________________
૨૫૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ સુનંદા શ્રાવિકાનો જીવ નવમા પોટિલ તીર્થકર થશે. તે શાંતિનાથ પ્રભુ સમાન હશે. શતક શ્રાવક દસમા શતકીર્તિ નામે તીર્થકર થશે તે ધર્મનાથ પ્રભુ જેવા હશે. આ શતકનો જીવ પુષ્કલી એવા બીજા નામથી ભગવતીજીમાં કહેલ શ્રાવકનો જીવ સમજવો.
અગિયારમા સુવ્રત નામે તીર્થકર દશારસિંહ જે કૃષ્ણ તેની માતા દેવકીનો જીવ થશે. તે અનંતનાથ પ્રભુ સમાન હશે. બારમા અમમ નામે પ્રભુ નવમા વાસુદેવ કૃષ્ણનો જીવ થશે. તે તેરમા વિમલનાથ પ્રભુ સમાન હશે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે “કૃષ્ણ ભાવિ ચોવીશીમાં તેરમા તીર્થંકર થશે.” તેથી તત્ત્વ બહુશ્રુત જાણે.
તેરમા નિષ્કષાય નામે તીર્થકર સત્યકી વિદ્યાધરનો જીવ થશે. સુજયેષ્ઠા સાધ્વીના પુત્ર જે લોકમાં રૂદ્ર-સદાશીવ નામે પ્રસિદ્ધ થયેલા છે તેનો જીવ જાણવો. તે પ્રભુ વાસુપૂજ્ય સમાન હશે.
ચૌદમા તીર્થંકર નિપ્પલાક નામે બળદેવનો જીવ થશે. પણ આ બળદેવ કૃષ્ણના ભાઈ બળભદ્ર સમજવા નહિ. કારણ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી નેમિચરિત્રમાં કહ્યું છે કે “બળભદ્રનો જીવ કૃષ્ણના તીર્થમાં સિદ્ધિ પામશે.” તેથી આ બળભદ્ર બીજા સમજવાં. તે તીર્થકર શ્રી શ્રેયાંસ પ્રભુ સમાન થશે.
પંદરમા તીર્થંકર નિર્મમ નામે થશે તે સુલતાનો જીવ હશે. આ સુલસા શ્રાવિકા તે સમજવા કે જેને શ્રી વીરપ્રભુએ અંબાના મુખે ધર્મલાભ કહેવરાવ્યો હતો. તે પ્રભુ શીતલનાથ - સમાન હશે.
સોળમા તીર્થંકર ચિત્રગુપ્ત થશે. તે બળભદ્રની માતા રોહિણીનો જીવ હશે. તે સુવિધિનાથ સમાન થશે. રેવતી શ્રાવિકા સત્તરમા તીર્થંકર સમાધિ નામે થશે. તે ચંદ્રપ્રભુ સમાન થશે. શતાલી શ્રાવકનો જીવ અઢારમા સંવર નામે તીર્થંકર થશે. તે સુપાર્થ પ્રભુ સમાન હશે. દીપાયનનો જીવ ઓગણીસમા યશોધર નામે તીર્થકર થશે. તે પદ્મપ્રભુની સમાન થશે. આ દ્વીપાયન લોકમાં વેદવ્યાસ નામે જાણીતા છે તે સમજવાં. કર્ણરાજાનો જીવ તે વશમા વિજય નામે તીર્થંકર સુમતિનાથ જેવા થશે.
એકવીસમા મલ્લ નામે તીર્થંકર નારદનો જીવ થશે તે અભિનંદન પ્રભુ સમાન હશે. બાવીશમા દેવ નામે તીર્થકર અંબડનો જીવ થશે. તે સંભવનાથ સમાન હશે. ત્રેવીસમા અનંતવીર્ય નામે તીર્થંકર થશે. તે અમરનો જીવ હશે. તે અજિતનાથ સમાન થશે. ચોવીસમા તીર્થંકર ભદ્રંકર નામે થશે. તે બુદ્ધનો જીવ થશે. તે શ્રી ઋષભદેવ સમાન થશે.
આ સર્વ તીર્થકરોના દેહનું અને આયુષ્યનું પ્રમાણ, કલ્યાણતિથિઓ, લાંછન, વર્ણ અને અંતર વગેરે પશ્ચાનુપૂર્વીથી વર્તમાન તીર્થકરોની સમાન જાણવું.