Book Title: Chitta Sthairyani Kedio
Author(s): Amarendravijay
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ ચિત્ત કરતાં શ્વાસોચ્છ્વાસની ક્રિયાનું નિયમન કરવું સહેલું પડે છે. આથી, ચિત્તની દોડને પોતાની ઈચ્છાનુસાર ન રોકી શકનાર પ્રારંભિક અભ્યાસી શ્વાસોચ્છવાસના નિયંત્રણ દ્વારા ચપળ ચિત્તની એ દોટ ઉપર અંકુશ મેળવી, ધારણા-ધ્યાનના અભ્યાસમાં સરળતાથી પ્રગતિ સાધી શકે છે. જૈન પરંપરા અને શ્વાસોચ્છ્વાસનું આલંબન : ‘શ્વાસોચ્છ્વાસના અવલંબને ચિત્તથૈર્ય'ના સિદ્ધાંતનો સ્વીકાર અને પ્રયોગ જૈન સાધના-પ્રણાલિમાં પૂર્વે વ્યાપકપણે થયો છે, એની પ્રતીતિ આગમોમાં આવતા, કાયોત્સર્ગની અવધિ દર્શાવતા, ઉલ્લેખો આપે છે. મુનિનાં અને શ્રાવકોનાં દૈનિક અનુષ્ઠાનોમાં કાયોત્સર્ગની ક્રિયાની એવી વ્યાપક ગૂંથણી છે કે જેથી આ પ્રક્રિયાનો અભ્યાસ હરહંમેશ થતો રહે. એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં- ક્રિયામાં જતાં, તે ક્રિયાનો પ્રારંભ બહુધા ‘ઈરિયાવહી પ્રતિક્રમણ'થી કરાય છે કે જેમાં પચીસ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનું વિધાન છે; અર્થાત્ તન કે મનને ક્ષુબ્ધ કરતી કોઈ પણ પ્રવૃત્તિ પછી નવી પ્રવૃત્તિમાં જોડાવાનું હોય ત્યારે પચીસ શ્વાસોચ્છ્વાસ સુધી કાયાને સાવ શિથિલ અને નિશ્ચલ રાખી, મૌન રહી, શ્વાસની ગતિ સાથે ચિત્તને શાંત થવા દેવામાં આવે, જેથી પછીની ક્રિયા શાંત, સ્વસ્થ અને એકાગ્ર ચિત્તે થઈ શકે. જુદા જુદા નિમિત્તે અને સમયે કરાતા કાયોત્સર્ગની ક્રિયા એકસરખી હોવા છતાં એનો સમય દરેક પ્રસંગે એકસરખો નથી. ૧૫

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29