________________
તેઓ સ્થાનિક સામાજિક સંસ્થાનો તથા જૈન પરિવારોની મુલાકાત લેતા. મુંબઈમાં ડિવાઈન નૉલેજ સોસાયટીના ગુરુદેવના શિષ્યો તેમને ખૂબ ઉમળકાથી આવકારતા. જેને પગલે દેશનાં અન્ય શહેરોમાં પણ ગુરુના આવકારની જાણે તૈયારી થઈ જતી. મુંબઈમાં તેઓ સર્વોદય પાર્શ્વનાથ મંદિર અને સર્વોદય હોસ્પિટલની મુલાકાત લેતા જે ગુરુદેવના શિષ્ય કાંતિભાઈએ બાંધ્યાં હતાં.
ગુજરાતમાં ઘણી વાર તીર્થયાત્રાળુઓ ભાવનગરમાં બિધરો માટે આવેલી શાળાની મુલાકાત લેતા. જે શાળામાં જે.એમ.આઈ.સી. દ્વારા ભંડોળ અપાયું હતું. અમદાવાદમાં તેઓ સ્વાધ્યાય મંદિરની મુલાકાત લેતા જે એક ધ્યાન કેન્દ્ર હતું. જે ગુરુદેવના પિતા મુનિ ચંદ્રકાંત સાગરજીને અર્પણ કરાયું હતું. વળી, તેઓ સાબરમતીના કાંઠે આવેલા ગાંધી આશ્રમની પણ મુલાકાત લેતા.
બે મહત્ત્વનાં જૈન તીર્થોની મુલાકાત ઉપરાંત વિદ્યાર્થિઓને દેશના વિવિધ ભાગોમાં પણ લઈ જવાતા. તેમાં ખાસ કરીને શ્રાવણ બેલગોલાનો સમાવેશ થતો. જ્યાં એક જ મોટા પથ્થરમાંથી બાહુબલીનું ૫૭ ફૂટનું પૂતળું ખડું કરાયું હતું. ત્યાર બાદ મૈસુરના વૃંદાવન ગાર્ડનની મુલાકાત લેવાતી. દરેક તીર્થયાત્રાળુને ભારત પ્રવાસ દરમિયાન અસંખ્ય અનુભવ થતા અને તે તેમને માટે અનોખા રહેતાં. દિલ્હીમાં તેમને જે તે સમયનાં વડાં પ્રધાનો ઇંદિરા ગાંધી કે મોરારજી દેસાઈ સાથે પણ મુલાકાત કરવાનો મોકો મળતો. ૨૦૦૫ની સાલમાં જે.એમ.આઈ.સી. અને જૈનાએ સંયુક્ત ઉપક્રમે તીર્થયાત્રાળુઓના આ ગ્રુપને કલકત્તા નજીક આવેલા શ્રી સમેત શિખરજીની પણ મુલાકાત કરાવી. બીજી એક વખત ૨૦૦૬ની સાલમાં વિદેશથી આવેલા આ તીર્થયાત્રાળુઓને ગોવા ખાતે યોજાયેલી વર્લ્ડ વેજિટેરિયન કૉંગ્રેસમાં જવાનો મોકો મળ્યો જ્યાં ગુરુદેવ વક્તવ્ય આપવાના હતા.
ઘણા બધા વિદ્યાર્થીઓ જે.એમ.આઈ.સી.ની આ તીર્થયાત્રા રૂપે અનેક વાર ભારત આવ્યા. લેક વ્હીટમોર મિશીગનમાં લાઈટ હાઉસ સૅન્ટર સ્થાપનારાં ચેતના ફ્લોરીડાએ પોતાના અનુભવ અંગે આ રીતે લખ્યું, “ગુરુદેવ ચિત્રભાનુજી અને પ્રમોદાબહેન સાથેનો આધ્યાત્મિક તીર્થયાત્રા પ્રવાસ હંમેશાં જાણે મને તો પહેલી વારનો હોય તેવો જ લાગે છે. ભારતના અલગ અલગ હિસ્સા જોવાનો મોકો મળે છે એ કારણોસર આ લાગણી નથી થતી. જ્યારે પણ હું ભારત પાછી ફરું છું ત્યારે મને લાગે છે કે હું મારી ચેતનાના, મારી સજાગતાના એક જુદા જ સ્તર પર છું. આ રીતે આ અનુભવ મારી અંદર ઊંડો ઉતરે છે કે હું દર વખતે વિકાસના એક નવા સ્તરે હોઉં છું. આ સમયે ગ્રુપમાં જે લોકો હતા તે અલગ અલગ વાતાવરણમાંથી આવ્યા હતા. પણ તે બધા જ એક સાથે નવી સમજ અને નવો બોધ મેળવવાની દિશામાં ચાલી રહ્યા હતા.’’
- ૧૩૭ -
ચિત્રભાનુજી