________________
જે પરપદાર્થોને સુખજનક માનીને સંયોગ કરે છે, એ પ્રયત્નમાંથી અનેક દુઃખ ઊગી નીકળે છે. આ પ્રકારે દુ:ખોની દીર્ઘ પરંપરા સર્જાય છે.
અજ્ઞાની આત્મા રેશમના કીડા જેવો છે. રેશમનો કીડો પોતાના મોંમાંથી જ તાંતણો કાઢીને કોષનું નિર્માણ કરે છે અને થોડા સમય પછી પોતે જ એની અંદર પુરાઈ જાય છે. કરોળિયાની જેમ કર્મોની મહાજાળ આત્મા મિથ્યાજ્ઞાનને કારણે પોતાની ચારે બાજુ ગૂંથે છે અને આ મિથ્યાજ્ઞાનના કારણે જ આત્માને એવું પ્રતીત થાય છે કે હું બદ્ધ છું અને તેથી તે સહાયતા માટે ચીસો પાડે છે. આ સમયે એને એવો ખ્યાલ આવતો નથી કે સહાયતા બહારથી નથી મળવાની, તે તો અંદરથી જ પ્રાપ્ત થશે.
જંગલમાં જઈને પોપટ પકડનારા એક ચકરડી લગાવે છે. પોપટ આવીને તેના પર બેસે કે તરત ચકરડી ઘૂમવા માંડે છે. આ સમયે પોપટ એમ વિચારે છે કે જો હું ચકરડી છોડી દઈશ, તો પડી જઈશ, આથી તે વધુ ચુસ્ત રીતે ચકડીને પકડે છે અને એથી ચકરડી પણ વધુ ને વધુ વેગથી ઘૂમવા માંડે છે. જો પોપટ પોતાની પાંખોના બળે ચકરડીને છોડી દે, તો તે ઊડી શકે અને ચકરડી પણ ફરતી બંધ થઈ જાય, પરંતુ પોપટ પોતાની પાંખોની શક્તિને ભૂલીને ચકરડી પર બેઠો-બેઠો હાય-હાય કરે છે અને પરિણામે તે બંધનમાં ફસાઈ જાય છે.
અજ્ઞાની આત્માની બરાબર આવી જ હાલત છે. ચકરડીની જેમ ઘૂમી રહેલો આત્મા સંસાર અને સંસારના પરપદાર્થોને પકડીને તેની સાથે એ ખુદ ચક્કર-ચક્કર ઘૂમવા લાગે છે.
આ આત્મા પોતાની જ્ઞાન-દર્શનરૂપી પાંખોની શક્તિ વીસરી જઈને એ જ વિચારે છે કે જો સંસાર કે પરપદાર્થોને છોડી દઈશ, તો મારો સઘળો આનંદ લૂંટાઈ જશે. હું દુઃખની ઊંડી ખીણમાં પડી જઈશ, આથી જેમ જેમ સંસાર અને પરપદાર્થો ફરે છે, તેમ તેમ તે આત્મા તેને વધારે જોરથી પકડી રાખે છે. આત્મા પેલા પોપટના જેવા જ ભ્રમમાં ડૂબેલો છે. આ આત્મા પોતાના જ્ઞાનબળને કામે લગાડીને સંસાર અને પરપદાર્થોરૂપી ચકરડીનો સંયોગ છોડી દે, તો તેને કર્મજાળનાં બંધનમાં ફસાવું પડતું નથી. આત્મા યથાર્થપણે સમજી લે કે મારા ઘૂમવાથી જ સંસાર અને પરપદાર્થો ફરે છે, ત્યારે તેનું ભ્રમણ બંધ થાય છે, પરંતુ આત્મા તો
આત્મોદ્ધારનું અમૃતતત્ત્વ
૧૦૧