Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
પા. ૨ સૂ. ૧૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [૧૭૧
“યસ્વસૌ એકભવિકા કર્માશય:...” વગેરેથી ભૂમિકા રચે છે. “તું” શબ્દ વાસનાઓથી (કર્ભાશયનો) ભેદ દર્શાવે છે. દષ્ટજન્મવેદનીય અને નિયતવિપાકને જ એકભવિકપણાનો નિયમ લાગુ પડે છે, અષ્ટજન્મવેદનીયને નહીં. “કસ્માત”થી એનું કારણ પૂછે છે. “યો હિ અદષ્ટજન્મવેદનીય...” વગેરેથી કારણ કહે છે. “કૃતસ્ય..” વગેરેથી (ત્રણમાંથી) પહેલી ગતિ કહે છે. “પ્રધાનકર્મણિ..” વગેરેથી બીજી ગતિ અને “નિયતવિપાક.” વગેરેથી ત્રીજી ગતિ કહે છે.
“તત્ર કૃતસ્ય...” વગેરેથી પહેલી ગતિની ચર્ચા કરે છે. સંન્યાસીનાં અશુક્લ, અકૃષ્ણ કર્મો સિવાય, બધાં કર્મ કૃષ્ણ(પાપ) શુક્લ (પુણ્ય) અને કૃષ્ણશુક્લ (મિશ્રિત) છે. અહીં (આ જન્મમાં) તપ, સ્વાધ્યાય વગેરેથી ઉત્પન્ન થતો શુક્લ કર્ભાશય કૃષ્ણ કર્મનો, એ ફળ આપે એ પહેલાં, નાશ કરે છે. અને કૃષ્ણ સાથે સમાનતા હોવાથી મિશ્ર કર્મનો પણ નાશ કરે છે, એમ માનવું જોઈએ. અહીં ભગવાન ભાષ્યકાર “યત્રેદમ” વગેરેથી વેદવાક્ય ઉદ્ધત કરે છે. બે બે એટલે કૃષ્ણ અને મિશ્ર કર્મોને શુક્લ કર્મ નષ્ટ કરે છે, એમ સંબંધ છે. વીસા (બે વખત કહેવા)થી મોટું પ્રમાણ સૂચવ્યું છે. કોના એ પ્રશ્નના જવાબમાં “પાપકર્યા” એટલે પાપી પુરુષનાં એવો અર્થ છે. કોણ નષ્ટ કરે છે ? એના જવાબમાં પુણ્યોથી કરેલો એક સંચય એમ કહે છે. સમૂહ એના અવયવોથી સિદ્ધ થાય છે. આનાથી ત્રીજો શુક્લ કર્ભાશય કહ્યો. કહેવાનો આશય એ છે કે બીજાને પીડા ન થાય એવાં સાધનોથી સિદ્ધ કરેલા શુક્લ કર્ભાશયનો એવો મહિમા છે કે એ એકલો અત્યંત વિરોધી એવાં કૃષ્ણ અને કૃષ્ણશુક્લ કર્મોનો નાશ કરે છે. માટે સારાં કર્મ કરવાની ઈચ્છા કરો. “ઇચ્છસ્વ”માં આત્મપદ છાંદસ્ છે. બાકીનું સુગમ છે.
અહીં શુક્લ કર્મના ઉદયનો જ એવો અપૂર્વ મહિમા છે, જેનાથી બીજાં કર્મોનો અભાવ થાય છે. સ્વાધ્યાય, તપ સહિષ્ણુતા) વગેરે સાથે જોડયેલું દુઃખ કૃષ્ણકર્મો (પાપો)નો નાશ કરતું નથી. દુઃખ દુઃખ તરીકે જ પાપકર્મરૂપ અધર્મનું વિરોધી નથી, પણ અધર્મથી જ ઉત્પન્ન થયેલા દુઃખનું વિરોધી છે. સ્વાધ્યાય વગેરે સાથે જોડાયેલું દુઃખ અધર્મથી જન્યું નથી, પણ યોગી સાધકે એને બધાં દુઃખોના નાશના સાધન તરીકે સ્વેચ્છાથી સ્વીકાર્યું છે. જો સ્વાધ્યાય સહભાવી દુઃખ અધર્મથી જન્મેલું હોત તો સ્વાધ્યાય વગેરેનો ઉપદેશ વ્યર્થ ગણાય. કારણ કે એ દષ્ટિએ તો ઉપદેશેલા સ્વાધ્યાય વગેરેથી અધર્મનું ફળ દુઃખ ઉત્પન્ન થાય છે, એમ માનવું પડે. અને આ રીતે વિચારવામાં આવે તો તીવ્ર સંવેગપૂર્વક કરવામાં આવતા તપ, સ્વાધ્યાય વગેરે સાથે જોડાયેલા (શાસે ઉપદેશેલા અને યોગીએ સ્વયં સ્વીકારેલા) દુઃખ અને કુંભીપાક વગેરે નરકોમાં અનુભવાતા દુઃખમાંઆ નરક દુઃખ ફક્ત શાસે ઉપદેશેલું નથી એ સિવાય- શો તફાવત ગણાય? પણ