________________
૫૧
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
આવાં વચન સાંભળીને જાણે શોકના કણિયા જ ન હોય એવાં આંસુ ઝરાવતો ચતુર શુકરાજ બોલ્યો કે; "આ અમૂલ્ય તીર્થોની પાસે આવીને તેની યાત્રા કર્યા વગર કેવી રીતે પાછો ફરી શકું ?” ગમે તેવું ઉતાવળનું કામ હોય; તો પણ યથોચિત અવસર પર આવેલું ભોજન નહીં જ મૂકવું જોઈએ, તેમ યથોચિત ધર્મકાર્ય પણ મૂકવું નહીં જ જોઈએ. વળી માતા તો આ લોકના સ્વાર્થનું કારણ છે, પરંતુ તીર્થ-સેવન તો આ લોક અને પરલોકના અર્થનું કારણ છે, માટે તીર્થયાત્રા કરીને તરત જ મારી માતાને મળવા આવીશ. તમે હવે અહિંયાંથી પાછાં વળો, હું તમારા પાછળ-પાછળ તુરત જ ત્યાં આવી પહોંચીશ. મારી માતાને પણ એમ જ કહેજો કે, "હમણાં જ આવે છે.” આમ કહેવાથી તે દેવી ક્ષિતિપ્રતિષ્ઠિતપુર તરફ ગઈ, અને શુકરાજકુમારે તીર્થયાત્રા કરવા જ્યાં શાશ્વતી પ્રતિમાઓ છે ત્યાં જઈ ત્યાંનાં ચૈત્યોને મોટા આશ્ચર્યપૂર્વક વંદનપૂજન કરીને પોતાના આત્માને કૃતાર્થ કર્યો. ત્યારપછી ત્યાંથી પાછા વળીને સત્વર પોતાની બન્ને સ્ત્રીઓને સાથે લઈ પોતાના સસરાની તેમજ ગાંગીલ ઋષિની રજા લઈને, શ્રી આદીશ્વરપ્રભુને નમીને, અનુપમેય અતિશય વિશાળ વિમાનમાં બેસીને ઘણા વિદ્યાધરોના સમુદાયથી પરિવરેલો શુકરાજ મોટા આડંબર સહિત પોતાના નગર સમીપ આવી પહોંચ્યો. નગરના ઘણા લોકો સામે આવી પગલે-પગલે પોતાના મુખથી જેની પ્રશંસા કરી રહ્યા છે એવો, સાક્ષાત્ ઈમહારાજનો પુત્ર જયંત જ ન હોય એવો શકરાજ નગરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેના પિતાના હુકમથી નગરવાસીઓએ તેના નગરપ્રવેશ સંબંધી મહોત્સવ કર્યો; કેમકે, તેનું આગમન વરસાદની જેમ સર્વને અત્યાનંદકારી થયું. ત્યારપછી શુકરાજ યુવરાજની જેમ પોતાના પિતાનું રાજ્ય સંભાળવા લાગ્યો. શું એવો સામર્થ્યવાન પોતાના પિતાની રાજ્યધુરા ન સંભાળે ? સર્વ લોકને ક્રીડાનંદમય સમુદ્રસમાન વસંતઋતુ આવી, ત્યારે તે રાજા પોતાના બન્ને પુત્રો તેમજ પરિવાર સહિત બાગ-બગીચામાં ક્રીડાર્થે આવ્યો.
ત્યાં સર્વજન સ્વ-સમુદાયથી સ્વચ્છંદ ક્રીડામાં પ્રવર્તવા માંડે છે, એટલામાં અકસ્માત્ મોટો કકળાટ શબ્દ સાંભળવાથી રાજાએ પૂછ્યું કે; આવો ભયંકર શબ્દ કયાંથી થયો ? ત્યારે તે શબ્દ થયાના પ્રયોજનનો માહિતગાર એક સુભટ આવી કહેવા લાગ્યો કે, "હે મહારાજ ! સારંગપુરનગરના વીરાંગ નામના રાજાનો પરાક્રમી સૂર નામનો પુત્ર, પૂર્વભવના વૈરભાવને લીધે ક્રોધાયમાન થયેલો જાણે હાથી જ આવતો ન હોય ! એમ બનીને હંસરાજકુંવર સાથે લડાઈ કરવા આવ્યો છે’ આ વાત સાંભળતાં રાજા વિચારવા લાગ્યો કે -
"હું તો માત્ર નામનો જ રાજા છું, રાજ્યકારભાર અને તેની સારસંભાળ તો શકરાજ કરે છે, તે વળી આશ્ચર્ય છે કે એ વીરાંગ રાજા તો મારો સેવક છતાં તેના પુત્રને મારા પુત્ર પર શું વૈરભાવ ?” પછી તે રાજા હંસરાજ તથા શકરાજને સાથે લઈ તેની સામે ત્વરાથી દોડવા ધારે છે, એટલામાં એક ભાટ આવી તેને કહેવા લાગ્યો કે "હે મહારાજ ! પૂર્વભવમાં હંસરાજે એને કંઈક પીડા ઉપજાવેલી છે, તેના વૈરભાવથી એ તેની જ સાથે યુદ્ધ કરવા માગે છે.” તે સાંભળી યુદ્ધ કરવા તત્પર થયેલા પોતાના પિતા તથા ભાઈને અટકાવી વીર-શીરોમણિ હંસરાજ પોતે સૈન્યબદ્ધ થઈને તેની સામે યુદ્ધ કરવા ચાલ્યો. ક્ષત્રિયપુત્ર કેમ ઝાલ્યો રહે ? તેમ સૂર રાજકુમાર પણ ઘણાં શસ્ત્ર જેમાં ભરેલાં છે એવા સંગ્રામના ૨થ પર બેસીને અભિમાનથી રણભૂમિએ આવ્યો. ત્યાં સર્વના દેખતાં ખરેખર આશ્ચર્યજનક અર્જુન અને કર્ણના સ૨ખું તે બન્નેનું શસ્ત્રાશસ્ત્રી યુદ્ધ થયું.