Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1064
હૃદય નયન નિહાળે જગધણી
ઉપકાર કરેલ છે. રાજમતિમાં આ ભાવનાઓના જીવંત ભાવનાથી જીવનમાં આવેલો આ મહાન વળાંક જ ચૈતન્ય સન્મુખતા પ્રતિ લાવી દે છે. વૈરાગ્યા વાસિત થયેલી રાજીમતિમાં હવે પહેલાના જેવો પ્રેમરોગ જેવો સંનિપાત જ્વર, વલોપાત, ઉત્કટતા, વિષાદ રહ્યા નહિ. તે બધા વિલીન થઈ ગયા. વીતરાગતા આદરી રે, પ્રાણનાથ ! નિરધાર” માં એકરૂપતા સાધી, માહ્યલો જાગી ગયો. પર-તત્ત્વમાં રાચવારૂપ પરાવલંબન હતું તે ગયું. વિવેક સૂર્યનો ઉદય થતાં આત્મા એ જ ઉપાદેય છે, તેનું સંપૂર્ણ ભાન થયું. સ્વ પ્રત્યેનો ગુણાનુરાગ વધવા માંડ્યો, રાગાદિ ભાવોથી પર થવાનો પુરુષાર્થ જારી રાખ્યો, મિથ્યાત્વાદિ ભાવોનું ઉલ્લંઘન થતાં વિરતિપણાના ભાવમાં સંલગ્નતા થઈ. મહાવ્રતોના ઉચ્ચારણ માત્રથી ભૂતકાળની પ્રત્યેક પર્યાયમાં વિલસવાપણાના ભાવનું પ્રતિક્રમણ થયું વર્તમાન ક્ષણ આલોચનામાં પરિવર્તિત થઈ અને જ્યાં સુધી કેવળજ્ઞાન પર્યાય ન પ્રગટે ત્યાં સુધી અનાગતના પ્રત્યાખ્યાનમાં તે જોડાઈ ગઈ.
ત્રિકાળી ધ્રુવ તત્ત્વની નિરંતર ભજના થતાં સ્વરૂપાચરણ ચારિત્રમાં લીનતા વધવા માંડી. શુદ્ધોપયોગમય સ્થિતિમાં જ પરમ શરણીયતા ભાસી. નેમિનાથ પ્રભુએ આરાધેલો આ માર્ગ જ મોક્ષમાર્ગ છે એવી દૃઢ પ્રતીતિ થઈ. આમ ચિત્ત તત્ત્વવિચારમાં લીન થતાં ભીતરમાં જ્ઞાતાદારૂપે પરિણમન થવા માંડ્યું. સ્વયંનુ જ્ઞાન, જ્ઞાનની પર્યાયમાં જ્ઞપ્તિરૂપે ભાસવા લાગ્યું. જ્ઞાન, જ્ઞાતા અને શેય એ ત્રણેનો અભેદ થયો. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ભગવાન જણાયો. જ્ઞાન ચેતના ઉલ્લસિત થવા લાગી. સ્વના આશ્રયે જ મોક્ષમાર્ગ છે અને સ્વના આશ્રયે જ મોક્ષ છે તેની દઢતા થઈ. જેમ જેમ સ્વરૂપમાં લીનતા સધાતી ગઈ, તેમ તેમ હું મોક્ષ સ્વરૂપ જ છું; એ શ્રદ્ધાન અસ્થિમજ્જા થતું ગયું અને હવે પોતે એટલે કે રાજીમતિએ વીતરાગતાને જ આદરવી એવો દૃઢ નિશ્ચય લક્ષિત થયો.
સ્યાદ્વાદી એટલે ગુણગ્રાહી.