Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
શ્રમણોપાસક ધર્મ. શ્રમણ સર્વત્યાગી સંયમી હોય છે. જ્યારે તેમની અપેક્ષાએ હળવો, સુકર, બીજો માર્ગ સાધક પોતાની શક્તિ અનુસાર સ્વીકારે છે. તેને દેશવિરતિ સાધના કહેવામાં આવે છે.
ઉપાસકદશાંગ સૂત્ર અંગ સૂત્રોમાં સાતમું અંગ સૂત્ર છે. એમાં દેશવિરતિ સાધનારૂપે શ્રમણોપાસક જીવનની ચર્ચાઓ છે. ભગવાન મહાવીરના સમયના દશ શ્રાવક (૧)આનંદ (૨)કામદેવ (૩)ચુલનીપિતા (૪)સુરાદેવ (૫)ચુલ્લશતક (૬)કુંડકૌલિક (૭)સકડાલ પુત્ર (૮)મહાશતક (૯)નંદિની પિતા (૧૦)શાલિહી પિતા. આદિનું વર્ણન
છે. “
શ્રી ઉપાસકદશાંગસૂત્ર વિષે ડૉ.કેતકી યોગેશ શાહ કહે છે કે,
ભગવાન મહાવીરના શ્રાવકોની સંખ્યા ૧ લાખ ૨૯ હજાર હતી. તેમાં આ ૧૦ શ્રાવકોનું જીવન કંઈક વિશેષ ઘટનાઓ અને ઉપસર્ગોને કારણે તેમજ પ્રેરક હોવાથી અંકિત કરવામાં આવ્યું છે. સૂત્રમાં વર્ણિત દશે શ્રાવકોએ ૨૦ વર્ષ સુધી શ્રાવકવ્રતોનું પાલન કર્યું. જેમાં છેલ્લાં છ વર્ષોમાં બધાયે નિવૃત્તિમય જીવન સ્વીકાર કર્યું. શ્રાવકની અગિયાર પડિમાનું આરાધન કર્યું. આ સમાનતાની દૃષ્ટિએ પણ આ દશ શ્રાવકોનું વર્ણન આ સૂત્રમાં કર્યું છે.
આ સૂત્રનું ગાથા પરિમાણ ૮૧૨ શ્લોક પ્રમાણ છે. ૧૦ અધ્યયન છે. આ સૂત્ર કાલિક સૂત્ર છે.* ઉપાસકદશાંગ સૂત્ર વિશે ગુણવંત બરવાળિયા કહે છે કે,
વીરપ્રભુના શાસનના દશ મહાશ્રાવકોના દેશવિરતિના ઉત્કૃષ્ટ આચારોનું વર્ણન આપણને પ્રેરણાના પીયૂષ પાય છે. શ્રાવકોની જીવન શૈલી, તેમની વ્યાપાર પધ્ધતિ કેવા પ્રકારની હતી, રોકાણની પધ્ધતિ, ક્ષેત્ર, સાધનો અને ન્યાય સંપન્ન વૈભવ અને શ્રાવકોની આવકનો વ્યય અને સચ્ચયનું વર્ણન આ સૂત્રમાં છે.'
ભગવાન મહાવીરના શ્રાવકો પાસે ગાયોના વિશાળ ગોકુળ હતા. જે ઘરમાં ગાય છે ત્યાં આસુરી સંપત્તિનું આગમન થતું નથી તે આ સૂત્ર દ્વારા ફલિત થાય છે.
પરિવારમાં પત્ની, માતા અને પુત્રીનું સ્થાન અને વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન પણ આ સૂત્રમાં છે.
ભગવાન મહાવીરે પોતાના શ્રાવકો જે સંસારમાં રહીને પણ ઉત્કૃષ્ટ આત્મ કલ્યાણ કરે છે તેવા શ્રાવકોનું પોતાના શ્રીમુખેથી વર્ણન કરી શ્રાવકોને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. તે ઉપાસકદશાંગ સૂત્રથી પ્રગટ થાય છે.
88.