________________
૧૪o.
_ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ રત્નચૂડ તો આ ડિંગ સાંભળીને ઘડીક ઘા ખાઈ ગયો. તેણે ચાલાકીથી કામ લીધું તેણે કાણિયાની વાત માની લીધી અને તેણે આપેલું દ્રવ્ય લઈ લીધું અને કહ્યું: “ભલે ભાઈ! તું મારા ઉતારે આવજે.”
રત્નચૂડ આમ ઠગાતો જઈ રહ્યો હતો. ત્યાં તેણે ચારેક જણને વાતો કરતા સાંભળ્યાં:
એક કહી રહ્યો હતો: “સમુદ્રના પ્રમાણ અને ગંગા નદીના કણની સંખ્યા તો જ્ઞાની પુરુષો પણ જાણી શકે છે, પરંતુ સ્ત્રીઓનું હૃદય તો કોઈ જાણી નથી શકતું.”
બીજો બોલ્યો : “સમુદ્રના જળનું પ્રમાણ અને ગંગા નદીના રેતીના કણની સંખ્યા કોઈ જાણી શકતું નથી. તેવો કોઈ પુરુષ નથી. જ્યારે સ્ત્રીઓનું હૃદય જાણનારા તો ઘણાં પુરુષો છે.”
ત્રીજાએ કહ્યું: “પૂર્વાચાર્યોએ જે કહ્યું છે તે અસત્ય નથી તે સર્વબાબત સર્વજ્ઞ પુરુષો જાણે છે.” ત્યાં રત્નચૂડતરફ આંગળી ચીંધીને ચોથા પુરુષે કહ્યું: “આ શ્રેષ્ઠિપુત્ર આ સર્વ વાત જાણે છે.”
આ સાંભળી બીજા બે ચાર જણ એકી સાથે બોલી ઉઠ્યાં : “ગંગા નદી તો અહીંથી ઘણી દૂર છે આથી તેની વાત રહેવા દો પણ પ્રથમ સમુદ્રના પાણીનું પ્રમાણ તો આ શ્રેષ્ઠિ પાસે નક્કી કરાવો.” આમ બધાએ ભેગા થઈ રત્નચૂડને પાનો ચડાવ્યો. રત્નચૂડે તે પડકાર ઝીલી લીધો એટલે પેલા ચાર જણાએ કહ્યું: “સમુદ્રના જળનું પ્રમાણ તમે નક્કી કરી આપશો તો અમારી બધી લક્ષ્મી તમને આપી દઈશું અને તેમ નહિ કરી શકો તો અમે તમારી બધી જ લક્ષ્મી લઈ લઈશું.” રત્નચૂડે આ શરત પણ માન્ય રાખી.
હવે તેની ચિંતા વધી ગઈ. આ બધી શરતોને હું કેવી રીતે પૂરીશ? અને નહિ પૂરી થાય તો મારું શું થશે? શું હું અહીં આ નગરીમાં લૂંટાઈ જઈશ? પણ રત્નચૂડ હિંમત ન હાર્યો. પિતાએ તેને આ નગરીનો પરિચય આપ્યો જ હતો. તેને રણઘંટા વેશ્યા યાદ આવી. તેને થયું કે ત્યાં જ જઉં. તેને રાજી કરું અને તેની પાસેથી જ આ બધાનો કોયડો ઉકલાવું. એમ વિચારી તે વેશ્યાને ત્યાં ગયો.
રણઘંટા વેશ્યાએ રત્નચૂડનું સ્વાગત કર્યું. સગો પતિ કે પ્રિયતમ હોય તેવા ભાવથી તેને વધાવ્યો. વેશ્યાઓ પૈસાની લાલચું હોય છે એ રત્નચૂડ જાણતો હતો. તેણે રણઘંટાને મૂલ્યવાન હાર અને રત્નો આપી પ્રથમ તબક્કે જ ખુશ કરી દીધી.
રણઘંટા તેના ઉપભોગ માટે તૈયારી કરવા લાગી એટલે રત્નચૂડે કહ્યું: “રણઘંટા ! આ બધો વિલાસ આપણે જરૂર કરીશું પરંતુ તે પહેલા તું મારું એક કામ કરી દે. તારી મદદથી મારું કામ થઈ જશે તો હું તને નિરાશ નહિ કરું.”
રણવંટા રત્નચૂડની સરળતા, નિખાલસતા અને યૌવન તેમજ ધનથી પહેલી જ નજરે ખુશ થઈ ઉઠી હતી. “કહો ! મારાથી બની શકશે તો તમારું કામ હું જરૂર કરી દઈશ.”