________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
૨૪૫
ઉત્સર્પિણીના ચોથા આરામાં થયેલા યુગલિયાના દેહની ઊંચાઈ તે આરાને પ્રાંતે એક ગાઉની હોય છે અને આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. તેઓ એકાંતરે આમળાના ફળ જેટલો આહાર કરે છે. તેમને ચોસઠ પાંસળીઓ હોય છે. એ આરામાં યુગલિયા એક્યાશી દિવસ સંતતિનું પાલન કરે છે. પછી શ્વાસોશ્વાસ, બગાસું, ખાંસી કે છીંક વગેરેથી પ્રાણ છોડી દે છે અને દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે બે કોટાકોટિ સાગરોપમનો સુષમદુષમા નામે ચોથો આરો વ્યતીત થયા પછી સુષમા નામે પાંચમો આરો શરૂ થાય છે. તે આરાની શરૂઆતમાં યુગલિયા ચોથા આરાના અંત સમયના યુગલિયા જેવા જ હોય છે. પરંતુ ધીમે ધીમે તેમના શરીર તથા આયુષ્ય ત્યાં સુધી વધે છે કે શરીરનું પ્રમાણ બે ગાઉ સુધીનું અને આયુષ્ય બે સાગરોપમ સુધી થાય છે. તેમની પૃષ્ઠ ભાગની પાંસળીઓ પણ વધીને એકસો અઠ્ઠાવીસની થાય છે. આહાર ઘટતો ઘટતો બે દિવસના આંતરે એક બોર જેટલો થઈ જાય છે અને સંતતિને તેઓ ચોસઠ દિવસ સુધી પાળે છે. આ પ્રમાણે ત્રણ કોટાકોટિ સાગરોપમના પ્રમાણવાળો પાંચમો આરો પૂરો થતાં છઠ્ઠો આરો શરૂ થાય છે.
આ છઠ્ઠા આરાના પ્રારંભમાં યુગલિયાઓના શરીર વગેરેનું પ્રમાણ પાંચમા આરાના અંતે પ્રસૂત થયેલા યુગલિયાઓ જેટલું હોય છે. પરંતુ તેમના શરીર અને આયુષ્ય વધતા જાય છે અને આરાના અંતે તેમનું શરીર ત્રણ ગાઉનું અને આયુષ્ય ત્રણ પલ્યોપમનું થાય છે. તેમની પાંસળીઓ વધીને બસો છપ્પન થાય છે. આહારમાં પણ ઘટાડો થાય છે. ત્રણ દિવસના આંતરે તુવેરના ફળ જેટલો જ આહાર લે છે અને સંતતિનું પાલન ઓગણપચાસ દિવસ કરે છે.
આ આરામાં હાથીનું આયુષ્ય મનુષ્ય જેટલું, અશ્વાદિકનું આયુષ્ય મનુષ્યના આયુષ્યના ચોથા ભાગ જેટલું, મેઢા વગેરેનું આઠમા ભાગ જેટલું, ગાય, ભેંસ, ઊંટ વગેરેનું પાંચમા ભાગ જેટલું, શ્વાન વગેરેનું દસમા ભાગ જેટલું, ભુજપરિસર્પ તથા ઉરપરિસર્પનું એક કરોડ પૂર્વનું, પક્ષીઓનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું અને જળચરોનું એક પૂર્વ કોટિનું હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય માત્ર આ જ આરામાં હોય છે.
ભુજપરિસર્પના શરીરનું પ્રમાણ ગાઉ પૃથક્ત્વ, ઉરપરિસર્પનું એક હજાર યોજનનું, ખેચરોનું ધનુષ્ય પૃથક્ત્વ અને હાથી વગેરેનું છ ગાઉનું હોય છે. આહારનું ગ્રહણ બે દિવસના આંતરે હોય છે.
આ પ્રમાણે છઠ્ઠો સુષમસુષમા નામનો ચાર કોટાકોટિ સાગરોપમના સમયનો આરો પૂરો થાય છે. આમ ઉત્સર્પિણી કાળ સંબંધી છ આરા સમજવાં.
અવસર્પિણી કાળના પણ છ આરા હોય છે. તેમાં વિશેષતા એ હોય છે કે ઉત્સર્પિણીના આરા કરતાં આ આરા વિપરીત હોય છે. તીર્થંકર વગેરેના દેહ અને આયુષ્ય પ્રમાણ વિપરીત હોય છે.
ઉ.ભા.-૩-૧૭