવના દરબારમાં દામોદર મહેતા હતા. જે પાત્ર આજે પણ ‘ડાહ્યો ડમરો’ જેવી કહેવતમાં સજીવ છે.
આ ‘ડાહ્યો ડમરો’ એટલે આદર્શ ગુજરાતી, લહેરી, ત્યાગી અને દેશાભિમાની મંત્રી દામોદર મહેતા ભીમદેવ અને વિમલમંત્રી જેવા યોદ્ધાઓએ શસ્ત્રથી રણ ખેલ્યું, જ્યારે આ માનવીએ નિઃશસ્ત્ર રહીને પોતાની બુદ્ધિ અને ચતુરાઈથી ભલભલાને હરાવ્યા અને મા ગુર્જરીની સેવા કરી.
48
બાળસાહિત્યના સર્જક