Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૩૪
પંચસંગ્રહ-૨
એ જ પ્રમાણે બીજા સમયના એકથી એકસો પાંચ સુધીના જે અધ્યવસાયો છે તેમાં પ્રથમ અધ્યવસાય બીજા વગેરે અધ્યવસાયોથી અલ્પવિશુદ્ધિવાળો છે અને તે જ પહેલા સમયની વિશુદ્ધિની અપેક્ષાએ એકસોપાંચમા અધ્યવસાય સુધીના અધ્યવસાયોમાંના કેટલાક અધ્યવસાયો અનંતભાગ અધિક, કેટલાક અસંખ્યાતભાગ, કેટલાક સંખ્યાતભાગ, કેટલાક સંખ્યાતગુણ, કેટલાક અસંખ્યાતગુણ અને કેટલાક છેલ્લા અધ્યવસાયો અનંતગુણ અધિક વિશુદ્ધિવાળા હોય છે. એ પ્રમાણે યથાપ્રવૃત્તકરણના ચરમસમય સુધી દરેક સમયના અધ્યવસાયોમાં સૂક્ષ્મ દૃષ્ટિએ અસંખ્યાતપ્રકારની તરતમતા હોવા છતાં સ્થૂલદષ્ટિએ છ-છ પ્રકારની તરતમતા હોય છે. આ તિર્યમુખી વિશુદ્ધિ કહેવાય છે.
પહેલા-પહેલાના સમયના અધ્યવસાયોની વિશુદ્ધિની અપેક્ષાએ ઉત્તરોત્તર પછી-પછીના સમયોની વિશુદ્ધિ પણ સામાન્યથી અનંતગુણ હોય છે. તેને ઊર્ધ્વમુખી વિશુદ્ધિ કહેવાય છે.
યથાપ્રવૃત્તકરણમાં પૂર્વ-પૂર્વ સમયના અધ્યવસાયોથી પછી-પછીના સમયમાં બધા અધ્યવસાયો નવા હોતા નથી. તેમજ પૂર્વ-પૂર્વ સમયના બધા અધ્યવસાયો પછી-પછીના સમયમાં આવતા પણ નથી. પરંતુ પૂર્વ-પૂર્વ સમયના અધ્યવસાયોમાંથી શરૂઆતના અલ્પ વિશુદ્ધિવાળા થોડા-થોડા અધ્યવસાયો છોડે છે. અને જેટલા છોડે છે તેનાથી થોડા વધારે સંખ્યા પ્રમાણ નવાનવા અધ્યવસાયો પછી-પછીના સમયમાં હોય છે. તે આ પ્રમાણે–
પ્રથમ સમયના જે એકસો અધ્યવસાયો છે તેમાંથી એકથી વીસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના જે એકવીસથી સો સુધીના કુલ એંશી અને પચીસ તેનાથી અધિક વિશુદ્ધિવાળા નવા–એમ કુલ એકસો પાંચ અધ્યવસાયો બીજા સમયમાં હોય છે. તેમાંથી પ્રથમ સમયના એકવીસથી ચાળીસ સુધીના વિસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના સાઠ અને પચાસ નવા એમ એકસો દશ અધ્યવસાયો ત્રીજા સમયમાં હોય છે તેમાંથી પ્રથમ સમયના એકતાળીસથી સાઠ સુધીના વિસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના ચાળીસ અને પંચોતેર નવા એમ કુલ એકસો પંદર અધ્યવસાયો ચોથા સમયમાં હોય છે. અને તેમાંથી પણ પ્રથમ સમયના એકસઠથી એંશી સુધીના વિસ અધ્યવસાયો છોડી શેષ પ્રથમ સમયના એકયાશીથી સો સુધીના વીસ અધ્યવસાયો અને એકસો નવા એમ કુલ એકસોવીસ અધ્યવસાયો પાંચમા સમયમાં હોય છે.
એટલે પચીસ સમયાત્મક યથાપ્રવૃત્તકરણના પાંચ-પાંચ સમય પ્રમાણ પાંચ ભાગ પાડીએ તો પ્રથમ સમયના અધ્યવસાયો પાંચ સમય સ્વરૂપ યથાપ્રવૃત્તકરણના પ્રથમ સંખ્યાતમા ભાગના ચરમસમય રૂપ પાંચમા સમય સુધી હોય છે. બીજા સમયના છઠ્ઠા સમય સુધી, ત્રીજા સમયના સાતમા સમય સુધી, ચોથાના આઠમા સુધી, પાંચમાના નવમા સુધી, છઠ્ઠાના દશમા સુધી–એમ યાવતુ એકવીસમી સમયના અધ્યવસાયોમાંના અમુક અધ્યવસાયો યથાપ્રવૃત્તકરણના ચરમ સમય રૂપ પચીસમા સમય સુધી હોય છે. તેથી યથાપ્રવૃત્તકરણના પ્રથમ સમયની જઘન્ય વિશુદ્ધિથી યથાપ્રવૃત્તકરણના પ્રથમના પાંચ સમય સ્વરૂપ સંખ્યામાં ભાગમાંના ચરમ સમયરૂપ પાંચમા સમય સુધી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સમયના અધ્યવસાયસ્થાનની જઘન્ય વિશુદ્ધિ ક્રમશઃ એક-એકથી અનંતગુણ અધિક હોય છે. તે પાંચમા સમયના અધ્યવસાયની જઘન્ય વિશુદ્ધિથી પ્રથમ સમયના અધ્યવસાયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે.