Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
૬૬ ].
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૨૪
કહીને જેમને અલગ રાખવા જરૂરી છે, એવા (મુક્ત) પુરુષોનો નિર્દેશ કરી, પ્રશ્નપૂર્વક એમનું નિરાકરણ કરે છે.
પ્રકૃતિલયોનું બંધન પ્રાકૃતિક છે. વિદેહોનું વૈકારિક છે, અને દિવ્ય તેમજ લૌકિક ભોગ ભોગવતા પુરુષોનું બંધન દક્ષિણા વગેરે સાથે સંબંધિત છે. આમ ત્રણ પ્રકારનાં બંધન છે. “સ તુ સદૈવ મુક્તક, સદૈવ ઈશ્વરઃ” ... વગેરેથી પ્રકૃતિની ભાવનાના સંસ્કારયુક્ત મનવાળા, શરીર પડ્યા પછી પ્રકૃતિ લય પામે છે, એમને ભવિષ્યમાં બંધનની સંભાવના દર્શાવી, બીજા (મુક્ત) પુરુષોને પૂર્વકાળમાં બંધન હતું એમ જણાવી, ઈશ્વરમાં પૂર્વ અને ઉત્તર બંને કોટિઓનાં બંધનનો નિષેધ કરી, સંક્ષેપમાં એની વિશેષતા દર્શાવે છે. ઐશ્વર્ય એટલે જ્ઞાન અને ક્રિયાશક્તિની સંપત્તિ. “થોડસૌ પ્રકૃષ્ટ સત્ત્વોપાદાનાદીશ્વરસ્ય શાશ્વતિક ઉત્કર્ષ :.” વગેરેથી ઈશ્વરના શાશ્વત ઉત્કર્ષ વિષે પૂછે છે : અપરિણામિની ચિતિશક્તિમાં જ્ઞાન કે ક્રિયા સંભવતાં નથી. તેથી રજોગુણ, તમોગુણવિનાના શુદ્ધ ચિત્તસત્ત્વનો આશ્રય કહેવો જોઈએ. સદા મુક્ત ઈશ્વરને અવિદ્યાથી ઉત્પન્ન થયેલા ચિત્તસત્ત્વના ઉત્કર્ષ સાથે સ્વ-સ્વામીભાવ સંબંધ સંભવતો નથી, તેથી પ્રકૃષ્ટ સત્ત્વનું ઉપાદાન ઈશ્વર કરે છે, એમ કહ્યું. ઈશ્વરને સાધારણ મનુષ્યોની જેમ અવિદ્યાના કારણે ઉત્પન્ન થતા ચિત્તસત્ત્વ સાથે સ્વ-સ્વામીભાવ સંબંધ થતો નથી. પરંતુ ઈશ્વર (કરુણાથી) વિચારે છે કે ત્રણ પ્રકારના તાપોથી ઘેરાયેલા, જન્મમરણના ઊંડા ભવસાગરમાં ડૂબેલા જીવોનો હું જ્ઞાન અને ધર્મના ઉપદેશથી ઉદ્ધાર કરીશ. આવો ઉપદેશ જ્ઞાન અને ક્રિયાના નિરતિશય સામર્થ્યવાળા ઐશ્વર્યા વિના થઈ શકે નહીં, અને એવું ઐશ્વર્ય રજસતમસથી વિમુક્ત શુદ્ધ સત્ત્વનો સ્વીકાર કર્યા વિના સંભવે નહીં. આવું વિચારીને ભગવાન અવિદ્યાના સંસ્પર્શથી સદૈવ મુક્ત હોવા છતાં, સત્ત્વપકર્ષનો સ્વીકાર કરે છે. અવિદ્યાના તત્ત્વને ન જાણનાર એનું અભિમાન કરે છે, પણ અવિદ્યાને અવિદ્યા તરીકે જાણીને સેવનાર એમ કરતો નથી. અભિનેતા પોતાના ઉપર રામપણાનો આરોપ કરીને, એને અનુરૂપ તે તે ચેષ્ટા કરતો હોવા છતાં બ્રાન્ત થતો નથી. એ જાણે છે કે અભિનય માટે સ્વીકારેલું આ રૂપ છે, તાત્ત્વિક નથી.
ભલે. પણ ભગવાન ઉદ્ધાર કરવાની ઇચ્છાથી સત્ત્વનો સ્વીકાર કરે છે, અને સત્ત્વનો સ્વીકાર કરીને ઉદ્ધારવાની ઈચ્છા કરે છે, આમ એ બેનો અન્યોન્યાશ્રય થયો, કારણ કે પ્રકૃતિને સ્વીકાર્યા વિના ઇચ્છા ઉત્પન્ન થાય નહીં. આ શંકાને નિવારવા માટે ઈશ્વરના ઉત્કર્ષને શાશ્વતિક કહ્યો. આ સૃષ્ટિ જો પહેલી વખત થઈ હોય તો આવી શંકા થાય, પણ સર્જન અને પ્રલયનો પ્રબંધ અનાદિ છે. તેથી પ્રલયનો અવધિ પૂરો થાય, ત્યારે મારે સત્ત્વનો પ્રકર્ષ સ્વીકારવો, એવું પ્રણિધાન કરીને, ભગવાને જગતનો સંહાર કર્યો. ત્યારે એ સંકલ્પની વાસનાથી રંગાયેલું