Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[ ૩૫
૧ લું]
ભૌગોલિક લક્ષણે કરતા થયા. ગુજરાત દેશના ધોરીમાર્ગોથી કંઈક દૂર રહી જતું, છતાં મારવાડ, મેવાડ, માળવા, ખાનદેશ વગેરે પડોશી પ્રદેશ સાથે એ ઠીક ઠીક વ્યવહાર ધરાવતું. વળી સમુદ્રકાંઠાને લઈને એ સિંધ અને કોંકણ જેવા પ્રદેશો સાથે જળમાર્ગેથી વ્યવહાર ધરાવતું, આથી સમય જતાં દેશના અને દુનિયાના બીજા ભાગોમાંથી અવારનવાર કેટલીક અન્ય જાતિઓનાં માનવકુલ અહીં આવી વસ્યાં. એમાંની કેટલીક જાતિઓ લડાયક વૃત્તિની હતી તે બહુધા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખુલ્લાં મેદાનોમાં વસીને પોતપોતાના પ્રદેશનાં સંરક્ષણ તથા વિસ્તાર માટે તેમજ પરસ્પર દંટફિસાદ તથા વેરઝેર માટે કયારેક ધીંગાણું કરી બેસતી, પરંતુ બાકીના સમયમાં ખેતી, પશુપાલન અને હુન્નરકલાઓના ધંધારોજગાર સંભાળતી. તળ-ગુજરાતના ફળદ્રુપ વિસ્તારમાં વસતી પ્રજા બહુધા ખેતી અને હુન્નર-ઉદ્યોગના વ્યવસાયમાં પરાયણ રહેતી ને એમાં કેટલાક વર્ગ વેપારવણજ ખીલવતો. સમુદ્રકાંઠા પાસે માછલાં મારવા ઉપરાંત કેટલેક ઠેકાણે મીઠું પકવવાને ધધે ચાલતે. ખારવાઓ દેશવિદેશના વહાણવટામાં પાવરધા થતા ગયા ને સાહસિક વેપારીઓ સમુદ્રપારના વેપારવણજને વિકસાવવા લાગ્યા. કચ્છ અને સૌરાષ્ટ્રના ભૂ-ભાગની રૂક્ષતાએ તથા અ૮૫ વિકસિતતાએ આ સાહસિકતાને સવિશેષ ખીલવી. ભરૂચ, વલભી, વેરાવળ, માંગરોળ-સોરઠ, પોરબંદર, દ્વારકા, માંડવી, ખંભાત, સુરત વગેરે બંદરે દેશવિદેશના દરિયાઈ વેપારનાં મથક બન્યાં. ગુજરાતના સાહસિક વેપારીઓ એશિયા, આફ્રિકા અને યુરોપના દેશોની સફર ખેડતા, ત્યાં પોતાની પેઢીઓ ખોલતા, ને ક્યારેક ત્યાં કાયમી વસવાટ પણ કરતા. મધ્ય અને દક્ષિણ ગુજરાતના પાટીદાર પણ કમાણી કરવા દેશાવર જવામાં સક્રિય ભાગ લેતા થયા. આમ પ્રાકૃતિક લક્ષણોએ માનવજીવનના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો ને પરિણામે ગુજરાતની પ્રજાના માનસમાં મુખ્ય પ્રકૃતિ વેપારીની ઘડાઈ. મળતાવડો સ્વભાવ, કલહભીરુતા, શાંતિપ્રિયતા ધરછોડની વૃત્તિ, દૂરંદેશી, વિશાળ દષ્ટિ ઈત્યાદિ લક્ષણે વ્યાપક બન્યાં. જે આગંતુકે, નિર્વાસિતો, વેપારીઓ અને આક્રમણકારે ગુજરાતમાં આવી વસ્યા તે સહુને ગુજરાતે પોતાનામાં સમાવી લીધા ને એ સહુમાં વત્તેઓછે અંશે એ લક્ષણ ખીલતાં ગયાં.
નાનાંમોટાં રજવાડાં સ્થપાતાં એમાં લડાયકવૃત્તિ ઉપરાંત મુત્સદ્દીગીરી અને કાવાદાવાની વૃત્તિ પણ ઠીક ઠીક ખીલી. આ વૃત્તિ સંખ્યાબંધ રજવાડાં ધરાવતા સૌરાષ્ટ્રમાં સવિશેષ ખીલી. રાજાઓ, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ અને સાહસિકોમાં કેટલાક મેધાવી તરીકે પણ તેજવી નીવડ્યા. સ્વભાવની સમતાએ પ્રજાના મોટા વર્ગમાં ધાર્મિકતા અને ભાવિતાના સંસ્કાર ખીલવ્યા.