Book Title: Chitta Sthairyani Kedio
Author(s): Amarendravijay
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ સમત્વ વિનાની એકાગ્રતા અનિષ્ટઃ મુમુક્ષુએ એ સમજી રાખવું ઘટે કે માત્ર એકાગ્રતા તેનું લક્ષ્ય નથી; ચિત્તની નિર્મળતાપૂર્વકની એકાગ્રતા તેને ઈષ્ટ છે; રાગ, દ્વેષ કે મોહમાંથી જન્મતી એકાગ્રતા આત્માર્થીને ન ખપે. ઉંદર ઉપર તરાપ મારવા સાવધાન બેઠેલી બિલાડી, માછલાંને ઝડપી લેવા એક પગ ઉપર ઊભો રહેલો બગલો કે શત્રુની હિલચાલ ઉપર નજર રાખીને ખાઈમાં છુપાઈને બેઠેલો અને શત્રુને વીંધી નાખવા નિશાન લઈ રહેલો સૈનિક એકાગ્ર તો છે, કિંતુ એ એકાગ્રતા પણ વર્જય છે. ભૌતિક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ, અનિષ્ટની નિવૃત્તિ કે પ્રાપ્ત ઈષ્ટ વસ્તુ (કે સ્થિતિ) ના સંરક્ષણ અર્થે ઉત્સુક કે અન્યને હાનિ પહોંચાડવાના વિચારમાં તલ્લીન બનેલ ચિત્તને જ્ઞાનીઓએ આવકાર્યું નથી, એટલું જ નહીં, તેને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તરીકે ઓળખાવી, તેનાથી વેળાસર અળગા થઈ જવાનો મુમુક્ષુને અનુરોધ કર્યો છે. માટે, આ પ્રક્રિયાઓના અભ્યાસની સાથોસાથ વૈરાગ્ય, વિશ્વપ્રેમ અને જ્ઞાન દ્વારા ચિત્ત ઉત્તરોત્તર વિકારમુકત થતું જાય અને સમભાવમાં પણ વૃદ્ધિ થતી રહે એની યોજના આત્માર્થીએ કરવી જોઈએ. મુમુક્ષુનું અંતિમ લક્ષ્ય તો, સાત્ત્વિક વિચારોમાં પણ ન અટકતાં, મનથી પાર જઈ, આત્મસ્વરૂપમાં સ્થિર થવાનું છે. અકેલી એકાગ્રતા મનથી પાર લઈ જતી નથી. આખરે એકાગ્ર તો મન જ થાય છે ને ? એટલે મનથી પાર જવા માટે સાધક ચિત્તસ્થર્યની કેડીઓ વટાવી અંતર્મુખતા અને સાક્ષીભાવના ધોરીમાર્ગે ચડવું રહ્યું. | 8

Loading...

Page Navigation
1 ... 26 27 28 29