Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
હોય, કોઈ પણ ધર્મ સંપ્રદાયથી જોડાયેલ હોય, શહેરી હોય કે ગામડિયો, સુશિક્ષિત હોય કે અભણ, તે રામાયણથી પરિચિત હોય જ છે. રામાયણે આપણા નુતન સાહિત્ય વગેરેને અત્યંત પ્રભાવિત કર્યું છે. વિદ્વાનોનું કહેવું છે કે વાલ્મિકી રામાયણના પૂર્વે પણ અનેક રામકથાઓ પ્રચલિત હતી. જેને મૌખિક પરંપરાએ જીવિત રાખી હતી. વાલ્મિકી રામાયણમાં પણ અનેક પ્રતિભાશાળીઓએ પોતાની બુધ્ધિ પ્રમાણે કાંઈક ઉમેરી નવી વિવેચના કરી છે. આવા યોગદાનથી રામાયણ પહેલા કરતા પણ રોચક બની છે.”N
વાલ્મિકીની સાથે “તુલસી રામાયણ” (વ્રજભાષા), દુર્ગાવર કૃત “મીતરામાયણ” (બંગાલી), દિવાકર ભટ્ટ કૃત ‘રામાયણ” (કાશમીરી), એકનાથ કૃત ભાવાર્થ રામાયણ (મરાઠી), કંપન કૃત પંપા રામાયણ (કન્નડ), વગેરે કેટલાક એવા ગ્રંથો છે કે જે પ્રાંતીય ભાષામાં લખાયેલ છે. જેનું અંતરંગ તો લગભગ વાલ્મિકી રામાયણ જેવું જ છે પરંતુ બહિરંગમાં એમના કર્તાઓની પ્રતિભાશક્તિના અગણિત આવિષ્કારોનો અનુભવ કરી શકાય છે.
ભારતમાં યુગો યુગોથી ચાલી આવતી મૌલિક જૈન સંસ્કૃતિએ આર્ય સંસ્કૃતિને એક નવું અને અનોખું યોગદાન આપ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની આગ્રહી જૈન ધર્મ સંસ્કૃતિ ભારત અને બીજા કેટલાક દેશોમાં મળે છે. જૈન સંસ્કૃતિએ રામાયણને અનન્ય મહત્વ આપ્યું છે.
જેન સંસ્કૃતિ પ્રમાણે રામાયણનો સમય લગભગ પોણા બાર લાખ વર્ષ પૂર્વે ભગવાન મુનિસુવ્રત સ્વામી થયા. એમની જ પરંપરામાં સુવ્રતમુનિ થયા. તેમના સાન્નિધ્યમાં રામચંદ્રજીએ સાધના કરી હતી. આમ, પોણા બાર લાખ વર્ષ પૂર્વે રામ, લક્ષ્મણ, સીતા વગેરે થયા એવું કેટલાક વિદ્વાનો માને છે. પાછળથી ભગવાન મહાવીરે કેવળજ્ઞાન વડે આ રામાયણના પ્રસંગોને જોયા અને એ પ્રસંગોને તેમના શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ સૂત્રરૂપે રચ્યા. તે પછી પરંપરાએ આ જૈન રામાયણ આચાર્ય શ્રી વિમલસૂરિ પાસે આવી. એમણે ૧૯૫ વર્ષ પૂર્વે પ્રાકૃત ભાષામાં પઉમચરિય નામના ગ્રંથની રચના કરી. તેમજ ૯૦૦ વર્ષ પૂર્વે ત્રિષ્ટિશલાકા વગેરે ગ્રંથોની રચના થઈ.
જૈન રામાયણની વિશેષતા કઈ ઘટનાઓથી કોણ વૈરાગ્ય પામી આત્મકલ્યાણ સાધે છેઃ
૧.દશરથના પિતા રાજા અનરણ્ય મિત્રના સંદેશથી.
135