Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
४६७
મોક્ષમાળા (ચાલુ) | સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે; અને નવતત્ત્વ તેમ જ સામાન્ય પ્રકરણ ગ્રંથો જે સમજી શકે છે: તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. આટલી તો અવશ્ય ભલામણ છે કે નાના બાળકને આ શિક્ષાપાઠોનું તાત્પર્ય સમજણરૂપે સવિધિ આપવું. જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓને શિક્ષાપાઠ મુખપાઠ કરાવવા, ને વારંવાર સમજાવવા. જે જે ગ્રંથોની એ માટે સહાય લેવી ઘટે તે લેવી. એક બે વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું. આ પુસ્તક ભણી હું ધારું છું કે, સુજ્ઞવર્ગ કટાક્ષવૃષ્ટિથી નહીં જોશે. બહુ ઊંડાં ઊતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે ! મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઊછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે. મનમાનતું ઉત્તેજન નહીં હોવાથી લોકોની ભાવના કેવી થશે એ વિચાર્યા વગર આ સાહસ કર્યું છે; હું ધારું છું કે તે ફળદાયક થશે. શાળામાં પાઠકોને ભેટ દાખલ આપવા ઉમંગી થવા અને અવશ્ય જૈનશાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. તો જ પારમાર્થિક હેતુ પાર પડશે. (પૃ. ૫૭-૮) તમે જે પુસ્તકો ભણ્યા છો, અને હજુ ભણો છો, તે પુસ્તકો માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તો ભવ પરભવ બન્નેમાં તમારું હિત કરશે; ભગવાનનાં કહેલાં વચનોનો એમાં થોડો ઉપદેશ કર્યો છે. તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશો નહીં, તેને ફાડશો નહીં, ડાઘ પાડશો નહીં કે બીજી કોઈ પણ રીતે બિગાડશો નહીં. વિવેકથી સઘળું કામ લેજો. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે. તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય અને તેની ઇચ્છા હોય તો આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું. તમે જે વાતની ગમ પામો નહીં તે ડાહ્યા પુરુષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશો નહીં. તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંતુ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. (પૃ. ૧૮-૯). મહાસતીજી “મોક્ષમાળા' શ્રવણ કરે છે, તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતિ કરશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના સુંદર માર્ગથી એમાં એક્ક વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્રભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે. (પૃ. ૧૯૩) મોક્ષમાળા'માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કોઈ વાકયાંતર કરવાની વૃત્તિ થાય તે કરશો. ઉપોદ્દાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશો. ઉપોદઘાતથી વાચકને, શ્રોતાને અલ્પ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાની પુરુષોના આત્મસ્વભાવરૂપ પરમ ધર્મનો વિચાર કરવાની ફુરણા થાય એવો લક્ષ સામાન્યપણે રાખશો. (પૃ. ૬૪૮)