________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
૧૭૫ કાલકાચાર્ય વિદ્યમાન છે જેઓ શ્રુતપાઠના બળથી મારા કહ્યા પ્રમાણે નિગોદનું સ્વરૂપ સમજાવી શકે. તે સાંભળી ઇન્દ્ર અતિ ઘરડા માણસનું રૂપ લઈ લાકડી ટેકતાં ટેકતાં ઉપાશ્રયે આવ્યા. ધમણની જેમ તેનો શ્વાસ વધી પડ્યો. મહારાજજીને વંદના કરી તેણે પૂછ્યું “મહારાજજી ! હું વૃદ્ધ છું. વ્યાધિઓ તો જાણે ઘર કરીને બેઠી છે. હવે મારું આયુષ્ય કેટલુંક બાકી છે? મારી રેખા જોઈ શાસ્ત્રાધારે કહેવા આટલી કૃપા કરો. સ્ત્રી-પુત્રો પણ ઉપેક્ષા જ સેવે છે - કંટાળી ગયો છું આ બધાથી. દુઃખે દિવસો વીતે છે. તમે તો છયે કાય પર કૃપા કરનાર છો - મારા પર કૃપા કરી આટલું જણાવો.' ઇત્યાદિ દીન વચનો કરગરતાં તેણે કહ્યાં. જ્ઞાનવાન ગુરુએ ચેષ્ટા-ભાષણ તેમજ લક્ષણાદિ જોઈને સંવાદિતા ન જણાયાથી શ્રુતનો ઉપયોગ મૂકી જોતાં જાણ્યું કે આ તો લાખો વિમાનોનું આધિપત્ય ભોગવનાર ને ધાર્યું કરનાર સૌધર્મેન્દ્ર છે. તેથી તેઓ કાંઈ બોલ્યા વિના વૃદ્ધની ચેષ્ટા જોઈ રહ્યા. થોડીવારે પાછો ડોસો બોલ્યો “મહારાજ! કેમ બોલતા નથી? હું વૃદ્ધાવસ્થાને કારણે વધારે બેસી શકતો નથી. માટે શીઘ કહોને કે હું કેટલું જીવીશ? પાંચ વરસ કાઢીશ કે તેથી વધુ - ઓછું?' આચાર્ય મહારાજે કહ્યું “તેથી ઘણું અધિક આયુષ્ય તમારું છે.” વૃદ્ધ પૂછ્યું “કેટલું? વીસ-ત્રીશ કે ચાલીશ વરસ ? કેટલા વર્ષ જીવતર છે?' મને સાચું સાચું જે હોય તે કહો.” આચાર્યશ્રીએ કહ્યું “એકની એક વાત વારે વારે શું પૂછો છો? આંકડાની ગણતરીમાં સમાય તેવું તમારું આયુષ્ય નથી. તે અપરિમિત છે. પરમ તારક પરમાત્મા મુનિસુવ્રતસ્વામીજીના શાસનકાળમાં તમે ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા છો. તે પછીના આ વર્તમાન ચોવીશીના છેલ્લા ચારે તીર્થંકર ભગવંતના પાંચ-પાંચ કલ્યાણક મહોત્સવો તમે ઊજવ્યા છે. તેમજ આવતી ચોવીશીના પણ કેટલાક તીર્થંકર ભગવંતોની વંદના અર્ચના તમે કરવાના છો કેમ કે તમારું આયુષ્ય બે સાગરોપમમાં થોડુંક ઓછું છે.” આ સાંભળી અતિર્ષિત થયેલા ઈન્દ્ર મહારાજા પ્રગટ થયા. નિગોદનું સ્વરૂપ જાણી નિઃશંક અને સંતુષ્ટ થયા. તથા શ્રી સીમંધરસ્વામીજીના શ્રીમુખે સાંભળેલી પ્રશંસા કહી સંભળાવી અને આગ્રહપૂર્વક પ્રાર્થના કરી કે “મારા યોગ્ય સેવા ફરમાવો.” ગુરુમહારાજે કહ્યું ધર્મનિષ્ઠ આત્માઓના-ધર્મીષ્ઠ સંઘોનાં વિઘ્નો નિવારો.” ઈન્દ્ર પ્રસન્ન થયા. પોતે આવ્યાની નિશાની તરીકે તેમણે ઉપાશ્રયના મુખ્ય બારણાને દિવ્ય અને મનોહર બનાવી તેની દિશા ફેરવી નાખી ને સ્વસ્થાને ગયા.
આચાર્યશ્રીના શિષ્યો થોડીવારે ગોચરી લઈ પાછા આવ્યા. બારણું ફરી ગયું હોઈ તેઓ ફરીને આવ્યા ને પૂછવા લાગ્યા “ભગવંત ! આ આપનો જ ચમત્કાર છે. જો આપ વિદ્યાનું કૌતુક જોવા સ્પૃહા રાખો તો અમને વિદ્યાના ચમત્કારમાં સ્પૃહા થાય જ ને?” ગુરુશ્રીએ કહ્યું: “આપણને ચમત્કારમાં જરાય રસ ન હોવો જોઈએ. ચમત્કાર એ સિદ્ધિની કે અસાધારણ સ્થિતિની વાત નથી, પણ આજે આવ્યા હતા ને તેમણે જતાં જતાં આમ કર્યું છે.' ઇત્યાદિ બધી બીના તેમણે જણાવી તો શિષ્યોએ હઠ કરી કે “અમને પણ ઈન્દ્રનાં દર્શન કરાવો.' આચાર્યશ્રીએ કહ્યું, દેવરાજ મારા વચને બંધાયેલા નથી, તે આપમેળે આવ્યા હતા ને પોતાની મેળે ગયા છે. તમારે આવી બાબતમાં હઠ કે આગ્રહ રાખવો ઉચિત નથી.' ઇત્યાદિ ઘણું કહ્યા છતાં તે દુર્વિનીત શિષ્યો માન્યા