Book Title: Pratikramana Sankshipt Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 4
________________ મોક્ષનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ.’ પણ શૂરાતન ક્યાં વાપરવાનું કે જેથી મોક્ષે ઝટ પુગાય ? કાયરતા કોને કહેવી ? પાપીઓ પુણ્યશાળી બની શકે ? તો કઈ રીતે ? આખી જિંદગી જલી આ આર.ડી.એક્સની અગનમાં, તેને કઈ રીતે બુઝાવાય ? રાત-દિન પત્નિનો પ્રતાપ, પુત્ર-પુત્રીઓનો તાપ ને પૈસા કમાવાનો ઉત્પાત એ બધા તાપોમાંથી કઈ રીતે શાતા પ્રાપ્ત કરી તરીપાર ઉતરાય ? સંપાદકીય - ડૉ. નીરુબહેન અમીન હૃદયથી મોક્ષમાર્ગે જનારાંઓને, પળે પળે પજવતા કષાયો સચોટ કાપવા, માર્ગમાં આગેકૂચ કરવા, કોઈ સચોટ સાધન તો જોઈએ કે ના જોઈએ ? સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની અથડામણો કઈ ગમે ટાળે ? આપણને કે આપણા થકી અન્યને દુઃખ થાય તો તેનું નિવારણ શું ? કષાયોની બોંબાડીંગને રોકવા કે તેને ફરી ના થાય તે માટે શું ઉપાય ? આટઆટલો ધર્મ કર્યો, જપ-તપ, ઉપવાસ, ધ્યાન, યોગ કર્યા, છતાં મન-વચન-કાયાથી થઈ જતાં દોષો કેમ નથી અટકતા ? અંતરશાંતિ કેમ નથી મળતી ? ક્યારેક નિજદોષો દેખાય પછી તેનું શું કરવું ? તેને કેમ કરીને કાઢવા ? મોક્ષમાર્ગમાં આગળ વધવા તેમજ સંસાર માર્ગમાં પણ સુખશાંતિ, મંદ કષાય કે પ્રેમભાવથી જીવવા કંઈક નક્કર સાધન તો જોઈએ ને ? વીતરાગોએ ધર્મસારમાં શું પ્રરૂપ્યું છે જગતને ? સાચું ધર્મધ્યાન કયું ? પાપમાંથી પાછાં ફરવું હોય તો તેનો કોઈ સચોટ માર્ગ ખરો ? હોય તો કેમ દેખાતો નથી ? ધર્મશાસ્ત્રોમાંથી ઘણું વંચાય છે છતાં કેમ એ જીવનમાં વર્તાતું નથી ? સાધુ-સંતો, આચાર્યો, કથાકારો આટઆટલો ઉપદેશ આપે છે છતાં ક્યાં ખૂટે છે ઉપદેશ પરિણમાવવા ?! દરેક ધર્મમાં, દરેક સાધુ-સંતોના સંઘાડામાં કેટકેટલી ક્રિયાઓ કરાય છે ? કેટકેટલાં વ્રત, જપ, તપ, નિયમો પ્રવર્તી રહ્યા છે, છતાં કેમ ક્યાંય ઊગતું નથી ? કષાય કેમ ઘટતા નથી ? દોષો કેમ ધોવાતા નથી ? શું એની જવાબદારી પાટ પર બેઠેલાં ઉપદેશકોના શીરે નથી જતી ? આવું લખાય છે, તે દ્વેષ કે વેરભાવથી નહીં પણ કરુણાભાવથી, છતાંય એને ધોવા માટે કંઈ ઉપાય ખરો કે નહીં ? અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશા ને ઠેઠ કેવળજ્ઞાન સ્વરૂપની દશા સુધી જવા માટે જ્ઞાનીઓએ, તીર્થંકરોએ શું ચીંધ્યું હશે ? ઋણાનુબંધી વ્યક્તિઓ સાથે કાં તો રાગ કે દ્વેષના બંધનોથી મુક્તિ મેળવી વીતરાગતા કઈ રીતે કેળવાય ? ગુરુ-શિષ્યો વચ્ચે, ગોરાણી-ચેલીઓ વચ્ચે, નિરંતર કષાયોથી “નવ નવડાની વાટે ચઢતા ઉપદેશકો કઈ રીતે પાછાં વળી શકે ? અણહક્કની લક્ષ્મી ને અણહક્કની સ્ત્રીઓ પાછળ વાણી, વર્તન કે મનથી કે દ્રષ્ટિથી દોષો થયાં તેનો તીર્થંચ કે નર્કગતિ સિવાય ક્યાંય સંઘરો થાય ? એમાંથી તેમનું છુટાય ? એમાંથી ચેતવું છે તો કઈ રીતે ચેતાય ને છુટાય ? આવા અનેક મૂંઝવતા સનાતન પ્રશ્નોનો ઉકેલ શું હોઈ શકે ? પ્રત્યેક માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારેક સંજોગોના દબાણથી એવી સ્થિતિમાં સપડાય છે કે સંસાર વ્યવહારમાં ભૂલો કરવી નથી છતાં ભૂલમાંથી મુક્ત થઈ શકાતું નથી; એવી પરિસ્થિતિમાં દિલના સાચા પુરુષો સતત મૂંઝવણ અનુભવતા હોય છે, તેવાંઓને ભૂલ ભાંગવા માટે અને જીવન જીવવાનો સાચો રાહ જડી જાય, જેનાથી પોતાના આંતરિક સુખચેનમાં રહી પ્રગતિ સાધી શકાય; તે અર્થે ક્યારેય ના મળ્યું હોય તેવું અધ્યાત્મ વિજ્ઞાનનું એકમેવ સચોટ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનરૂપી હથિયાર તીર્થંકરોએ, જ્ઞાનીઓએ જગતને અપ્યું છે, જે હથિયાર દ્વારા દોષરૂપી પાંગરેલા વિશાળ વૃક્ષને ધોરી મૂળીયા સહિત નિર્મૂલન કરી અનંતા જીવો મોક્ષલક્ષ્મીને વર્યા છે, તેવા મુક્તિ માટેના આ પ્રતિક્રમણ રૂપી વિજ્ઞાનનો યથાર્થપણે જેમ છે તેમ ફોડ પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાને કેવળજ્ઞાન સ્વરૂપમાં જોઈને કહેલી વાણી દ્વારા આપ્યો છે. તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત થયો છે, જે સુજ્ઞ વાચકને આત્યંતિક કલ્યાણ અર્થે ઉપયોગી નિવડશે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52