Book Title: Prassannatani Pankho
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસન્નતાની પાંખો પ્રસન્નતાનો અનુભવ નાનપણ ઓસર્યા પછી આપણે ગુમાવી દીધો છે. નાનામાંથી મોટા બની જવાની પ્રક્રિયામાં બુદ્ધિનો ફાળો મોટો છે. એ બુદ્ધિને લીધે જ પ્રસન્નતાએ આપણાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. આપણી બુદ્ધિ પર આપણને પૂરો ભરોસો છે. બુદ્ધિના અવાજને આપણો આતમા અનુસરે છે. આત્માના અવાજને બુદ્ધિ નથી અનુસરતી, આ ફરક છે. બુદ્ધિના ભરોસે આપણે નક્કી કરી લીધું છે કે “આપણે સારા, સંપૂર્ણ અને મોટા છીએ.' આ સમીકરણ પર જ જિંદગીની ક્ષણેક્ષણ ચાલી રહી છે. પ્રસન્નતાને હેરાન કરવાની તાકાત આ જ સમીકરણમાં છે. આપણે પોતાની જાતને સારી માની લઈએ છીએ ત્યારથી અવદશા શરૂ થાય છે. સારા હોવું જુદી વાત છે, પોતાને સારા માનવા તે અલગ વાત. સારા હોવાની સભાનતા સારી છે. એ તો જરૂરી જ છે. હેરાન કરે છે, સારા હોવાનું અભિમાન. આપણને સારા હોવાનું પ્રમાણપત્ર બધાની પાસેથી જોઈએ છે. પ્રમાણપત્રની જેમ પ્રશસ્તિપત્ર પણ આપણને જોઈએ. કોઈ સારા કહીને આપણને માન ન દે કે આપણી પ્રશંસા ન કરે તો આપણને ડામ લાગે છે. પ્રશંસા થાય તો રાજી થઈએ અને ન થાય તો વગર લેવેદેવે નારાજ થઈએ. એમાંય આપણી હાજરીમાં બીજાની પ્રશંસા થાય ત્યારે આપણો ચહેરો ફીકો પડી જાય છે. સારા હોવાની માનબુદ્ધિ આપણા રાજીપાને રોળી નાંખે છે. આપણે એમ નક્કી જ કરી લીધું છે કે ભૂલો તો બીજાની જ થાય અને બીજાની તો ભૂલો જ થાય. આપણા હાથે ભૂલ થાય ? સવાલ જ નથી. બુદ્ધિનો આ માપદંડ બંધાઈ જાય પછી આપણા હાથે ભૂલ થાય ત્યારે આપણી માનસિકતા કફોડી થઈ જાય છે. બીજાના માથે ઢોળી દેવાની, બીજાની ભૂલોને જાહેર કરવાની, ફેરવી તોળવાની રમત શરૂ થાય છે. બીજાની ભૂલ કાઢવી ગમે, બીજા ભૂલ કાઢે તે ન ગમે. સંપૂર્ણ હોવાની માનબુદ્ધિમાંથી આ જટિલતા સર્જાય છે. બીજાની ભૂલો કાઢવાથી આપણે નિર્દોષ થઈ ગયા તેવું આશ્વાસન ખોટી રીતે મળે છે. બીજાની ભૂલ જોવાથી આપણો બુદ્ધિઆંક શ્રેષ્ઠ છે તેવું જૂઠું ગણિત બંધાય છે. આપણી ભૂલોના વાહિયાત ખુલાસા અને નબળા બચાવો કરવા પડે છે. આવી માનસિકતામાં પ્રસન્નતા ભડકે બળી મરે છે. આપણે માની જ લીધું છે કે આપણે મોટા છીએ. મોટા છીએ કેમ કે બીજા નાના લાગે છે. મોટા હોઈએ તે ખરાબી નથી. મોટાઈ બતાવતા હોઈએ તે ભારે ખરાબી છે. મોટાઈમાં રાચતા રહીએ તે કમનસીબી છે. આપણાથી નાના હોય તે આપણાથી આગળ નીકળી જાય તેની છૂપી બળતરા મનમાં થતી રહે છે. એ નાનાએ પોતાનું ક્ષેત્ર તદ્દન નોખું રાખ્યું હોવા છતાં એની સાથે આપણે સ્પર્ધા બાંધી બેસીએ છીએ. આપણો ટેકો લીધા વિના એ નાના પ્રગતિ કરી લે ત્યારે મોટાઈનો ઠેકો રાખવાનો અર્થ નથી રહેતો. મોટા ભા બનવાની હોંશ હોય તેવા માણસની રૂઢિપ્રયોગમાં હાંસી થઈ છે. માની લીધેલી મનહૂસ મોટાઈને જાળવવામાં આપણી હાલત જ ખરાબ થાય છે. નાના પાસેથી માનની અપેક્ષા રહે છે, માન ન મળે તો એ દુશ્મન બની જાય છે. પછી શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ મનમાં સંગ્રામ ચાલે છે. પેલાને તો ખબર જ ના હોય, નાના આપણને પૂછે તેવી અપેક્ષા રહે છે, ન પૂછે તો એ બંડખોર થઈ ગયો તેમ માની, કપાળે હાથ આપણે મૂકવાનો. નાના- ને સમજાવવું ગમે છે, એ ન સમજે તો નારાજ આપણે જ થવાનું. આ સોદો ખોટમાં જઈ રહ્યો છે. મોટાઈની લાઠી પછાડવાથી ઘોંઘાટ જ થાય. અલબતું, નાના થઈને સૌને નમવાની પણ ચર્ચા નથી આ, મોટાઈનો ગર્વ છોડવાની ફિકર કરવી છે. તેય એટલા માટે કે પ્રસન્નતા પામવાનું મન છે. જવાબદારી જરૂર સંભાળવાની, સહાયક અને માર્ગદર્શક અચૂક થવાનું - શરત એટલી જ કે મોટાઈનો ગર્વ ન જોઈએ. મોટાઈનો ભાર ન રાખીએ તો આપણેય હલકાફૂલ અને આપણા તરફથી બીજાય હળવાફૂલ, આપણી હાજરી બીજાની માટે બોજો બને તે ન ચાલે. સમજદારીનો રંગ જુદો હોય છે. બીજાને ખરાબ, નબળા કે નાના ધારી લેવા તે પૂર્વગ્રહ છે. પોતાને સારા. સંપૂર્ણ અને મોટા ધારી લઈએ તે ગર્વગ્રહ છે. આ રાહુકેતુ જેવા બે ગ્રહોએ પ્રસન્નતાની કુંડળી બગાડી મૂકી છે. આ ગ્રહો છૂટી જાય તો પ્રસન્નતાની પાંખો આપણને અનંત આનંદના આકાશમાં લઈ જાય,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27