Book Title: Aymbilnu Mahatmya
Author(s): Vanitabai Mahasati
Publisher: Vanitabhai Mahasati

View full book text
Previous | Next

Page 10
________________ રસત્યાગ વિગઇનો ત્યાગ કરો વિકાર કરનારા રસોનો જે ત્યાગ કરવો તે રસત્યાગ નામનું તપ કહેવાય છે, તેમાં પણ ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક વિકૃતિ (વિગઈ) ગ્રહણ કરવી. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ તથા પકવાન્ન વગેરે છ ભક્ષ્ય અને મધ, માંસ, મદિરા તથા માખણ એ ચાર અભક્ષ્ય મળી દશ વિકૃતિ (રસ) કહેલા છે. તે સર્વ રસોનો અથવા તેમાંથી કેટલાકનો જીવન પર્યત અથવા અમુક વર્ષ સુધી, અથવા પર્વ તિથિ, છ માસ, ચાર માસ વગેરે અવધિ રાખીને ત્યાગ કરવો; કેમકે તે સર્વે વિકારનાં કારણ છે. વિગઈનો ત્યાગ બે રીતે કરવામાં આવે છે. એક તો મૂળથી એટલે કે દૂધનો જો ત્યાગ કરો તો પછી દૂધની બનેલી કે જેમાં દૂધ આવતું હોય એવી કોઇ જ વસ્તુ ના લેવાય. અને માત્ર દૂધ વિગઇનો ત્યાગ કરો તો દૂધ ના લેવાયપણ એનાથી બનેલી વસ્તુ લઈ શકાય. આવું જ અન્ય વિગઈઓ માટે સમજી લેવું. વૃત્તિઓ અને વિકારોને ઉત્તેજે, વિકૃત બનાવે, આવેશ અને આવેગને ભડકાવે તેવાં ખાનપાનનો ત્યાગ કરવો. ચિત્તને બેહોશ અને બધિર (બહેરું) બનાવે તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. આળસ અને ઊંઘ લાવે, બેચન અને બેદિલ બનાવે તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. તળેલાં, મસાલેદાર, ગળ્યાં તેમજ સ્ટાર્ચવાળા ભોજનપદાર્થો ખાવાથી ચિત્તની શાંતિ, સમતા અને પ્રસન્નતા ડહોળાય છે. આથી તેવાં આહાર-પાણીનો ત્યાગ કરવો. વિગઈવાળા ખોરાકથી કાઈમ વધે છે. અમેરિકામાં કાઇમ કરતાં માણસોના ભોજનનું જ્યારે વર્ગીકરણ કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં. એ બધા જ હાઈપર ગ્લાઇસિમીયા (લોહીમાં શર્કરા)ના રોગોથી ગ્રસિત હતા. જેના કારણે એમના સ્વભાવમાં ચીડિયાપણું, ગુસ્સો, રોષ, શંકાળુ માનસ, ચોરી-લૂંટફાટ, મારપીટ, દંગા-ફંદાસ અને કાનૂનને પડકારવાની મનોવૃત્તિ વધારે પ્રમાણમાં હતી. આ લોકોનાં ખાવા પીવામાંથી જ્યારે ગળ્યા પદાર્થો, તળેલી ચીજો.. સ્ટાર્ચવાળા પદાર્થો ઘટાડવામાં આવ્યા ત્યારે આશાતીત પરિવર્તનના એંધાણ દેખાયા. શ્રી ઋષભસ્વામીની પુત્રી સુંદરીએ સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરીને સર્વ વિકૃતિનો ત્યાગ કર્યો હતો. વધુ આહાર કરવાથી રોગીપણું પ્રાપ્ત થાય છે. અત્યંત આહાર કરવાથી નવાં નવા મનોરથોની વૃધ્ધિ થાય છે, પ્રબળ નિદ્રાનો ઉદય થાય છે, નિરંતર અપવિત્રપણું પ્રાપ્ત થાય છે, શરીરના અવયવો પુષ્ટ થાય છે અને તેથી કરીને સર્વ ક્રિયાઓમાં પ્રમાદ થાય છે, તેમજ ઘણું કરીને નિરંતર રોગીપણું પ્રાપ્ત થાય છે, માટે હમેશાં રસનેન્દ્રિયને અતૃપ્તિવાળી જ રાખવી. એક રસનેન્દ્રિયને અનુપ્ત રાખીએ, તો બીજી સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોથી નિવૃત્ત થઈને તૃપ્તિ પામે છે, અને રસનેન્દ્રિયને તૃપ્ત રાખીએ તો બીજી સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં ઉત્સુક રહેવાથી અતૃપ્ત જ રહે છે. જુઓ રસનેન્દ્રિયમાં લોલુપ થયેલા મંગુસૂરિ અનેક દુર્ગતિનાં દુખો પામ્યા, તથા કુંડરિક મુનિ પણ જીભની જ લોલુપતાથી હજાર વર્ષ સુધી પાલન કરેલું સંયમ હારી ગયા. માટે સાધુઓએ તથા શ્રાવકોએ અવશ્ય રસત્યાગ કરવું. રસત્યાગ અને ઉપવાસ રસત્યાગનો નિર્વાહ જીવનપર્યત થઇ શકે છે, અને ઉપવાસ વગેરે તો અમુક કાળપર્યત જ થઈ શકે છે; ઉપવાસાદિક તો ઘણા લોકો કરે છે, અને રસત્યાગ તો તત્વ જાણનાર જ કરે છે; તેથી ઉપવાસાદિક કરતાં પણ રસત્યાગનું અધિક ફળ છે, તથી કરીને જ અનેક મુનિજનો વિકૃતિનો ત્યાગ કરે છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16