________________
॥श्री पोसीना पार्श्वनाथ स्तवन॥
-સા. મધુરહંસાશ્રી
પ્રસ્તુત લેખમાં શ્રી પોસીના પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન રજૂ કરવામાં આવ્યું છે. આ સ્તવનની હસ્તપ્રત રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર ચિતોડગઢસંગ્રહમાં છે. (કેટલોગ નં-૮-૨૨-૬, પ્રત ક્રમાંક-૪૧૩૧)આ કૃતિ એક જ પાના ઉપર ઊભી લખાઈ છે. ૨૩ પંક્તિ છે અને દરેક પંક્તિ પર ૧૦ અક્ષર છે. આ કૃતિના રચયિતા શ્રી કપૂર વિજયજી મ. છે. તેની રચના વિ. સં. ૧૮૧૬માં ચૈત્ર વદ ૧૦ના દિવસે થઈ છે. આ. શ્રી વિજયધર્મસૂરિજી નામના આચાર્ય મહારાજ પોસીના તીર્થની યાત્રા કરવા પધાર્યા તે નિમિત્તે આ સ્તવનની રચના થઈ છે. પોસીના તીર્થ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના રાજસ્થાનની સરહદ પર આવેલું છે. પોસીના નામના બે ગામ છે. નાના પોસીના અને મોટા પોસીના. નાના પોસીનામાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. મોટા પોસીનામાં પાર્શ્વનાથ ભગવાન, અને મહાવીર સ્વામિનું મંદિર છે. સ્તવનનો સામાન્ય શબ્દાર્થ અહિં પ્રસ્તુત છે.
પોસીનામાં પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાન આજે મળ્યા. જિનવરને ભેટીને કઠોર કર્મ મટી ગયા. આંખો આનંદિત થઈ (૧)
આજનો દિવસ ધન્ય થયો, મારાં બધા કામકાજ સર્યો. કલ્પવેલડી અને કામકુંભ જેવા તમારા દર્શન થયાં. (૨)
તમારી સુરત જોઈને મને અજબ આકર્ષણ થયું છે. પ્રભુ મારો પ્રેમ એક પક્ષનો છે. હવે મારી આશા પૂરી થઈ (૩)
વિશ્વમાં બધા દેવો છે પણ તેમની સેવા કરવી મને ગમતી નથી. તમારા ફૂલ જેવા ચરણોની સુવાસથી મારું મન ભમરાની જેમ ભમે છે. (૪).
પ્રભુ! દાતાનું નામ સાંભળીને યાચકની આશા ત્રણ ગણી થઇ જાય છે. જાણકાર થઇને આપ અજાણ કેમ બનો છો? આટલી તાણ કેમ કરો છો ?આટલો રોષ કેમ કરો છો. ? (૫)
મારામાં કયો દોષ છે. ? યાચકને નિરાશ કરશો તો યશ કેવી રીતે પામશો? (૬)
પહેલી છ ગાથામાં કવિએ પ્રભુને મળવાની ઉત્કંઠા વ્યક્ત કરી છે. તેમ જ પ્રભુને મળવાનો આનંદ અને વિરહની વેદના દર્શાવી છે.