________________
૫૬
કળા એટલે શું? હવે સત્ય જોઈએ. કલા-ત્રિમૂર્તિના આ સભ્યની સાધુતા જોડે એકરૂપતા ઘટાવવી, અથવા એની કશી સ્વતંત્ર હસ્તી પણ માનવી, એ તો તેથીય ઓછું સંભવી શકે એવી વાત છે.
સત્યથી આપણે આટલું જ સમજીએ છીએ: –વસ્તુતા કે અસ્તિત્વ સાથે, અથવા દરેકના સામાન્ય અનુભવની વસ્તુ વિશેની સમજ સાથે, તે તે વસ્તુના કથન કે વર્ણનની અથવા તેની વ્યાખ્યાની સંગતતા કે મેળ હોવાં તે. તેથી, સત્ય એ સાધુતાને પહોંચવાનું સાધન થયું. પરંતુ એક બાજુ સૌંદર્ય અને સત્યના ભાવો અને બીજી બાજુ સાધુતાનો ભાવ – એ બે બાજુને સામાન્ય એવું તેમાં શું છે? ખાસ દુ:ખ દેવા બોલાયેલું સત્ય સાધુતા જોડે મેળ તો ન જ ખાય.
સૌંદર્ય ને સત્યના ભાવો સાધુતાના ભાવને સમાન નથી એટલું જ નહિ, સાધુતાની સાથે મળી તે બે ભાવો એક વસ્તુ નથી બનતા એટલું જ નહિ, પરંતુ તેઓ પોતે અરસપરસ મળતાપણું પણ નથી ધરાવતા. દા.ત. સૉક્રેટીસ, પાસ્કલ અને અનેક બીજા એમ માનતા કે, નકામી વસ્તુઓ વિશેનું સત્ય જ્ઞાન મેળવવું એ સાધુતા જોડે મેળ નથી ખાતું. સૌંદર્ય સાથે તો સત્યને સામાન્ય કશુંય નથી, બલ્ક ઘણે ભાગે સત્ય તેની સામે છે; કેમ કે, સામાન્ય રીતે, સત્ય મોહને ઉઘાડો પાડે છે અને ભ્રમનો નાશ કરે છે, અને આ બે બાબતો તો સૌંદર્યની મુખ્ય શરત છે.
હવે ત્યારે જુઓ કે કેવી ગમત છે! આ ત્રણ ભાવો, કે જે પરસ્પર મેળ ખાય એવા સંગત તો ક્યાં, પણ એકબીજાને પરાયા છે; છતાં, કશા પાયા વગર, તેમનો એક વસ્તુ તરીકે સંયોગ કરાય છે અને તે સંયોગ પેલા અજબ કલાવાદના પાયાનું કામ દે છે! કે જે વાદ પ્રમાણે, સારી લાગણી વહન કરતી જે સારી કળા અને નઠારીને વહન કરનારી જે નઠારી કળા, એ બેની વચ્ચેનો જે ભેદ, તે જ સાવ નાબૂદ થાય છે, અને કળાનું જે સુદ્રમાં સુદ્ર સ્વરૂપ એટલે કે આનંદ અને મજાને માટે કળા – કે જેની સામે મનુષ્ય-જાતના સર્વ ગુરુઓએ તેને ચેતવી છે,–તે સર્વોચ્ચ કળા ગણાવા લાગી છે !