________________
કલાની ખરી વ્યાખ્યા માનવ જીવનની એક આધાર-વસ્તુ માનવી. એ રીતે જોતાં અચૂક આપણને જણાશે કે, કલા એ મનુષ્ય મનુષ્ય વચ્ચે વિનિમય કરવા માટેનું એક સાધન છે.
દરેક કલાકૃતિ તેના ભોક્તાને, તેના કર્તા જોડે તથા ભૂત ભવિષ્ય કે વર્તમાન કાળમાં તે જ કૃતિના બીજા બધા ભક્તા જોડે, અમુક પ્રકારની સંબંધ-ગાંઠ બાંધી આપે છે.
મનુષ્યના વિચારો તથા અનુભવોનું વહન કરીને ભાષા તેમની અંદર એકતા કે મિલનનું સાધન બને છે; અને કલા પણ એવો જ ઉદ્દેશ સારે છે. વિનિમયના આ બીજા સાધન કલાની ખાસિયત એ છે કે, શબ્દો વડે માણસ સામાને પોતાના વિચારો પહોંચાડે છે, ત્યારે કલા વડે તે પોતાની લાગણીઓ મોકલે છે. વિનિમયનાં એ બે સાધનોમાં જે ફેર છે તે આથી છે.
કલાની પ્રવૃત્તિનો આધાર એ હકીકત પર છે કે, એક માણસ પોતે અનુભવેલી ઊર્મિ કે લાગણીને વ્યક્ત કરે, તેને સામો માણસ પોતાનાં કાન કે આંખથી ઝીલીને અનુભવી શકે છે. આનો સાદામાં સાદો દાખલ લઈએ : એક જણ હસે છે અને તે સાંભળનાર બીજો માણસ તેથી રાજી થાય છે. એક માણસ ઉશ્કેરાઈ જાય છે કે છંછેડાય છે, તેને જોઈ બીજો માણસ એવી મનોદશામાં આવે છે. પોતાના હલનચલન કે હાવભાવથી અથવા તો કંઠના ધ્વનિથી એક માણસ હિંમત અને નિશ્ચય અથવા શોક અને શાંતિ બતાવે છે, અને આ મનોદશા બીજાઓને પહોંચે છે. એક પીડાતો માણસ ઊંહકા અને ચીસકાથી પોતાની પીડા વ્યક્ત કરે છે, અને આ પીડા એની મેળે બીજા લોકને પહોંચે છે. એક માણસ અમુક વસ્તુઓ કે માણસો કે દૃશ્યો યા ઘટનાઓને માટે વખાણ, ભક્તિ, ભય, આદર કે પ્રેમની પોતાની લાગણી વ્યક્ત કરે છે, અને સામેવાળા બીજા તે જ પ્રમાણેની લાગણીઓથી ચેપાય છે.
આમ સામા માણસની લાગણીઓનો આવિષ્કાર ઝીલીને પોતે જાતે તેમને અનુભવી શકવું, એવા પ્રકારની જે મનુષ્ય-શક્તિ, તેના ઉપર કલા-પ્રવૃત્તિ અવલંબે છે.