________________
૫૮
કળા એટલે શું? આપણી કળા એકમાત્ર કળા નથી એટલું જ નહિ, પરંતુ આખા ખ્રિસ્તી જગતની પણ તે એક નથી; એ કળા તો મનુષ્યજાતના આપણા (એટલે કે યુરોપ ખંડમાં વસતા) વિભાગના એક નાના ટુકડાની જ કળા છે. યહૂદી, કે ગ્રીક, કે મિસરની રાષ્ટ્રીય કળાની વાત કરવી એ સાચું હતું; અથવા અત્યારે ચીની કે જાપાની કે હિંદુસ્તાની કળા હયાત છે એમ કોઈ કહેવા માગે તો કહી શકે. આખી પ્રજાની એક સર્વમાન્ય કળા જેવી વસ્તુ રશિયામાં પહેલા પીટરના સમય સુધી હતી; અને ૧૩ મા કે ૧૪ મા સૈકા સુધી યુરોપના બીજા ભાગમાં તેવી વસ્તુ હતી. પરંતુ જ્યારથી દેવળધર્મશિક્ષણમાંથી યુરોપના ઉપલા વર્ગોની શ્રદ્ધા ઊડી જતાં, તેની જગાએ તેમણે સાચો ખ્રિસ્તી ધર્મ ન સ્વીકાર્યો, પરંતુ કોઈ ધર્મશ્રદ્ધા વગરના જ તેઓ રહ્યા, ત્યારથી ખ્રિસ્તી પ્રજાઓની કળા વિષે કોઈ પણ એમ ન બોલી શકે કે, તે કળા જ સમસ્ત ખ્રિસ્તી કળા છે. ખ્રિસ્તી ધર્મના ઉપલા વર્ગોએ જ્યારથી દેવળધર્મમાં શ્રદ્ધા ખોઈ, ત્યારથી તે ઉપલા વર્ગોની કળા બાકીના બધા લોકની કળાથી જુદી પડી છે, પરિણામે બે કળાઓ પ્રવર્તે છે – એક આમપ્રજાની લોકકળા અને બીજી ઉપલા વર્ગોની ભદ્ર કે ઉજળિયાત કળા.
હવે પેલા શરૂના પ્રશ્ન ઉપર આવીએ કે, મનુષ્યજાત, અમુક વખત સુધી, સાચી કળાની જગાએ માત્ર મજા કે આનંદ આપવાનું કામ કરતી કળા સ્વીકારી લઈ પોતે સાચી કળાવિહોણી રહી, એ બની શી રીતે શકયું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સાચી કળા વિના રહેનાર આખી માનવજાત નહોતી; અરે, લેખામાં લેવા જેવડો એનો ભાગ પણ એ નહોતા; તેઓ તે યુરોપીય ખ્રિસ્તી સમાજના માત્ર ઉપલા વર્ગો જ એકલા હતા, અને તેય યુરોપીય જ્ઞાનોદયયુગના પ્રારંભથી તે આજ સુધી,-એટલે કે, સરખામણીમાં સાવ ટૂંકી મુદત માટે જ.
સાચી કળાના આ અભાવનું પરિણામ અચૂક આવ્યું કે, પેલી ખોટી કળાથી પોષાનાર વર્ગમાં ભ્રષ્ટતા આવી. બુદ્ધિમાં ન ઊતરે એવા કલાવાદોનો બધો ગોટાળો, ક્વા બાબતના બધા જુઠા ને પરસ્પરવિરોધી નિર્ણયો,