Book Title: Prassannatani Pankho
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 5
________________ દુઃખની દૃષ્ટિ દુ:ખ ન આવવું જોઈએ તેવી ધારણા અને દુ:ખ નહીં આવે તેવી કલ્પના રાખનાર આદમી સૌથી વધારે દુઃખી થાય છે. જિંદગીમાં સુખ ન મળે તે બને, દુ:ખ ન મળે તે તો કદી ન બને. દુઃખ આવે છે ત્યારે સૌથી પહેલો ઘા આ ધારણા અને કલ્પનાને વાગે છે. ધારણા ને કલ્પના ન હોય તો દુ:ખ આટલું બધું આકરું ન લાગે. જાતને પૂછો : દુ:ખ ન આવવું જોઈએ, શું કામ ? દુ:ખ નહીં આવે, કોણે નક્કી કર્યું ? આજની આ ઘડીએ જો તમારા તરફથી બીજાને દુ:ખ મળતું હોય, જે ગઈકાલ લગી તમારા હાથે બીજા દુ:ખી થયા હોય તો એનો બદલો તમને મળવો જ જોઈએ, તપાસ કરવા જેવી છે, તમારા હાથે દુઃખી થયેલા કેટલા છે અને સુખી બનેલા કેટલા છે ? દુનિયા બહુ મોટી છે. એક જિંદગીમાં માંડ સો બસ્સો કે હજાર-બેહજાર માણસ ખૂબ નજીકના પરિચયમાં આવતા હશે. એ બધામાંથી તમારા હાથે દુઃખી થયેલા વધારે છે, સુખી થનારા ઓછા છે. દુકાનમાં કે ઘેર સાફસૂફી કરવા આવતા કામદાર માણસોથી માંડીને છેક આપણા અંગત સંબંધીઓ સુધી આ જ હિસાબ લાગુ પડે છે. સુખ મેળવવું છે, આપવાની તૈયારી નથી.દુઃખ જોઈતું નથી, આપવાની તૈયારી છે. દુઃખ ન આવવું જોઈએ કે દુ:ખ નહીં આવે એવું વિચારવાનો હક નથી છે. રોજ ચાંદીના ગ્લાસમાં દૂધ પીનારા માણસને, કાચના ગ્લાસમાં દૂધ પીવા મળે ત્યારે દુઃખ થાય છે. લાખો લોકોને દૂધ નથી મળતું ને એને મળ્યું તે એને યાદ નહીં રહે, એને ચાંદીનો ગ્લાસ યાદ આવશે ને દુઃખ થશે. બે વિભાગ થઈ ગયા દુ:ખના. દૂધ પીવાનું દુઃખ અને દૂધ ન પીવાનું દુઃખ. ચાંદીના ગ્લાસમાં દૂધ પીવાવાળાને કાચના ગ્લાસમાં દૂધ પીવું પડે તેનું દુ:ખ થાય છે. દૂધનો સ્વાદ એનો એ હોવા છતાં રસ નથી જામતો. તો ભૂખ્યા અને માંદા રહેતા ગરીબ લોકોને દૂધ પીવા નથી મળતું તેનું દુ:ખ છે. એ લોકો માટીના ગંદા વાસણમાંય દૂધ પીવા તૈયાર છે. શું કરે ? મળતું જ નથી. દુ:ખ કેટલું બધું કાલ્પનિક છે તેનો આ એક જ દાખલો છે. અપેક્ષા રાખી એટલે દુ:ખ આવ્યું. સાધુને ચાંદીના ગ્લાસ કે દૂધની અપેક્ષા જ નથી, ખરું સુખ આ છે. મળવું જોઈએ એવી ધારણા અને મળી જશે એવી કલ્પના રાખી હોય એટલે પછી ન મળે એમાં દુ:ખી જ થઈએ. પહેલેથી જ થોડા ગરીબ અને વંચિત રહ્યા હોઈએ તો મળવાની ધારણા અને મેળવવાની કલ્પના વકરે નહીં. મળવાનું નક્કી નથી, પુણ્ય હશે તો મળશે, પુણ્ય નહીં હોય તો નહીં મળે એવી માનસિક તૈયારી રહેશે તો મળે ન મળે એના ઝાઝા હરખશોક થાય નહીં. મન અસમાધિના ખાડે ન ચડે. આપણને. મુદ્દાની વાત, દુ:ખ આવે છે તે હેરાન કરવા જ આવે છે એવું નથી. દુ:ખ તો જૂનો બોજો ઉતારવા આવે છે. દુઃખ પુરાણો કચરો સાફ કરવા આવે છે. એનાથી આપણે હળવાફૂલ થઈ જઈએ છીએ. દુ:ખ પ્રત્યે લાગણીનો અભિગમ કેળવવો પડશે. જીવનમાં ફક્ત સુખ જ આવ્યા કરે તો આદમી જડ, ઉદંડ અને અભિમાની થઈ જાય. દુ:ખના ફટકા ખાધા હશે તો નમ્રતા જીવતી રહેશે. દુ:ખના ઘણ વેઠીને ઘડાયેલી જિંદગી સફળતાને જીરવી શકે છે, દુઃખ વિનાની પામર જિંદગીને સફળતા પચતી નથી. અજીરણ થાય છે. દુ:ખ છે શું ? મનની અશાન્તિ. એ નીપજે છે અપેક્ષાના ભંગમાંથી. જેણે માત્ર અનુકૂળતા અને સંપન્નતા જ જોઈ છે તે નાની નાની વાતમાં અશાન્ત થઈ જાય દુ:ખને લીધે જ સફળતા અને સંપન્નતા પચે તેવો નિયમ સાર્વત્રિક નથી. આપણા સ્વભાવને સુધારવા પૂરતો આ નિયમ કામનો છે એટલું જ સમજવાનું છે. દુ:ખની હાજરી ખટકે છે તે મનોદશા બદલવામાં આ નિયમ ઉપયોગી છે. રોજેરોજ ફૂલ સુંધનારો શોખીન માણસ એક દિવસ ફૂલ નથી મળતા તો દુઃખી થઈ જાય છે. ગુનો ફૂલનો નથી, ગુનો એ માણસની અપેક્ષાનો છે. રોજની ટેવ પડી તે અપેક્ષા બનીને નડી, અપેક્ષાના બે કામ છે. એ પહેલા ગમો અને અણગમો નક્કી કરી લે, પછી ગમે તેને મેળવવા માંગે છે, ગમે તેને ટાળવા માંગે છે. ગમે તે મળતું નથી, દુ:ખ થાય છે. ન ગમે તે ટળતું નથી, દુ:ખ થાય છે. અણગમતી બાબતો આવશે જ. તે માટે તૈયાર રહેવાનું. મનગમતું ઘણું બધું નહીં મળે. તે માટે મજબૂત બની જવાનું. દુ:ખની લાગણી ન આવે તે વીરનો વારસદાર છે. અપેક્ષાની ગૂંચ ઉકેલાઈ જશે તો તમેય દુ:ખી નહીં રહો અને તમારા હાથે બીજય દુઃખી નહીં થાય.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27