Book Title: Pravachana Ratnakar 05
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 371
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૫ થા; તેથી આત્મા નિજરસથી જ પર્યાયમાં પ્રગટ થશે. આત્મા નિર્વિકલ્પ, વીતરાગભાવથી જ પ્રગટ થાય છે. માર્ગ આવો છે, ભાઈ ! ભગવાન આત્મા નયપક્ષના વિકલ્પની લાગણીથી પ્રગટ થાય એવી વસ્તુ નથી; કેમકે વિકલ્પથી તો આત્મા ખંડિત થાય છે. હું શુદ્ધ છું, અબદ્ધ છું, સિદ્ધસ્વરૂપ છું-ઇત્યાદિ જે બધા નયવિકલ્પ છે તે વડ અખંડ આત્મામાં ખંડ પડે છે. ભેદ પડ છે. ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ અભેદ વિજ્ઞાનઘનસ્વભાવ છે. તેમાં અંતર્દષ્ટિ કરતાં તે નિજરસથી જ તક્ષણ પર્યાયમાં પ્રગટ થાય છે. કોઈ દેવ-ગુરુ-શાસ્ત્રથી નહિ, કે વિકલ્પથી પણ નહિ; પણ નિજરસથી જ પ્રગટ થાય છે. એમ અહીં સ્પષ્ટ કહ્યું છે. સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ સોપાનઃ તેની અહીં વાત ચાલે છે. જ્ઞાનની દશા પર તરફના ઝુકાવથી ખસીને જ્યાં સ્વસમ્મુખ થઈ ત્યાં નિજરસથી જ ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે, અનુભવાય છે. ત્યાં જે અનુભવમાં આવ્યો તે આત્મા કેવો છે? તો કહે છેઆદિ-મધ્ય-અંતરહિત, અનાકુળ આનંદનું ધામ, કેવળ એક, જાણે આખા વિશ્વના ઉપર તરતો હોય તેવો વિશ્વથી ભિન્ન અખંડ પ્રતિભાસમય વસ્તુ આત્મા છે. પર્યાયમાં વસ્તુ પરિપૂર્ણ, અખંડ પ્રતિભાસમય પ્રતિભાસે છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ પરિપૂર્ણ અખંડ દ્રવ્યનો પર્યાયમાં પ્રતિભાસ થાય છે. આખી વસ્તુના પૂર્ણ સામર્થ્યનું પર્યાયમાં જ્ઞાન થાય છે. વિકલ્પથી છૂટીને અંતરમાં જાય છે તેને વર્તમાન જ્ઞાનની દશામાં ત્રિકાળી એકરૂપ અખંડનો પ્રતિભાસ થાય છે. ૧ ૧ લોકોને આવો સત્યમાર્ગ સાંભળવા મળતો નથી એટલે બહારની ક્રિયાકાંડની કડાકૂટમાં જિંદગી નિષ્ફળ વિતાવી દે છે. અહીં કહે છે કે ભગવાન આત્મા જીવતી-જાગતી ચૈતન્યજ્યોત વિશ્વથી ભિન્ન અનાદિ-અનંત વસ્તુ છે. જાણે વિશ્વની ઉપર તરતી હોય એવી વિશ્વથી ભિન્ન છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યવસ્તુ વિશ્વની સાથે કદીય તન્મય નથી. અહા ! પર તરફનું વલણ છોડીને આવા પરિપૂર્ણ સ્વદ્રવ્યમાં જે જ્ઞાનની પર્યાય ઝુકે છે તે પર્યાયમાં આખાય પદાર્થનું પરિજ્ઞાન કરવાનું સામર્થ્ય છે અને તે સમ્યજ્ઞાન છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો અને પંચમહાવ્રતનો જે વ્યવહાર ને વિકલ્પ ઉઠે છે તે શુભરાગ છે. તે શુભરાગ આકુળતામય છે. દુઃખરૂપ છે. તેનાથી શું આત્માનું સુખ પ્રાપ્ત થાય? ન થાય. અરે, હું શુદ્ધ છું, અબદ્ધ છું, એક છું –એવો નિર્ણય જે વિકલ્પમાં થયો તે વિકલ્પ પણ દુઃખરૂપ છે અને તેનાથી આત્માનું સુખ પ્રાપ્ત ન થાય તો સ્થૂળ રાગની તો શું વાત કહેવી ? શ્રુતના સૂક્ષ્મ વિકલ્પ પણ છૂટીને, જ્ઞાનની દશામાં જેને ત્રિકાળી ધ્રુવ, કેવળ એક, અનાકુળ, અખંડ વિજ્ઞાનઘનસ્વરૂપ સ્વદ્રવ્યનો પ્રતિભાસ થાય તેને આત્મા અને આત્માનું સુખ પર્યાયમાં પ્રગટ થાય છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે, અને આવો જ માર્ગ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406